રાગ બિન્દાસ- સંજય છેલ / ‘ચાંદ સી મેહબૂબા’થી ચંદ્રયાન-2 સુધી

article by sanjaychhel

Divyabhaskar.com

Jul 29, 2019, 04:12 PM IST

રાગ બિન્દાસ- સંજય છેલ
​​​​​​​ટાઇટલ્સ :
જીવનમાં પણ સુદ અને વદ આવે, તમારા મૂડ પ્રમાણે!(છેલવાણી)
આખરે આપણે ‘ચંદ્રયાન-2’ અવકાશમાં તરતું મૂકી દીધું! આખા દેશને ચાર ચાંદ અપાવતી આ સિદ્ધિ મુબારક! પણ ચાંદની વાત નીકળે તો હિન્દી ફિલ્મોમાં ‘મહોબ્બત’ શબ્દ પછી સૌથી વધારે કોઇ વિષય પર ગીતો લખાયાં હોય તો એ છે: ચાંદ, ચંદ્રમા, ચંદા, ચાંદની... સાંભળ્યું છે કે સંગીતકાર એસ.ડી. બર્મનને દેવાનંદ પહેલીવાર કવિ શૈલેન્દ્ર સાથે કામ કરવા મજબૂર કર્યા. બર્મનદાએ ધૂન બનાવીને શૈલેન્દ્રને મોકલી કે સંભળાવી. બીજે દિવસે રેકોર્ડિંગ હતું, પણ ગીતકાર શૈલેન્દ્રને ગીત સૂઝે નહીં. મુંબઇના નેશનલ પાર્કમાં આખો દિવસ બેસીને વિચારતા રહ્યા. એમની સાથે બર્મનદાનો કિશોર વયનો પુત્ર પંચમ ઉર્ફ રાહુલ દેવ બર્મન હતો. રાહુલનું કામ એ હતું કે શૈલેન્દ્ર ગીત લખે એ એણે લઇને બર્મનદા પાસે તરત આવવાનું. છેક સાંજ પડી પણ ગીત બન્યું જ નહીં. તો શૈલેન્દ્ર પછી નેશનલ પાર્કથી જૂહુના દરિયાકિનારે જતા રહ્યા. પાછળ પાછળ રાહુલ દેવ બર્મન પણ ગયા. જુહૂના કિનારે ટહેલતાં ટહેલતાં ઉપર ખીલેલા પૂર્ણ ચંદ્રને જોઇને, અચાનક શૈલેન્દ્રને એક પંક્તિ સૂઝી. એમણે સિગારેટના બોક્સમાંના ચાંદીના કાગળ પર ગીતનું મુખડું લખ્યું, ‘ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાન... આંખોં મેં સારી રાત જાયેગી, તુમકો ભી કૈસે નીંદ આયેગી?’ અને એ ગીત પછી ચંદ્રપ્રકાશ તળે જ શૂટ થયું અને અજરાઅમર થઇ ગયું.
‘આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ના જાયે તેરી મેરી બાત આધી’વાળું ગીત વી. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’માં સુપરહિટ થયેલું ત્યારે વિવેચકો એ ફિલ્મની હિરોઇન સંધ્યાની ઓવર એક્ટિંગને જોઇને કહેતા કે સંધ્યા જો ‘અડધો ચંદ્રમાં’ માટે આટલી ઓવર એક્ટિંગ કરે છે તો ‘આખો ચંદ્રમા’ હોત તો શુંનું શું કરત? ચાંદને માટલાની જેમ માથે મૂકીને નાચત? પ્યાસા કે કાગઝ કે ફૂલ બનાવનાર ગુરુદત્તની ‘ચૌદવી કા ચાંદ’ સૌથી સફળ ફિલ્મ હતી! રાજકપૂરે પણ પોતાની ફિલ્મોમાં ચાંદને બેશૂમાર વાપર્યો ‘દમ ભર જો ઉધર મુંહ ફેરે ઓ ચંદા...’ ગીતમાં ફિલ્મી સેટ પરનો સફેદ ચંદ્ર ફિલ્મનું પાત્ર હોય એમ ચમકતો હતો. 90ના દાયકામાં સલમાન ખાનની, એનાથી મોટી ઉમ્મરની હિરોઇન શ્રીદેવી સાથે ફિલ્મ ‘ચાંદ કા ટુકડા’ આવી હતી ત્યારે હાઇટમાં અને ટેલેન્ટમાં નાના એવા સલમાન માટે બધા કહેતા કે ચાંદ એટલે શ્રીદેવી અને એનો નાનો ટુકડો એટલે ‘સલમાન’! વાચકોને જાણીને નવાઇ લાગશે કે એક જમાનામાં આકાશમાં ખીલેલા ચાંદને કેમેરામાં શૂટ કરવું બહુ અઘરું કામ હતું એટલે મોટે ભાગે ચાંદના શોટ સ્ટુડિયોમાં નકલી ચાંદની આસપાસ ઝાડની ડાળીઓ ગોઠવીને લેવાતા. મારી પોતાની ફિલ્મ ‘ખૂબસૂરત'માં ઉટીના પર્વત પર ચાંદ શૂટ કરવા એક ઊંચા ઝાડ પર મારા ડ્રાઇવરને ચઢાવીને સફેદ એક્રેલિક પ્લાસ્ટિકના ચાંદને અમારે શૂટ કરવો પડેલો. હવે ડિજિટલ યુગમાં ચાંદની સિનેમેટોગ્રાફી આસાન છે અને હવે તો અસંખ્ય રેડીમેઇડ શોટ પણ મળે છે, જેમાં તરતાં વાદળો વચ્ચે ચમકતો ચાંદ દેખાતો હોય છે. જોકે, ચાંદના કરિશ્માથી, ચાંદના પ્રભાવથી હોલિવૂડ પણ બાકાત નથી ‘મૂન રેકર, ‘મૂન સ્ટ્રક’, ‘મૂન લાઇટ’ કે ‘મૂન એન્ડ મોન્સ્ટર’ જેવી અસંખ્ય ફિલ્મો વિદેશમાંયે બની છે, પણ ત્યાં ચાંદ કે મૂનનો ઉપયોગ મોટેભાગે હોરર ફિલ્મમાં થાય છે જેમાં પૂનમનો ચાંદ ખીલતા સામાન્ય માણસ પાગલ થઇને શેતાન કે મોન્સ્ટર બની જાય છે! કમાલ છેને? આપણે ત્યાં ચંદ્ર દેવતા છે અને પશ્ચિમી કલ્ચરમાં શેતાન! વાત ચાંદને જોનારી દૃષ્ટિની છે.
ઇન્ટરવલ :
આજ મહારાજ! જલ પર ઉદય જોઇને,
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે (કવિ ‘કાંત’)
છેક 1969માં માનવીએ પ્રથમવાર ચાંદ પર પગ મૂકેલો અને એ ઘટનાનો ઉલ્લેખ અમે 1970માં લખાયેલ એક ગુજરાતી બાળનાટકમાં વાંચેલો કે ‘સાંભળ્યું છે કે ચાંદ પર પણ મુંબઇના રસ્તાઓની જેમ બહુ બધા ખાડાઓ છે!’ અને ખરેખર આજે આટઆટલાં વર્ષ પછી પણ મુંબઇના રસ્તા પરથી ખાડાઓ ગયા નથી! આપણા હોનહાર વૈજ્ઞાનિકો છેક ચાંદ સુધી ચંદ્રયાન-2 ઉડાડી શકે છે, પણ રોડના ખાડાઓનો ઇલાજ આપણે નથી શોધી શકતા! કમાલ છેને?
આપણા સંસ્કૃત સાહિત્યથી લઇને હિન્દી-ઉર્દૂ સાહિત્ય કે ગુજરાતી સાહિત્યમાં પણ ચાંદ લાડકું પાત્ર છે. ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં’ સાંભળીને કૈં કેટલાં દિલ ઘાયલ થયાં છે! કવિ દયારામ તો રોમેન્ટિક ગીત’ હવે સખી નહીં બોલું નહીંમાં ચંદ્રમા માટે કાવ્યનાયિકા પાસે કહેવડાવે છે કે ‘ચંદ્ર બિંબમાં લાંછન છે વળી રાહુ ગળે ખટ માસે રે, પક્ષે વધે ને પક્ષે ઘટે કળા નિત્ય ના પૂર્ણ પ્રકાશે રે’ એટલે કે જે ચાંદમાં વદ-સુદમાં વધ-ઘટ થાય છે એની સાથે પ્રેમી જો પ્રેમિકાને સરખાવે તો કાવ્યનાયિકાને એ નથી ગમતું! છેને મખમલી ચાંદની જેવી મુલાયમ ફરિયાદ? તો વળી શાયર સૈફ પાલનપુરીએ કહ્યું છે કે, ‘આપણા યુગનું આ કમભાગ્ય કેવું? ગયા ચાંદ સુધીને એકેય ચહેરો ન મળ્યો!’ ઇન શોર્ટ, સેંકડો કિલોના વજનમાં કાગળ જોખાય એટલી અદ્્ભુત રચનાઓ ચાંદ વિશે લખાઇ ચૂકી છે.
વિજ્ઞાન કહે છે કે પૂનમની અસર દરિયા પર થાય છે, ભરતી આવે છે એમ માણસના શરીરમાં પણ 70% પ્રવાહી છે એટલે પૂનમના દિવસે ઘણા લોકોનું છટકી જાય છે. આજે ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં વારે વારે બીજાઓને ઉતારી પાડીને બાઝવા કરતાં, ઝેર ઓકતા કે વિના કારણ લમણા લેતાં માણસોને જોઇને એવું જરૂર અનુમાન કરી શકાય, નક્કી આવા બકવાસ પાછળ પૂનમને કારણે આવતા પાગલપનનો જ પ્રતાપ હશે!
‘ચંદ્રયાન-2’ની સફળતા ઇસરોના વૈજ્ઞાનિકોની વર્ષોની સાધના છે, પરંતુ આપણા કવિઓ, કલાકારો કે પ્રેમીઓએ પણ યુગો યુગોથી ચંદ્રને સાધવાની આરાધના કરી જ છે!
એંડ ટાઇટલ્સ:
આદમ: બોલ! ભારતે ચંદ્રાયન-2 છોડ્યું!
ઇવ: હા અને તમારાથી હજુ તમાકુની ફાકી છૂટતી નથી.
[email protected]

X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી