રાગ બિન્દાસ- સંજય છેલ / ન્યૂ યરના મહાસંકલ્પ એકેય નથી લેવા, જાવ!

article by sanjaychhel

Divyabhaskar.com

Jan 06, 2020, 05:14 PM IST
રાગ બિન્દાસ- સંજય છેલ
ટાઇટલ્સ
સરકારમાં ને સંસારમાં બધાએ સાથે મળીને જુઠ્ઠું બોલવું જોઇએ તો જ દેશમાં શાંતિ રહે(છેલવાણી)
ગરોળીની પૂંછડી કપાઈ જાય પછી પણ એ થોડી વાર સુધી ફફડતી રહે એમ નવા વરસની શરૂઆત દિવસો સુધી છટપટાયા કરે છે. નવા વરસે અચૂક વેવલા લોકો વિચારે કે આ વરસે જરૂર કાંઈક સારું થશે વગેરે. અરે! પણ ‘કોનું સારું થશે?’ એ કોઇ નથી કહેતું! વળી, પોલિયોની બે બુંદ જેમ નવા સંકલ્પો લેવા જ જોઈએ-એવું ડોક્ટરે કહ્યું હોય એ રીતે સૌ નવા વરસના સંકલ્પો લેવા મંડે છે. ઓશો કહે છે: ‘આવતી કાલ માટે આજે સંકલ્પ કરીને તમે આવનારા દિવસનું અપમાન કરો છો. સંકલ્પમાં તમે જે થઇ શકે કે થવાનું છે એને પડકારો છો. તમે ક્ષણોમાં જીવવાનું ભૂલી જાવ છો’ સાચી વાત છે! ન્યૂ યરના સંકલ્પ લેતા સાથે જ તમે મને-કમને ઈનડાયરેક્ટલી કબૂલ કરી લો છો કે તમારું ગયું વરસ એટલું સારું નહોતું એટલે જ આ વખતે નવા સંકલ્પો લેવા પડે છે!
ગયા વરસે શહેરના રસ્તાઓ પર ખાડાઓ એના એ જ હતા, જે અગાઉના વરસે હતા. ભાવવધારો એટલો જ હતો જે એની અગાઉ હતો! ટી.વી. સિરિયલોની વારતાઓ એટલી જ વિચિત્ર હતી જે છેલ્લાં અનેક વર્ષોથી હતી તો પછી ગયું વરસ ખરાબ હતું ને આવનારું વર્ષ સારું જ હશે એમ કેમ માની લેવાય? પણ જો તમને એમ લાગે કે ‘સાલું, જીવન ખૂબ ડિપ્રેસિંગ ને બોરિંગ છે’ ત્યારે તમારી પાસે બે વિકલ્પો હોય છે. એક, તો ટી.વી. પરના ન્યૂઝને જોઈને માથું પકડીને બેસી જાવ કે ‘હાય હાય, લાઈફ બહુ ખરાબ છે. નશા વિનાની શરાબ છે. ખુશબૂ વિનાનું ગુલાબ છે. દુનિયા ખતમ થવાની છે અને એની મારાથી જ શરૂઆત છે!’ તો એનો એક ઓરિજિનલ ઉપાય આપું. ધારો કે તમે ટી.વી. પર સમાચાર જોતા હો તો એનો સાઉન્ડ બંધ કરી દો અને એમ વિચારો કે ટી.વી. પર ન્યૂઝની નમણી એન્કર ખૂબ સારી સારી વાતો કહી રહી છે. સુંદર ઘટનાઓની કલ્પનાઓ કરો. જેમ કે- તમે ગૃહિણી હો તો ટી.વી. ન્યૂઝમાં એમ કલ્પી શકો કે ‘કાંદાના ભાવ વધવાથી સરકારે દરેક ગૃહિણીને પાંચ કિલો કાંદા લેવા માટે બેન્ક લોન આપવાની યોજના રાખી છે. તમારે બેન્કમાં તમારું મંગળસૂત્ર દેખાડવાનું અને પ્યાજ ખરીદવા બિના વ્યાજ લોન મળશે!’
બીજું એ કે રોજ સંકલ્પ બદલો. આળસુ વરસમાં એક વાર સંકલ્પ લે કે આ વર્ષે હું કોઈની પંચાત નહીં કરું, જુઠ્ઠું તો ભાગ્યે જ બોલીશ વગેરે વગેરે, પણ મહેનતુ માણસે રોજ રોજ નવા તાજા સંકલ્પો બનાવવાના જેમ કે, ‘હું આવતી કાલે સવારે જાગી જ જઈશ અને ઊઠીને બ્રશ પણ કરીશ જ!’ હવે નેચરલી તમે સવારે ઊઠશો જ અને બ્રશ પણ કરશો જ એટલે તમને આપોઆપ અંદરથી સારું લાગશે કે જોયું? મેં એક સંકલ્પ પાળી જોયો! વળી, તમારા સંકલ્પોને નેતાઓનાં વચનોની જેમ મોઘમ રાખો. જેમ કે, ‘હું સવારે સમયસર જાગી જઈશ’ (પણ આમાં વહેલી સવારે બોલવું જરૂરી છે, કારણ કે તમે બપોરે સૂતા હો તો તમારે રાત્રે નવ પહેલાં ઊઠવું જ જોઈએ, નહીં તો તમારા ઘરના લોકો એમ માની બેસશે કે તમે ‘કોમા’માં સરી પડ્યા છો!)
ટૂંકમાં, સંકલ્પો નહીં લેવાના અને લો તો બહુ અઘરા તો નહીં જ!
ઇન્ટરવલ :
સીના તાને, બાહેં ખોલે, ઐસે મસ્તાની ડોલે,
જૈસે કોઈ દારૂ કા ઘડા! મુત્ત કોડી કવાડી હડા.
(દો ફૂલ- ફિલ્મ)
તમે બહુ જ ઉદાસ હો તો તમારા રોજિંદા સંકલ્પોનો ડોઝ થોડો બદલો. જેમ કે, ‘હું જાડી થઈને ફુગ્ગાની જેમ ફાટી પણ પડું, તોય આખી દુનિયાથી મારે શું લેવાદેવા?’ યેસ. દુનિયા! આપણા જીવનમાં દુનિયા નામનું પાત્ર અવશ્ય આવતું હોય છે. તમે સામેના માણસને રડતા રડતાં કહો કે, ‘હું ખરાબ છું, આઈ હેટ માઈસેલ્ફ!’ ત્યારે સામેવાળી વ્યક્તિ કદાચ એમ પણ કહે કે, ‘અચ્છા એમ? વાંધો નહીં, પણ તમારી પાસે વરિયાળી કે સોપારી હોય તો આપોને.’ ટૂંકમાં, દુનિયાને તમારી ફરિયાદ સાંભળવાની કે વિચારવાની જરાય પડી નથી હોતી. એમ યાદ રાખો કે દુનિયા કમ્પ્લેઈન નોંધાવવાનું એક એવું કાઉન્ટર છે જ્યાં બેઠેલ ઓફિસર હંમેશાં બહેરો જ હોય છે. દુનિયા વિશે વધુ ન વિચારો, કારણ કે દુનિયાને તમારા વિશે વિચારવાની જરાયે પડી નથી.
ખુશ થવાનો બીજો એક ખુરાફાતી આઈડિયા છે: બીજા લોકોને, તમારાથી નીચા ગણીને એકદમ પોઝિટિવ ફીલ કરો. જેમ કે, છોકરી હો તો તો વિચારો કે ‘હું પેલી જેટલી જાડી ભમ્મ તો નથી જ!’ અથવા તો પુરુષ હો તો વિચારો કે, પેલાની બેન્કમાં મારા કરતાં પૈસા વધારે ભલે હોય, પણ મારા માથા પર એના કરતાં વધારે વાળ તો છે!’ આનાથી તમને સારું લાગશે, પણ આ વાત મિટિંગમાં, પાર્ટીમાં કે જાહેરમાં મોટેથી ન બોલવી. નહીં તો સામેનો માણસ તમને ચેલેન્જ ફેંકશે: ‘ચાલ, ગણીને બતાડ મારા વાળ અને તારા વાળ સાથે સરખાવ!’ એક તો એમાં ટાઈમ બહુ જશે અને સામેની વ્યક્તિ તમારા પર બૂરી નજર નાખીને નેગેટિવ એનર્જી આપશે. એટલે મનમાં ને મનમાં મૌન રાખીને કરવા પણ સુખી થવાના નાના પ્રેક્ટિકલ સંકલ્પો કરવા.
ઘણીવાર તમે અમુક સંકલ્પો કરતા હો છો, પણ તમને ખબર નથી હોતી. જેમ કે, ગાડી ચલાવતી વખતે સિગ્નલ તોડો તો મનમાં કહો છો કે વાંધો નહીં, કોઈ હવાલદાર જોતો નથી અને લગભગ તમે બચીયે જાવ છો. આ સંકલ્પની ઊર્જાને લીધે તમારામાં હિંમત આવે છે, પણ જો સાંતા ક્લોઝનું માસ્ક પહેરીને તમે બેન્ક લૂંટવા જાવ અને પછી વિચારો કે લૂંટી લેને બિન્ધાસ્ત! કોઈ નહીં જુએ તો અહીં પ્રોબ્લેમ છે. એક તો બેન્ક લૂંટતાં પકડાઈ જવાય એ તો મોટો પ્રોબ્લેમ છે જ, પણ જો તમે ભૂલથી તમારી જ બેન્કમાં જઈ ચઢ્યા હો તો તમારા જ ખાતામાંથી ચોરી કરી બેસશો અને ‘ચૂપચાપ બધા પૈસા આપોડડડડ’ એમ બરાડતી વખતે તમને કેશિયર ઓળખી પણ જાય એમ બને!
એક ઝેન ગુરુ પાસે એક જુવાન ધર્મ, સત્ય, આત્મા એવું બધું જ્ઞાન પામવા ગયો. ઝેન ગુરુએ કહ્યું, ‘બેસ, ચા પી’ પેલાએ ચા પીધી. ગુરુએ કહ્યું, ‘કાલે વાત’ બીજે દિવસે પણ ગુરુએ ચા પીવડાવી અને કહ્યું કાલે વાત. ત્રીજે દિવસે પણ એમ જ થયું. આમ છ મહિના ચાલ્યું. એક દિવસ જુવાન ગુરુ પર ભડક્યો ને કહ્યું, ‘હું અહીં જ્ઞાન મેળવવા આવ્યો છું કે ચા પીવા?’ ગુરુએ કહ્યું, ‘જીવનમાં સરખી રીતે શાંતિથી ચા પીતાં પણ આવડેને તોયે ઘણું છે. નાની વાતમાં જ જ્ઞાન છુપાયું છે’ માટે જ કહું છું સંકલ્પો ના લો અથવા રોજ નાના નાના સંકલ્પો લો: સવારે ઊઠીશ, બ્રશ કરીશ, શાંતિથી ચા પીશ! કારણ કે જેની ચા સુધરી, એની ‘આજ’ સુધરી અને જેની ‘આજ’ સુધરી એનો અવતાર સુધર્યો!
એંડ ટાઇટલ્સ:
આદમ: તારી વાતોથી હું પાગલ થઈ જઈશ!
ઇવ: એક જ માણસ એકસાથે બે વાર પાગલ ના થાય!
[email protected]
X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી