અંદાઝે બયાં- સંજય છેલ / હેપ્પી ન્યૂ યર યારો: પણ સ્પે. સેલિબ્રેશન ક્યૂં? વ્હાય? કાયકુ રે?

article by sanjaychhel

Divyabhaskar.com

Jan 02, 2020, 12:24 PM IST
અંદાઝે બયાં- સંજય છેલ
ટાઇટલ્સ
નવું કેલેન્ડર વાંચવાથી સમય ન બદલાય. - છેલવાણી
હે વાચક/વાચિકા,
તેં નવા વરસની નવી ડાયરી લીધી? ચેક પર નવા વરસને લખવાની પ્રેક્ટિસ કરી? કરી લો બાકી, એ સિવાયની બાકી બધી જ ફિલોસોફી નક્કામી છે. હા, હું જાણું છું કે ન્યૂ યર પર ઈમોશનલ થઇને હરખાવાનું તારા કે મારા સ્વભાવમાં નથી, પણ તોયે હું કે તું ‘ભાવ’ના નહીં ‘સ્વ-ભાવ’ના માણસો છીએ. ન્યૂ યર પર નિતનવા સંકલ્પો કરવાના તેં ને મેં ક્યારના છોડી દીધા છે, જેમ તેં વર્ષો પહેલાં રમકડાંઓ સાથે રમવાનું કે ઈશ્વર વિશે વિચારવાનું છોડી દીધું છે એમ. છતાંય હું નવા વરસે તને અમુક નવી સલાહો આપવાની લાલચ રોકી નથી શકતો, કારણ કે તને ભલે આ બધામાં શ્રદ્ધા નથી, પણ મને તારામાં તારાથી વિશેષ શ્રદ્ધા છે! એટલે જ કહેવાનું મન થાય છે કે તારે કેટલાક નવા સંકલ્પો ચોક્કસ લેવા જોઇએ.
આ જાહેરમાં લખું છું, કારણ કે આ જાલિમ દુનિયામાં તારા જેવા મનમોજી, મૂડી, મિજાજીઓ છે અને એમને પણ કદાચ આ મારી વાતોથી ફાયદો થાય. તો... મેં તારા વતી અમુક સંકલ્પો વિચાર્યા છે. વેલ, હવે એ સંકલ્પો અપનાવવા કે નહીં એ તો તારી મરજી...
સંકલ્પ-1: ડોન્ટ થિંક મચ!
સેન્સિટિવ માણસોનો એક હી ચ પ્રોબ્લેમ હોય છે કે એમને બધી વાતોમાં પ્રોબ્લેમ હોય છે. જ્યાં દુઃખી ન થવાનું હોય ત્યાં પણ એ દુઃખી થવા પહેલી પંગતમાં અંગત લાભાલાભ જોયા વિના બેસી જાય છે. તો એ સૌએ સુખી થવું હોય તો થોડું ઓછું વિચારવું અને ઓછું વિચારવાના કેટકેટલા ફાયદા છે એના પર પણ વધુ ન વિચારવું. દરેક વાતમાં દિલ બાળવાનો કોઇ અર્થ નથી. હરેક ‘ક્યૂ?’ ‘વ્હાય?’ ‘કાયકુ’ના જવાબ નથી હોતા, જેમ દરેક ગીત ગઝલ કે હાઇકુ કાંઇ લાજવાબ નથી હોતા. સો, ડોન્ટ થિંક મચ. જગતના કાજી બનીને સુધારવા કાજે આપણે અહીં ધરતી પર નથી આવ્યા. એકવાર સંતા પાસે એનો પાડોસી દોડતો આવ્યો અને બોલ્યો, ‘સંતા, સંતા... ઘર મેં આગ લગ ગઇ!’ તો સંતાએ આરામથી કહ્યું, ‘મૈનું કિં? મુઝે ક્યા?’ પાડોસી બરાડ્યો, ‘અબે આગ તેરે ઘર મેં લગી હૈ!’ સંતાએ ફરી ટાઢકથી કહ્યું, ‘તો તૈનું કિં? તુઝે ક્યા?’ આ જોકને તું દિલ પર છૂંદણાં કે ટેટુની જેમ છૂંદાવી લે જેથી રોજ નાની નાની વાતો તને છૂંદી શકે નહીં!
સંકલ્પ-2: એક એડવાઇઝ- ડોન્ટ એડવાઇઝ!
બીજી સલાહ એ છે કે લોકોને સલાહ ન આપવી. કોઇ ગમે તેટલું પ્રિય હોય, સલાહ આપવામાં બ્રેક માર. કોઇને સાંભળીને કોઇ ક્યારેય સુધરતું નથી. સદીઓથી સંતો મહાત્માઓ રામકથાઓ કરે છે, રામ જેવા આદર્શ હીરો તો શું, કોઇ રાવણ જેટલા જ્ઞાની વિલન પણ નથી બની શકતા! જે માણસ વહેલો ઊઠી ન શકે એને સૂર્યોદય જોવાની સલાહ આપીએ તો એમાં સંબંધોનો સૂર્યાસ્ત થઇ જવાની શક્યતા છે. મોટા ભાગના લોકો જડ વિચારોને, પચ્યા વિનાના વાંચનને કે રેડીમેઇડ માન્યતાઓને પ્રેતની જેમ વળગી રહે છે, એ પ્રેતને તારે મરચાંની ધૂણી કરી જગાડવાની કોઇ જરૂર નથી, કારણ કે એ મરચાંની ધૂણીથી તારી આંખો જ ત્રાસ પામશે. શાસ્ત્રોમાં એક કવિએ કહ્યું છે: ‘સંસારમાં ત્રણ પ્રકારના લોકો છેઃ એક-જે જ્ઞાની છે, પણ બીજાના જ્ઞાનની પરવા નથી કરતા. બીજા- જે મિથ્યાભિમાની છે એ અહંકારથી બીજા સહુને અવગણે છે. ત્રીજા- જે સાવ અજ્ઞાની છે, કંઇ જાણતા જ નથી તો પછી એવા આ સંસારમાં હું કોના માટે લખું?’ તો તારી મારી હાલત એવી જ છે... કંઇ સમજાયું?
ઇન્ટરવલ
એક બ્રાહ્મનને કહા હૈ કિ યહ સાલ અચ્છા હૈ -ગાલિબ
સંકલ્પ નં. 3: ચર્ચાના ખર્ચા ન કર
અજાણ્યા અણઘડ, અભણ, અસહિષ્ણુ પ્રાણીઓ સાથે નક્કામી ચર્ચાઓમાં ક્યારેય ન પડવું, કારણ કે મોટા ભાગના લોકો ટીકા અને નિંદા, કટાક્ષ અને કટુતા, માર્કેટિંગ અને સત્ય, મૂલ્યો અને કિંમત વચ્ચેનો ફર્ક નથી સમજતા. એવા અબૂધોને સમજાવવાનો પ્રયત્ન એટલે દરિયામાં ખસ-ખસ નાખવા જેવી કે દાઉદને સ્ટેપલરથી ડરાવવા જેવી વ્યર્થ વાત છે. જે સભામાં મૂર્ખાઓ વક્તાઓ હોય ત્યાં મૌન જ રાખવું. દા.ત. જેણે કદીયે ફિલ્મ ન બનાવી હોય એની સાથે કલા વિશે કે ફિલ્મો બનાવવાની તકલીફો વિશે ચર્ચા કરવી એ વંધ્યા-સમાગમ જેવી વાત છે. સ્ટેડિયમમાં બેસીને વિરાટ કોહલીની રમત પર કોમેન્ટ આપનારા વામણાઓની સાથે ક્યારેય વિવાદમાં ન ઊતરવું, એ ફેન્સિંગ પર છે અને સ્ટેડિયમમાં નથી એ જ કાફી છે એમની માફી માટે. એમની તારીફ કે ટીકા બંનેથી ગેમ પરથી આપણું ધ્યાન હટી શકે છે. મોત્ઝાર્ટે કહેલું : ‘જેણે સ્ટેજ પર ઓર્કેસ્ટ્રા કંડક્ટ કરવાની હોય એણે લોકો તરફ પીઠ કરીને જ સ્ટેજ પર ઊભવું પડે છે...’ લોકોને ‘પીઠ’ દેખાડવી એ ‘પીઢ’ થવાની નિશાની છે... અને હા, પોલિટિકલ ચર્ચામાં તો પ્લીઝ, ક્યારેય ન પડવું, કારણ કે લોકો પાર્ટીના ફતવા કે નેતાઓના ગ્લેમરથી અંજાઇ જાય છે. લોકોમાં ઘેટાવૃત્તિ એવી તીવ્ર હોય છે કે સ્ટ્રોંગ લીડર કે એક સરમુખત્યાર એમને હાંકે એ ગમે છે. વાંસળીવાળાની પાછળ જતાં સેંકડો ઉંદરડાંઓ જેવી ટોળાશાહીમાં આપણે જીવીએ છીએ. હિટલર કે સ્ટાલિન પાછળ પણ કલાકારો, બૌદ્ધિકો, સાયન્ટિસ્ટો ઘેલા થયેલા જ ને? માટે કયો રાજનેતા કે પક્ષ ગેરમાર્ગે દોરે છે એ ચર્ચવામાં શ્વાસ ખર્ચવાની જરૂર નથી. એક કહેવત છેઃ નીમ-હકીમ, ખતરા-એ-જાન. અડધો હકીમ, જાનનો ખતરો હોય છે, એમ અધૂરાઓ સાથે ભૂલમાંયે ચર્ચા કરવી જ નહીં. માટે હે મિત્ર, તું ચર્ચામાં ન પડ.
સંકલ્પ-4: ફ્રેન્ડશિપમાં ફિલ્ટર રાખ!
આ બધું સાંભળીને તું કહીશ કે આટલું વિચારી વિચારીને કઇ રીતે જીવી શકાય? જિંદગી કંઇ બોમ્બ ડિફ્યુઝ કરવા જેવી ગંભીર વાત નથી કે દરેક વખતે લાલ વાયર કાપીએ કે પીળો એમ વિચારીને વિચારીને ડરીડરીને જીવીએ. કબૂલ. પણ તો પછી સંબંધો બાંધવામાં એક ફિલ્ટર રાખ. કોને મિત્રો બનાવવા, કોને પોતાનાં ગણવાં એ વિશે સભાન રહીને આગળ વધ. મિત્રો કે શત્રુઓ બનાવવામાં બહુ ઉદાર ન બન. ઓશો રજનીશ જ કહે છે: તમારો ખાસ મિત્ર એક દિવસ તમારો ખાસ શત્રુ બની શકે છે અને શત્રુતામાં તમે તમારા શત્રુ જેવા થઇ જશો. એ કીચડ ફેંકશે તો તમે કીચડ ફેંકશો, એ ગાળ બોલશે તો તમે ગાળ બોલશો એટલે છેવટે તમે તમારા શત્રુનું પ્રતિબિંબ બની જશો! તો શું તમે એમના જેવા બનવા માગો છો?
વેલ, મને ખબર છે કે આ બધી વાતોને અવગણીને તું એ જ ઝિંદાદિલીથી જીવવાની બાળહઠ કરીશ ને ફરી ફરીને એ જ ભૂલો કરીશ, તો ઘડીભર થાય છે કે તું આમાનાં કોઇ કરતાં કોઇ સંકલ્પ ન લે તો જ સારું અને તું જેવો છે કે જેવી છે એ જ બની રહે.
એન્ડ ટાઇટલ્સ
આદમ: તારા નવા વરસના સંકલ્પો શું છે?
ઇવ: તને એ કદીએ ન કહેવા એ.… {
[email protected]
X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી