રાગ બિન્દાસ- સંજય છેલ / ટીચરજી, મારે પણ ‘ચાણક્ય’ બનવું છે!

article by sanjaychhel

Divyabhaskar.com

Dec 02, 2019, 11:47 AM IST
- રાગ બિન્દાસ- સંજય છેલ
ટાઇટલ્સ
જે પરિવારમાં કાકા-ભત્રીજા એકમેક પર ભરોસો ન મૂકી શકે ત્યાં નાશ થાય, એટલે કે એમનાં જૂનાં કૌભાંડોના પુરાવાઓનો!(‘છેલ-ચાણક્ય’વાણી)
1980ના દાયકામાં અભિનેતા દિલીપકુમારે સરસ ફરિયાદ કરેલી,‘ગુજરાતના સ્ટાર અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી કહે છે કે તેઓ ગુજરાતના ‘દિલીપકુમાર’ છે. બંગાળના સ્ટાર-અભિનેતા ‘ઉત્તમકુમાર’ કહે છે કે તેઓ બંગાળના દિલીપકુમાર છે! દક્ષિણમાં કમલ હાસન કહે છે હું સાઉથનો ‘દિલીપકુમાર’ છું! જો એ બધા જ દિલીપ કુમાર હોય તો હું ક્યાંનો ‘દિલીપકુમાર’ છું?’ એ જ રીતે આજકાલ દેશમાં એવો સુવર્ણયુગ આવી ગયો છે કે અનેક ચાણક્ય એકસાથે જીવી રહ્યા છે. કોઇકને દિલ્હીના ચાલાક ચાણક્ય કહેવાય છે. શરદ પવારને મહારાષ્ટ્રના મીંઢા ચાણક્ય કહેવાય છે. નીતીશ કુમારને બિહારના ચાલુ ચાણક્ય કહેવાય છે. મમતાજી ખુદને બંગાળનાં વાઘણ ચાણક્ય ગણાવે છે! ઇનશોર્ટ, જે કોઇ પણ, જે કોઇ પણ રીતે સરકાર બનાવી, ટકાવી કે તોડી શકે એ સૌને ચાણક્ય કહેવાની ફેશન ચાલે છે.(અસલી ચાણક્યજી, સ્વર્ગમાં પોતાની લાંબી ચોટલી ખેંચીને વિચારતા હશે કે હું આવો હતો?) ઇનશોર્ટ, ભારતમાં હજીયે બધા જ સાઉથ ઇન્ડિયન લોકોને ‘મદ્રાસી’ કહેવામાં આવે છે એમ આજે બધા જ ચાલાક લોકોને ચાણક્ય કહેવાય છે. ચાણક્ય, નામ નથી રહ્યું (લેબલ) બની ગયું છે. બિન્ધાસ્ત બેવફાઇનું બ્રાન્ડનેમ બની ગયું છે.
90ના દાયકામાં બોલિવૂડમાં એકસાથે ચાર-પાંચ ફિલ્મો શહીદ ભગતસિંહ પર બની રહી હતી ત્યારે એક બાળકોની એક્ટિંગ સ્કૂલે જાહેરાત આપેલી:‘તમારું બાળક મોટું થઇને ભગતસિંહનો રોલ કરી શકે એવી ટ્રેનિંગ અમે આપીશું!’ (આ માત્ર જોક હતો, ઉત્સાહી મા-બાપોએ એક્ટિંગ સ્કૂલ વિશે અમને પૂછપરછ કરવી નહીં.) જોકે, હવે ખરેખર આ દેશમાં ‘ભાવિ ચાણક્ય’ બનાવવાની ટ્રેનિંગ સ્કૂલો કે કોલેજો ખૂલવી જ રહી! મને તો લાગે છે કે હવે સ્કૂલોમાં ‘મારી મહત્ત્વાકાંક્ષા’ વિષય પર નિબંધ લખવાનું કહેવાનું આવશે ત્યારે ડોક્ટર, એક્ટર કે ક્રિકેટર બનવાનું સપનું બાળકો નહીં જુએ, પણ ‘ચાણક્ય’ બનવા વિશે લખશે. જેમ કે,
‘મારી મહત્ત્વાકાંક્ષા: મારી એકમાત્ર મહત્ત્વાકાંક્ષા એ છે કે મોટો થઇને હું દેશના ઉદ્ધાર માટે પૉલિટિક્સમાં જઇને ચાલાક-ચતુર ‘ચાણક્ય’ બનીશ. બીજી પાર્ટીના નેતાઓને ખરીદીશ, ડરાવીશ અને એ બંને નહીં થઇ શકે તો ખતમ કરી નાખીશ. ખતમ એટલે કે પૉલિટિકલી, કોઇએ બીજો અર્થ કાઢવો નહીં. પેલા અસલી ચાણક્યએ નીતિશાસ્ત્રમાં કહેલું:‘બળ કરતાં બુદ્ધિ મહાન છે’ પણ હું બુદ્ધિ ને બળ બેઉનો ઉપયોગ કરીશ, સમજ્યા? બીજી પાર્ટીના ભ્રષ્ટ-દુષ્ટ નેતાઓને મારી પાર્ટીમાં ખેંચીને તરત જ ‘શુદ્ધ’ જાહેર કરી દઇશ. ‘ચાણક્ય લોન્ડ્રી’ નામની મારી એક લોન્ડ્રીઓની બ્રાન્ડ ખોલીશ, જેમાં ગંગાજીના પવિત્ર પાણી વડે અન્ય પાર્ટીના નેતાઓનાં મેલાં લૂગડાંઓ કરોડોના વાજબીભાવે ધોઇ આપવામાં આવશે.
અસલી ચાણક્યએ તો ‘યુદ્ધ કેમ લડવું’, ‘દેશ કેમ ચલાવવો’ એ બધા પર સુવિચારો આપેલા, પણ મારી પાસે એક પછી એક ઇલેક્શનને લીધે ફાલતુ સુવિચારોનો સમય જ નહીં હોય! હું એ ભાવિ ચાણક્ય બનીશ, જે સુવાક્ય રચવામાં નહીં, પણ સામેનાનું સુ-સુ છૂટી જાય એવું કરી બતાવવામાં માનીશ, પણ હું જે કંઇ રાજકારણ રમીશ, એમાંથી દેશના લોકો જ બધું તારવીને સુવિચાર બનાવી કે ગણી લેશે. એક જમાનામાં અસલી ચાણક્યએ કહેલું કે, ‘અસત્ય અને દગો લાંબો સમય ટકી શકતા નથી!’ તો આજે હું એ ચાણક્યને ચેલેન્જ આપું છું કે એ વાત જ ખોટી છે અને હિંમત હોય તો અમારી પાર્ટી સામે એકવાર ઇલેક્શન જીતીને બતાડે તો હું નામ બદલી નાખીશ! જી ના, મારું નામ નહીં, પણ એમની પાર્ટીનું નામ બદલી નાખીને મારી પાર્ટીમાં ભેળવી દઇશ!
મહાન ચાણક્યએ એમના યુગમાં પ્રતિજ્ઞા લીધેલી કે જીત નહીં મેળવું ત્યાં સુધી વાળ નહીં કાપું ને ચોટી નહીં બાંધું, પણ મારી પાસે એવું બધું કરવાનો ટાઇમ જ નહીં હોય. હું તો સામેનાને જ આખેઆખો કાપી નાખીશ, મારા પોતાના વાળ શું ચીજ છે?’ કાપી નાખીશ’ એટલે કે સામેનાની કરિયર, કારકિર્દીને ખતમ કરી નાખું એમ.(ટીચરજી, એમ પણ મને લાંબા વાળ ગમે છે, પણ સ્કૂલના રૂલ્સને કારણે પરાણે કપાવવા પડે છે! યાદ રાખજો કે મોટો થયા બાદ આપણી સ્કૂલના ટ્રસ્ટીઓની ઓફિસો પર ઇન્કમ ટેક્સની રેડ ના પડાવું તો મારું નામ ભાવિ ચાણક્ય નહીં, સમજાવી દેજો જરા)
ઇન્ટરવલ :
દુર્યોધન કે દલ મેં શામિલ, સત્તા કે ભૂખે પાંડવ,
ચીર દ્રૌપદી કા ઇસ યુગ મેં, ભીમ સ્વયં હી કરતા હૈ
(ચિરંજીત)
પેલા ઓરિજિનલ ચાણક્યએ કહેલું ‘દેવતાઓ પણ પોતાનો મોક્ષ શોધે છે તો માણસ શું ચીજ છે’? એટલે એમને જ અનુસરીને હું મારા વિરોધીઓનો સદા માટે ‘મોક્ષ’ કરી નાખું છું એટલે કે કાયમની છુટ્ટી! કારણ કે આજકાલ એકવાર કોઇ ચાણક્ય બને પછી પોલીસ, કોર્ટ, મીડિયા એ બધાંથી એને કાયમની મુક્તિ મળી જાય છે. ગુનેગારોથી તો સમાજ ડરે છે, પણ આજકાલના ‘ચાણક્યો’ ગમે તેવું કામ કરે, પણ હવે તો સમાજ ને સરકાર-ભક્તો ‘વાહ-વાહ’ કહીને, મર્દાનગી ગણીને તાળી પાડે છે! ઊલટાનું ‘યુદ્ધ એ જ કલ્યાણ’, ‘આતતાયીઓનો નાશ’, ‘રાષ્ટ્રવાદી રાજકારણ(ને પાર્ટી)માં તો કંઇ પણ ચાલે’ વગેરે કહીને ગીતા-બાઇબલ-સોક્રેટિસ-મેકિયાવેલી વગેરેને ટાંકી ટાંકીને એમનું ખુલ્લેઆમ સન્માન કરે છે. વિચાર કરો કે હું ગમે તેવા છળકપટ, દાદાગીરી કે ખોટાં કામો કરીશ, તો પણ માન-સન્માન મળવાનાં હોય તો મોટો થઇને ડોક્ટર કે વૈજ્ઞાનિક શા માટે બનું?
વળી, આદરણીય ટીચરજી, ‘મારી મહત્ત્વાકાંક્ષા’ નિબંધના તમે 10 માર્ક્સ રાખ્યા છે તો આપને ગંભીર વિનંતી છે કે જો તમે 10માંથી 10 માર્ક્સ નહીં આપો તો તમે પછી સ્કૂલના સ્ટાફ રૂમમાંથી કેટલાં કોરાં પાનાં ચોર્યાં છે, છુપાઇને કેટલાં ખાનગી ટ્યુશનો કરો છો એ બધી માહિતી મારી પાસે છે ને એનું જાહેર પ્રદર્શન સ્કૂલના નોટિસબોર્ડ પર કરવામાં આવશે. ટીચરજી, બદનામી આપની જ થશે ને શાળાના સ્ટુડન્ટ્સ તો મને ‘વાહ ચાણક્ય’ કહીને વધાવી જ લેશે એની મને ખાતરી છે. તમે કહેશો કે આ તો ધમકી છે તો મને પૂછવા દો કે જ્યારે તમે ‘મારી મહાત્ત્વાકાંક્ષા’ વિષય પર નિબંધ લખવા કહ્યું ત્યારે તમને શું એમ હતું કે હું લેખક કે શિક્ષક બનવા જેવી ફાલતુ વાતો લખીશ? અને ટીચરજી, તમારી પણ ‘મહાત્ત્વાકાંક્ષા’ નથી વાઇસ પ્રિન્સિપાલ બનવાની? એટલે જવા દો, ચૂપચાપ મને 10માંથી 10 ગુણ આપી દો તો તમારા બધા અવગુણ ભૂલી જઇશ (આવતી પરીક્ષા સુધી)!
ઓરિજિનલ ચાણક્યએ કહેલું,‘જાસૂસોનો કદી 100% ભરોસો કરવો નહીં’ પણ તમે મારો 100% ભરોસો કરી શકો છો. ગઈ પરીક્ષામાં ‘ગાંધીજીની અહિંસા’ વિષય પર લખેલા મારા નિબંધને 10માંથી માત્ર 3 માર્ક્સ મળેલા ને એ પછી પેપર તપાસનાર ટીચરને મેં અહિંસાનો એવો પાઠ શીખવેલો કે હવે તેઓ શાળામાંથી રાજીનામું આપીને દૂર કોઇ ગાંધીઆશ્રમમાં પોતાની સુખ-સલામતીની પ્રાર્થના કરી રહ્યા છે. આમ, મેં એમને ગાંધીજીના માર્ગે જવાની પ્રેરણા કઈ રીતે ને કેટલી અસરકારક રીતે આપેલી એ તો આપ સમજી જ ગયા હશો. ઈનશોર્ટ, 10/10 માર્ક્સ પણ મળે એવા આશીર્વાદ આપો-એવી બે આંખ દેખાડીને, સૉરી... બે હાથ જોડીને વિનંતી કરું છું!
- ચંદુ, ધોરણ 8-અ, ‘ભાવિ ચાણક્ય’
(આ લેખને મહારાષ્ટ્રના કે બીજા કોઈ ઈલેક્શન કે સરકાર ગઠન સાથે સંબંધ નથી. સર્વ પાત્રો ને ઘટનાઓ વાસ્તવિક લાગતી કલ્પનાઓ જ છે!)
એંડ ટાઇટલ્સ:
ઈવ: રાજકારણમાં કંઈ પણ ચાલે?
આદમ: ના, જે હંમેશાં ચાલતું આવ્યું હોય એમ જ ચાલે.
[email protected]
X
article by sanjaychhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી