રાગ બિન્દાસ- સંજય છેલ / જીવન અને મૃત્યુ વચ્ચેની એક પળ

article by sanjay chhel

Divyabhaskar.com

Aug 12, 2019, 06:19 PM IST

રાગ બિન્દાસ- સંજય છેલ
ટાઇટલ્સ
સોમવાર એ રવિવારની આત્મહત્યા છે!(છેલવાણી)
એક નાટકમાં અભિનેતા આત્મહત્યાના દૃશ્ય દરમ્યાન અચાનક હસતાં હસતાં મરી જવાનો અભિનય કરવા માંડ્યો. પ્રેક્ષકો ગંભીર દૃશ્યમાં હસવા માંડ્યા. શો પછી નિર્માતાએ એને વઢીને પૂછયું, ‘ઇડિયટ, તું મરતી વખતે હસતો કેમ હતો?’ અભિનેતાએ કહ્યું, ‘સર, મને મારો ફાલતુ પગાર યાદ આવી ગયો અને પછી હસવું રોકાયું જ નહીં!’ જી હા, આત્મહત્યા પણ એક આવો જ ક્રૂર જોક છે આ સમાજમાં! હમણાં સી.સી.ડી. ઉર્ફ કોફી કેફે ડે જેવી અતિશય સફળ રેસ્ટોરાં ચેનના સર્જક અને બિઝનેસમેન વી.જી. સિદ્ધાર્થે ધંધાની નિષ્ફળતા અને ટેક્સ ડિપાર્ટમેન્ટની સતામણીથી આપઘાત કરી નાખ્યો!
સમાજમાં વધતી આત્મહત્યાઓ પાછળની સાઇકોલોજી સમજવા જેવી છે. જેમ હસીખુશી જીવવાનાં અનેક કારણો છે એમ મરી જવાનાં પણ અનેક કારણો હોય છે. સ્યુસાઇડ કે ખુદકુશીની તરફેણ તો થઇ શકે જ નહીં, પણ આપણો ભૌતિકવાદી અને સફળતાવાંછુ સમાજ જ જાણેઅજાણે આવી આત્મહત્યાઓ કરાવતો હોય છે. આપણે ત્યાં માણસની ‘અંદર’ની ઔકાત, એની ‘ઉપર’ની કમાણી પરથી મપાય છે. એવામાં બેકારીથી કંટાળેલ જુવાન માણસ, જુવાન દીકરીના દહેજથી હારેલ બાપ કે સમસ્યાઓથી થાકેલ ખેડૂત આત્મહત્યા ન કરે તો શું કરે?
રવીન્દ્રનાથ ટાગોરે ‘ગીતાંજલિ’ જેવો કવિતાસંગ્રહ કે આપણું ‘રાષ્ટ્રગીત’ ન લખ્યું હોત અને જીવનમાં માત્ર એક જ કાવ્ય લખ્યું હોત તો પણ મહાકવિ હોત. એ કાવ્ય છે: ‘પરાજિતેર ગાન’ અર્થાત્‌ પરાજિત માણસનું ગીત! વિજયી કે સફળ લોકો પર વાર્તાઓ, લેખ કે ગીતડાં તો બધાં જ લખી શકે, પણ હારેલા માણસ પર ગીત લખે એ જ સાચો ઋષિકવિ. ટાગોરે હારેલા માણસ પર ગીત લખીને સમજાવ્યું કે આત્મહત્યા, કદાચ હારેલાનું વિજયગીત છે! આપણે ત્યાં સૌ કામયાબ અને માલેતુજાર લોકોના જ ડંકા વગાડે છે, માટે જ ‘24 દિવસમાં સફળ બનો’ કે ‘પાંચ મહિનામાં પૈસા કમાવો’ જેવી ફરમાસુ પ્રેરણાની કિતાબો સતત લખાય અને ચપોચપ વેંચાય.
દુનિયાભરમાં આત્મહત્યા કરનારા લેખકો, કવિઓ કે કલાકારો તથા અભિનેતાઓનું લિસ્ટ બહુ લાંબું છે. રિસર્ચ કહે છે કે દુનિયામાં આત્મહત્યા કરનારા લેખકો 150થી પણ વધુ છે! આ નેગેટિવ વાતમાં પણ પોઝિટિવ વાત એ છે કે ભારતમાં આત્મહત્યા કરનારા લેખકોની સંખ્યા બહુ મામૂલી છે. 1961માં નોબેલ પ્રાઇઝ જીતનાર અર્નેસ્ટ હેમિંગ્વેએ પોતાની 12 બોરની બંદૂક લોડ કરી, પોતાના મોં સામે મૂકી અને ગોળી ચલાવી દીધી ને દિમાગના ફૂરચેફૂરચા ઊડી ગયા! કવયિત્રી વર્જિનિયા વુલ્ફે 1941માં 59 વર્ષની ઉંમરે ઘરની પાસે નદીમાં ડૂબીને આત્મહત્યા કરેલી. વર્જિનિયા પોતાના ઓવરકોટમાં અનેક પથરાઓ મૂકીને અને ગળામાં ભારે પથ્થર બાંધીને નદીના પાણી તરફ બસ ચૂપચાપ ચાલવા માંડી હતી અને ડૂબીને મરી ગઇ!
લેખક સ્ટીફન ઝ્વાઇગે 1943માં પોતાની પત્ની સાથે ઘણી બધી ઊંઘની ગોળીઓ ખાઇ લીધી અને એકમેકની બાંહોમાં છેલ્લા શ્વાસ લીધા. યોગાનુયોગની વાત એ છે કે સ્ટીફને એક દિવસ અગાઉ જ પોતાની આત્મકથા ‘વર્લ્ડ ઓફ યસ્ટર-ડે’ પૂરી કરેલી! ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મોના અભિનેતા-નિર્માતા-નિર્દેશક ગુરુદત્તે માત્ર 39 વરસની ઉંમરે ઊંઘની ગોળીઓ ખાઇને ખુદકુશી કરેલી. મૃત્યુના બે કલાક પહેલાં રાજ કપૂર સાથે ફોન પર ગુરુદત્તે એમના જીવન વિશે ખૂબ લાંબી વાત કરેલી. રાજ કપૂરે એક વાર કહેલું કે એ રાતે જો હું એને મળવા ગયો હોત તો કદાચ આ ઘટના ન થાત! જીવન અને મૃત્યુ વચ્ચેની બસ એક પળ જ ચુકાઇ જાય છે!
ઇન્ટરવલ :
તેરે ગિરને મેં ભી તેરી હાર નહીં,
કે તુ આદમી હૈ, અવતાર નહીં.(સાહિર)
જાપાની લેખક અને નાટ્ય કલાકાર યુકિયો મિશીમાએ ‘સેપ્પુકુ’ પદ્ધતિથી એટલે કે પોતાનું પેટ ચીરીને આત્મહત્યા કરેલી. તેઓ છેલ્લા એક વર્ષથી આત્મહત્યા કરવાનું પ્લાનિંગ વિગતવારે કરી રહ્યા હતા. અમેરિકાના કવિ જૉન બેરીમેને વોશિંગ્ટન એવેન્યુ બ્રિજ પરથી છલાંગ મારીને આત્મહત્યા કરેલી. એમના પિતાએ પણ એવી જ રીતે આત્મહત્યા કરેલી!
ભારતમાં આત્મહત્યા કરવાવાળા લેખકોમાં ગોરખ પાંડેય અને બીજા 2-3 લેખકોનાં નામ લેવાય છે. કવિ ગોરખ પાંડેયે(1945-1989) 1969થી નકસલવાદી આંદોલનના પ્રભાવમાં આવેલા અને લોકપ્રિય હિન્દી કવિતાઓથી એ દૂર જતા રહેલા. ગોરખ પાંડેએ દલિત, પીડિત, શોષિતોના જન-આંદોલનને પાનો ચઢાવતી વિદ્રોહી રચનાઓ લખેલી અને એમની કવિતાઓ શોષણમુક્ત દુનિયા માટે બુલંદ અવાજ બની ગયેલી, પણ સ્કિઝોફ્રેનિયા જેવી માનસિક બીમારીથી કંટાળીને 29 જનવરી, 1989ના દિવસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરી નાખી જ્યાં તેઓ રિસર્ચ એસોસિએટની પોસ્ટ પર હતા.
ભારતમાં 2015માં એક લેખકે જાહેર નિવેદન આપેલું કે, ‘આજથી હું લેખક તરીકે મારી જાતને મરેલો ઘોષિત કરું છું. હું વ્યક્તિ તરીકે, શિક્ષક તરીકે જીવીશ, પણ મારાં બધાં જ પુસ્તકો હું પાછાં લઉં છું, મારા પ્રકાશકોને બધી જ કોપીઓ પાછી લેવા માટે વિનંતી કરું છું અને જે નુકસાન થશે તે હું એમને આપી દઈશ, પણ મને ને મારા પરિવારને શાંતિથી જીવવા દો. આજ પછી હું એક પણ અક્ષર લખીશ નહીં!’ આવું કહેનાર હતો પેરુમલ મુરુગન નામનો 48 વર્ષનો તમિલ ભાષાનો લેખક. પેરુમલની ‘માથારુબગાન’ નામની નવલકથામાં સંતાનવિહીન કપલ અને તિરુચેન્ગોડે નામના તીર્થસ્થળમાં અર્ધનારીશ્વર મંદિરમાંની કેટલીક વિચિત્ર રૂઢિઓની વાત હતી. એક જમાનામાં વાંઝણી સ્ત્રીઓ ત્યાં મંદિરમાં અજાણ્યા પુરુષ સાથે શરીરસંબંધ બાંધીને સંતાન પેદા કરતી અને એ સંતાનને ‘સામી-પીલૈ’ એટલે કે ‘ઈશ્વરના સંતાન’ એમ કહેવાતું. બસ, આ વાત સામે મહાલિંગમ નામના રૂઢિવાદી નેતાને વાંધો પડ્યો. 26મી ડિસેમ્બર, 2014માં પેરુમલનાં પુસ્તકોની અસંખ્ય કોપીઓ સળગાવવામાં આવી! પેરુમલને જાતજાતની ધમકીઓ આપવામાં આવી. એને ધક્કે ચઢાવાયો, એના ઘર પર પથ્થરબાજી થઈ. છેવટે પેરુમલને એક ‘શાંતિસભા’માં પરાણે બોલાવવામાં આવ્યો. એક માફીપત્ર પર એની ફરજિયાત સહી લેવડાવવામાં આવી, જેમાં લખેલું હતું કે એ હવે ક્યારેય આવું બધું નહીં લખે, અગાઉ લખેલું પાછું ખેંચી લેશે અને જાહેરમાં માફી માંગશે. આ સિતમથી કંટાળીને લેખકે પોતાના શરીરને નહીં, પણ પોતાનામાં રહેલા ‘લેખક-વિચારક’ને મરેલો જાહેર કર્યો! ત્યાંના નેતાઓ કે પોલીસવાળાઓએ પેરુમલને જરાય મદદ ન કરી, કારણ કે એના પર હુમલો કરનારા કટ્ટરવાદી લોકો હતા! આજે આવા કટ્ટર અને ખતરનાક માણસોથી અને એમનાં ટોળાંઓથી સોશિયલ મીડિયા અને સમાજ ખદબદે છે, જે કોઇને પણ જીવતેજીવત આત્મહત્યા કરાવી શકે! 2012માં ભારત સરકારે ‘આત્મહત્યા એ ગુનો નથી’ એમ જાહેર કરેલું. કદાચ આવું કરીને દેશમાંની નિષ્ફળ સમાજરચનાનો સરકારે સ્વીકાર કરેલો? એની વે, બની શકે તમારી આસપાસના લોકોને ધ્યાનથી જોજો. અનેક લોકો આપઘાતના વિચારોવાળા ટાઇમ બોંબને પોતાની અંદર રાખીને જીવી રહ્યા હશે. એમને ઘડીભર જરા આશા અને સધિયારો આપજો-100 વર્ષની તપસ્યાનું પુણ્ય મળશે!
એંડ ટાઇટલ્સ:
આદમ: શું કરે છે?
ઇવ: કાંઇ નહીં... બસ જીવું છું!
[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી