રાગ બિન્દાસ - સંજય છેલ / ઓહ ગોડ, આહ ગોડ: તું ક્યાં છે?

article by sanjay chhel

Divyabhaskar.com

Jul 22, 2019, 11:48 AM IST

રાગ બિન્દાસ - સંજય છેલ
ટાઇટલ્સ
માણસ એ ઈશ્વરનો સૌથી મોટો ચમત્કાર છે (છેલવાણી)
હમણાં સાઉથના એક સ્વામી નિત્યાનંદે એવો ઈશ્વરી દાવો કર્યો કે એમણે 40 મિનિટ સુધી સૂર્યને ઊગતા રોકી દીધેલો! આપણે ત્યાં આવા બાવાઓ, મહંતો કે ફકીરો જાતજાતના પોકળ દાવાઓ કરે છે! ગુજરાતી ભાષામાં ‘ભગવાન’ એક સુપરહિટ વિષય છે. આપણી મધરટંગમાં ‘ગોડ’ એક ‘બ્લેન્કચેક’ છે. ગોડ કે ઈશ્વર પર લખવું, વાંચવું, વિચારવું, પ્રજાને ખૂબ ગમે છે. ગુજરાતીના દરેક સફળ લેખકે ઈશ્વર વિશે લખ્યું જ છે. શું હશે એનું કારણ? દુનિયાનો ઇતિહાસ બદલી નાખનાર પ્રખર સામ્યવાદી વિચારક કાર્લ માર્ક્સ કહે છે કે જે સમાજમાં અસમાનતા અને શોષણ વધુ હોય ત્યાં ઈશ્વરની ભાવના વધુ પ્રબળ હોય. કાર્લ માર્ક્સની વાતને કોઇએ કેટલા માર્ક્સ આપવા જોઇએ એ તો સમાજશાસ્ત્રીઓ જાણે, પણ આ દેશમાં આટઆટલા ધર્મો, પંથો ધર્મસંસ્થાઓ કેમ છે એ નક્કી રિસર્ચનો વિષય છે.
ઈશ્વર, આપણી દુ:ખતી નસ છે અને સુખની તરસ છે. ધાર્મિક કે શ્રદ્ધાળુ હોવું એ સારી વાત છે, પણ આ વાત એટલે સૂઝે છે કે હમણાં મહાન કલાકાર ચાર્લી ચેપ્લિનો કમાલનો કિસ્સો વાંચ્યો. ચાર્લીએ 1917થી અનેક ફિલ્મો લખી, ડિરેક્ટ કરી એમાં એક્ટિંગ કરી. ચેપ્લિન માનવ ઇતિહાસનો આજ સુધીનો સૌથી મોટો સુપરસ્ટાર છે, હતો અને રહેશે. માત્ર એક લાકડી અને મૂછથી દુનિયાના કોઇપણ ખૂણે લોકો ઓળખી જાય એ ચાર્લી. દુનિયાના અનેક પ્રદેશોમાં લોકો જિસસ ક્રાઇસ્ટને નથી ઓળખતા, ત્યાં પણ ‘ચેપ્લિન’ને જરૂર ઓળખે છે! ડાયલોગ બોલ્યા વિના વાંકુંચૂકું ચાલીને, ખભા ઉછાળીને ચેપ્લિને દુનિયા પર રાજ કરેલું. ઉપરાંત ઘાતકી શાસક હિટલરની વિરુદ્ધ કાતિલ કટાક્ષવાળી ફિલ્મ બનાવેલી, કારણ કે ચાર્લી નાસ્તિક હતો અને ધર્મને નામે પોલિટિક્સ કરનારાઓ પર ચાબખા મારતો.
1922-23માં હોલિવૂડની ‘ફર્સ્ટ નેશનલ’ કંપનીએ લેખક જ્યોવાન્ની પાપીનીની બેસ્ટસેલર બુક ‘લાઇફ ઓફ ક્રાઇસ્ટ’ના હક્ક ખરીદ્યા અને બધે ખબર ફેલાઇ ગઇ કે ઇસુના જીવન પર દુનિયાની સૌથી મોટી ફિલ્મ બનશે. આ ન્યૂઝ સાંભળીને ચાર્લી ચેપ્લિને ‘ફર્સ્ટ નેશનલ’ના માલિક રોલેન્ડ અને બે-ત્રણ પાર્ટનરોને લંચ પર પોતાની વિશાળ ઓફિસમાં બોલાવ્યા. કોઇને ખબર નહોતી કે ચાર્લીએ શા માટે બોલાવ્યા છે, પણ સૌ ચેપ્લિનની મહેમાનગતિ માણવા આતુર હતા. મિટિંગમાં પહેલાં તો ચેપ્લિન એની સ્ટાઇલ મુજબ એક પછી એક જોક સંભળાવવા લાગ્યો. સૌ ખુશ હતા અને એવામાં અચાનક ચાર્લી નિર્માતા રોલેન્ડ તરફ ઘૂમ્યો અને પૂછ્યું, ‘સાંભળ્યું છે કે તમે ‘લાઇફ ઓફ ક્રાઇસ્ટ’ ફિલ્મ બનાવી રહ્યા છો.’ રોલેન્ડે ‘હા’ પાડી.ચેપ્લિને એની અદામાં ઝૂકીને કહ્યું, ‘તો એ ફિલ્મમાં જિસસનો રોલ હું કરવા માગું છું!’
ઇન્ટરવલ :
બે ફૂલ ચઢાવી મૂર્તિ પર પ્રભુ મળે નહીં સસ્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં (અવિનાશ વ્યાસ)
એ મિટિંગમાં ચાર્લી ચેપ્લિને જો પેલા નિર્માતાના માથા પર જોરથી બેઝબોલ બેટ ફટકારી દીધું હોત તોય એને આટલો આઘાત ન લાગ્યો હોત. ‘ચાર્લી ચેપ્લિન જેવો કોમેડિયન અને એ પણ ઇસુ ખ્રિસ્તના રોલમાં?’ રૂમમાં એક સ્ટિરિયો-સોનિક સન્નાટો છવાઇ ગયો!
ચેપ્લિન સમજી ગયો કે સૌ આઘાતમાં છે એટલે સમજાવવાનું શરૂ કર્યું, ‘જુઓ, મારા સિવાય બીજું કોણ ક્રાઇસ્ટ હોઇ શકે? હું જ એકમાત્ર ‘લોજિકલ ચોઇસ’ છું! જુઓને, હું ક્રાઇસ્ટ જેવો દેખાઉં છું! હું યહૂદી છું અને પાછો હું તો કોમેડિયન પણ છું!’ આ સાંભળીને સૌ ફરીથી વધારે ચોંકી ગયા.
પછી તો ચાર્લીએ બીજો બોમ્બ ફોડ્યો, ‘અને હા વળી હું તો નાસ્તિક છું એટલે ઈસુના રોલને તટસ્થતાથી ભજવી શકીશ, કારણ કે મારી અંધ-ભક્તિ એક્ટિંગમાં આડે નહીં આવે. તો મારાથી બીજું કોણ લાયક છે બોલો?’ કોઇ પાસે ચાર્લીના સવાલોનો કોઇ જ જવાબ નહોતો, પણ નાસ્તિક ચેપ્લિન પાસે હજુ એક સવાલ હતો. ચાર્લીએ નાટકીય રીતે હાથ ફેલાવીને, આકાશ તરફ જોઇ બૂમ પાડી, ‘ગોડ કે સુપ્રીમ પાવર જેવું કશું છે જ નહીં! જો હોય તો આવે અને અત્યારે જ મને મારી નાખે. હું ચેલેન્જ આપું છું!’ જોકે, ત્યાં ન તો કોઇ ભગવાન આવ્યા, ન કોઇ ચમત્કાર થયો. કદાચ ઇશ્વર ઉપર સ્વર્ગમાં આરામ ફરમાવતો હતો કે પછી એનેય ખબર હતી કે એની દુનિયામાં બધું ઠીકઠાક ચાલે છે! કોઇ ચાર્લી જેવા સ્ટાર સાથે દલીલ કરવાના મૂડમાં નહોતા. થોડીવારે નિર્માતા રોલેન્ડે ચાર્લીને સમજાવ્યું, ‘સર, તમે જગતના બેસ્ટ એક્ટર છો, પણ થિયેટરની બહાર પોસ્ટર પર ‘ચાર્લી ચેપ્લિન’ ‘ક્રાઇસ્ટના રોલમાં’ એવું લખવાની અમારામાંથી કોઇની હિંમત નથી!
પછી એ મિટિંગમાં આગળ શું થયું એની ખબર નથી, પણ ચાર્લીને ક્રાઇસ્ટનો રોલ ન જ મળ્યો. ઈશ્વરને આહ્્વાન આપીને વિચારતા કરી મૂકનારા કલાકાર શું સાચો આધ્યાત્મિક નથી? કદાચ છે કે અથવા કદાચ નથી! પણ પરંપરાને તરછોડી રિબેલ થઇને જીવનારા આવા કલાકારો-વિચારકો એક નાનકડું વિચાર-વમળ ચોક્કસ જન્માવે છે!
એંડ ટાઇટલ્સ:
ઇવ:તું ભગવાનમાં માને છે? આદમ:તારે શું મનાવવું છે?
[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી