અંદાઝે બયાં / નેતાજી કો મિર્ચી લગી તો મૈં ક્યા કરું?

article by sanjay chhel

વ્યંગકારની આંગળીઓમાં નહોર, દિમાગમાં ગુસ્સો અને હોઠ પર હાસ્ય, એમ ત્રણેય હોવાં જરૂરી છે!

સંજય છેલ

May 22, 2019, 05:23 PM IST

ટાઇટલ્સ
જીવનનો પહેલો ઇ-મેઇલ અને પહેલી ફીમેલ કોઇ ભૂલી શકતું નથી
-છેલવાણી

રશિયાના મેગેઝિનમાં એક કાર્ટૂન બહુ વખણાયેલું, જેમાં ત્રણ મિત્રો ચૂપચાપ એક હોટલમાં બેઠા છે. એક જણ માત્ર એટલું જ બોલે છે, ‘અરરર!’ બીજો બબડે છે, ‘છી છી છી...’ ત્રીજો કહે છે, ‘ઓહ નો!’ અને એટલામાં તો ત્યાં પોલીસ આવીને ત્રણેયની ધરપકડ કરતાં કહે છે, ‘તમે જાહેરમાં આમ સરકારની ટીકા કરશો તો ફાંસી આપીશું!’
આમ તો આ એક ફાસીસ્ટ દેશની વાત છે, પણ દરેક દેશને લાગુ પડે છે. દુનિયાનો કોઇ સત્તાધારી તમને એના પર હસવાનો હક નથી આપવા માગતો. સત્તાધારી કે પછી એના ભાડૂતી ભક્તો તમને કોઇ ને કોઇ રીતે ચૂપ કરતા જ રહેશે.
હમણાં ગયા અઠવાડિયે પ. બંગાળમાં મમતા બેનર્જીએ એક પ્રિયંકા શર્મા નામની છોકરીની ધરપકડ કરાવી, કારણ કે એણે અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ફોટા સાથે છેડછાડ કરીને એમાં મમતાનો ચહેરો મૂકીને એક રમૂજી તસવીર બનાવી હતી! આ ‘તસવીર’ બનાવવા બદલ છોકરીએ જેલમાંથી છૂટવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું અને સુપ્રીમ કોર્ટે એને માફી માગવા કહ્યું! આ જ મમતા બેનર્જીએ આજથી 7 વરસ અગાઉ બીજા એક કાર્ટૂનિસ્ટની પણ પોલિટિકલ કાર્ટૂન બદલ ધરપકડ કરાવેલી! કટાક્ષ પર કાતર ચલાવવામાં સૌ સરકારો અને નેતાઓ સરખા જ હોય છે. શું છે કે દરેક ભાષામાં ચાટુકાર લેખકો-પત્રકારો થોકના ભાવે મળે છે, પણ સારા વ્યંગ્યકાર ભાગ્યે જ હોય છે. વ્યંગકારની આંગળીઓમાં નહોર, દિમાગમાં ગુસ્સો અને હોઠ પર હાસ્ય, એમ ત્રણેય હોવાં જરૂરી છે! તેથી જ સારા કાર્ટૂનિસ્ટો પણ રેર ચીજ છે અને માટે જ સામ્યવાદી રશિયાના કટ્ટરરાજમાં તંત્રી-પત્રકારો કરતાં કાર્ટૂનિસ્ટોને વધારે પૈસા મળતા.
દરેક દોરમાં અહંકારી રાજકારણીઓ પર સૌથી વધુ વ્યંગ્ય બન્યા છે. હિટલર સત્તામાં આવતાંવેંત જ યહૂદી વ્યંગકાર કોફમેનને ગિરફ્તાર કરેલો. હિટલર એને પૂછયું, ‘તેં મારા પર ટુચકાઓ બનાવેલા?’
કોફમેને કહ્યું, ‘હા બનાવેલા.’ પછી હિટલરે પૂછ્યું, ‘જે દિવસે હું મરી જઇશ એ દિવસ યહૂદીઓ માટે તહેવાર હશે - એ જોક તેં બનાવેલો?’
કોફમેન બોલ્યો, ‘હા’.
હિટલરે ફરી પૂછ્યંુ, ‘એકવાર હું નદીમાં તણાઇ રહ્યો હતો અને એક યહૂદીએ મને બચાવ્યો. મેં કહ્યું કે માગ માગ તને શું આપું. ત્યારે યહૂદીએ કહ્યું ખાલી એટલું વચન આપો કે કોઇને કહેશો નહીં કે મેં તમને બચાવેલાં-આ જોક પણ તેં જ બનાવેલો?’
કોફમેને ફરીથી હસીને કહ્યું, ‘હા જી, આ અને આવા અનેક જોક્સ મેં જ બનાવેલા.’
ત્યારે હિટલરે ગન કાઢીને કહ્યું, ‘તારી આ હિંમત? તને ખબર નથી કે હું સદીનો શ્રેષ્ઠ નેતા, સૌથી લોકપ્રિય રાજકારણી અને જેનું શાસન યુગો સુધી ચાલશે એવો મહાન શાસક છું?’
ત્યારે કોફમેને કહ્યું, ‘સોરી, આ જોક મેં નથી બનાવ્યો! જે જોક મારો નથી એના માટે તમે મને દોષી ન ઠેરવી શકો!’ પછી કહેવાય છે કે હિટલરે કોફમેનની આ રમૂજ સાંભળીને છોડી દીધેલો!
ઇન્ટરવલ
ઉસકી જેબોં મેં સિફારીશ હૈ,
ઇસકી આંખોં મેં ખુશામદ હૈ!
-પ્રદીપ ચૌબે
જે જે શાસકે કલમ કે પીંછીને રોકવાનો પ્રયત્ન કર્યો, એણે પોતાના જ હાથે પોતાનો મૃત્યુલેખ લખ્યો છે. પંડિત નેહરુને આ વાતની ખબર હતી એટલે તેઓ એમના જમાનાના જાણીતા કાર્ટૂનિસ્ટ શંકરને સામેથી પૂછતા,‘શું વાત છે, આજકાલ તમે મારા પર કાર્ટૂન નથી બનાવતા? મારાથી નારાજ છો કે?’ પણ મમતા બેનર્જીને આ વાતની ખબર નથી. બીજી બાજુ મોદીજી પોતાના પરના વ્યંગ ખેલદિલીથી માણી શકે છે, પણ એમની પાર્ટીના આઇ.ટી. સેલવાળાઓ જરા અમથી મજાક જોતાંવેંત જ ધાડાં ને ધાડાં લઇને ગાળો ને ધમકીઓ આપવા ઊતરી પડે છે, એ પાછી અલગ ટ્રેજી-કોમિક વાત છે!
અમેરિકન ‘મેડ’ મેગેઝિનનાં કટાક્ષ કે કાર્ટૂનો અદ્્ભુત હોય છે. ટાઇટેનિક શિપ અને સિનેમા વિશે ઘણું રેડીમેઇડ મટીરિયલમાંથી લખાયું છે, પણ એ ફિલ્મ રજૂ થઇ ત્યારે ‘મેડ’ના એક કાર્ટૂનમાં એક બ્લેક આફ્રિકન ટીવી એન્કરને, ટાઇટેનિક ફિલ્મના હીરો લિયોનાર્ડો ડિકેપ્રીઓને ઇન્ટરવ્યૂ લેતા દેખાડ્યો છે. બ્લેક લિયોને પૂછે છે,‘ટાઇટેનિક શિપ કોની સાથે ટકરાઈ?’ હીરો કહે છે, ‘હિમશિલા સાથે!’ હવે પેલો બ્લેક પૂછે છે, ‘હિમશિલાનો રંગ કયો હતો?’ પેલો હીરો જવાબ આપે છે, ‘અરે! હિમશિલા તો સફેદ જ હોયને?’ ત્યારે પેલો બ્લેક ટીવી એન્કર તરત જ રંગભેદનો મુદ્દો લાવીને ઉશ્કેેરાઇને કહે છે, ‘જોયું? તમે અમરિકનોએ હિમશિલા પણ સફેદ... એને કાળી કેમ ન દેખાડી?’ આ કાર્ટૂનના પંચમાં અન્યાય અને પૂર્વગ્રહનો આખેઆખો ઇતિહાસ સમાયેલો છે.
રશિયામાં સ્ટેલિનના સમયમાં સખત સેન્સરશિપ હતી. એક લેખક રશિયાથી કંટાળીને બીજા દેશમાં ભાગી છૂટવા માંગે છે. જતાં જતાં એ એના મિત્રને કહે છે, ‘તું મને પત્ર દ્વારા આપણા દેશ વિશે સાચેસાચું લખી મોકલાવજે, પણ પત્ર સેન્સર થશે, પોલીસ વાંચશે, તો તું એક કામ કરજે, કાળી શાહીથી સત્ય લખજે અને લાલ શાહીથી જૂઠ લખજે, હું સમજી જઇશ.’ થોડા દિવસ પછી રશિયામાં રહી ગયેલો મિત્ર ભાગી ગયેલા મિત્રને પત્ર લખે છે, ‘આપણા દેશમાં કોમી એકતા છે, દેશમાં ગરીબોનો વિકાસ થઇ રહ્યો છે, આપણા નેતા ખૂબ ઈમાનદાર છે, કોઇ જાતનું દમન નથી.’ આ બધું એણે કાળી શાહીથી લખ્યું અને પછી લખ્યું, ‘ખાલી એક જ પ્રોબ્લેમ છે, આખા દેશમાં ક્યાંય લાલ શાહી મળતી જ નથી! ક્યાંય કોઇ દુકાનમાં લાલ શાહી છે જ નહીં!!’ અહીંયાં કેટલું સ્માર્ટલી કહ્યું કે આ દેશ વિશે લખેલું સારું સારું બધું અસત્ય જ માની લેવાનું, કારણ કે સત્ય બોલવા કે લખવાની અહીં સગવડ જ નથી. સત્ય કહેનારી લાલ શાહી ક્યાંય મળતી જ નથી અને એ એક લોહિયાળ નિશાની છે!
કાર્ટૂનથી નેતાઓ કે સમાજ સુધરી જશે એવો કોઇ ભ્રમ નથી, પણ બદલાવ તો આવી જ શકે છે. એમની જાડી ચામડીમાં એક નાજુક કંપન આવે તોયે ઘણું છે. દરેક કાર્ટૂન કે વ્યંગ્યમાં એક કરુણતા છુપાયેલી છે. ઘણા લોકોને વ્યંગ્યમાં વાંકદેખી રોગિષ્ઠ માનસિકતા લાગે છે. હિન્દી વ્યંગકાર પરસાઇ કહે છે, ‘શું તમે ડોક્ટરોને કહેશો કે તમે રુગ્ણ માનસિકતાવાળા છો? તમને બધે રોગ જ રોગ દેખાય છે? તો પછી વ્યંગકાર કોઇ વિચાર કે વ્યક્તિ પર કટાક્ષ કરે તો એને શું કામ સવાલ પૂછવામાં આવે છે?’ રાજનીતિથી કલાકારે દૂર રહેવું જોઇએ એવું ઘણા કહેતા હોય છે, પણ રાજકારણને નકારવું એ પણ એક રાજકારણ જ છેને? બે-ચાર દિવસ બાદ હવે જે કોઇ સરકાર આવે, અમે તો એની સામે આંગળીચાળો કરશું જ, કારણ કે અમેરિકન ટીવી એન્કર જે લેનો કહે છે ને કે, ‘જ્યાં સુધી એ ચૂંટાઇને ન આવે ત્યાં સુધી મને દરેક પોલિટિકલ ટુચકાઓ ગમે જ છે.’
પણ સોરી મમતા, ક્ષમતાથી વધુ દાદાગીરી કે દીદીગીરી સારી નહીં.
એન્ડ ટાઇટલ્સ
ઈવ : મને આ કાર્ટૂન સમજાયું નહીં!
આદમ : તેં છાપું ઊંધું પકડ્યું છે, ડાર્લિંગ!
[email protected]

X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી