રાગ બિન્દાસ- સંજય છેલ / જબ જવાની જાગ જાયેગી ઇતિહાસની આછેરી કરવટ!

article by sanjay chhel

Divyabhaskar.com

Dec 23, 2019, 12:34 PM IST
રાગ બિન્દાસ- સંજય છેલ
ટાઇટલ્સ
ક્યારેક ખામોશીમાં બોલકો વિદ્રોહ હોય છે.(છેલવાણી)
જ્યારે ભારત હોટલના માલિકે કટિંગ ચાના ભાવમાં વધારો કર્યો ત્યારે હોટલમાં, અલગ અલગ ટેબલ પર બેસેલા જુવાન વિદ્યાર્થીઓમાં આક્રોશ છવાઈ ગયો. દેશની રાજનીતિ ને સમસ્યાઓ પર ઉગ્ર ચર્ચાઓ થઈ અને પછી સૌએ નક્કી કર્યું કે સરકાર-સિસ્ટમનો વિરોધ થવો જ જોઈએ! વેઈટર પાસે છાપું મંગાવીને ચેક કર્યું કે શહેરમાં ક્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ છે ને એમાં કઇ હસ્તીઓ આવવાની છે ને ત્યાં આંદોલન કરવું.
મોટા મેદાનમાં રંગબેરંગી મંડપ સજાવેલો હતો. દેશીવિદેશી ગાડીઓ પંડાલ પાસે પાર્ક થઈ ગઈ હતી. મેયરે ભાષણ શરૂ કર્યું: ‘આ શહેરની શાનદાર પરંપરાને અનુસરીને આજે...’ ત્યાં તો અચાનક અવાજો ફૂટી નીકળ્યા: ‘હાય, હાય, હાય, હાય...’ શુષ્ક કંગાળ દૂબળી પાતળી પાંસળીઓમાંથી નીકળીને પેલા વિદ્યાર્થીઓની ચીસો ગુંજવા માંડી. મેયરે ભાષણ અટકાવ્યું. ઓડિયન્સ અવાજની દિશામાં જોવા માંડ્યું. ‘સમાજ કો બદલ ડાલો’ની એક ઓર ચીખ સંભળાઈ. સ્ટેજ પર બેઠેલા મહાનુભાવોના કપાળ પર કરચલી ઊપસી આવી. પોલીસ કમિશનર હવાલદારોને લઈને ગેટ તરફ દોડ્યા. એક બેકાર યુવાને પોલીસ કમિશનરને કહ્યું, ‘અમે બેકાર વિદ્યાર્થીઓ છીએ.’
‘કમ્પાઉન્ડની બહાર વિરોધ દર્શાવો, મંડપની અંદર નહીં’ પોલીસ કમિશનરે ધમકાવીને કહ્યું. છોકરાઓ ચૂપચાપ મંડપ બહાર જતા રહ્યા. હવામાં ફરીથી ‘હાય હાય’, ‘સમાજ કો બદલ ડાલો’ જેવા નારાઓ ગુંજવા માંડ્યા. સમારંભમાં બેઠેલા બીજા જુવાનિયાઓ પણ ઊભા થઈ ગયા ને બેકારોનાં ટોળાંમાં જાેડાઈ ગયા અને ચિલ્લાવા માંડ્યા! બીજે દિવસે બીજા કોઈ પ્રોગ્રામમાં પણ આમ જ થયું! ત્રીજે દિવસે પણ, ચોથે દિવસે પણ... છઠ્ઠે, સાતમે દિવસે પણ શહેરમાં ઠેરઠેર આવું થવા માંડ્યું! શહેરના પ્રતિષ્ઠિત લોકોએ અર્જન્ટ મિટિંગ બોલાવીને નક્કી કર્યું કે શહેરની શાંતિ માટે આવા વિરોધ અટકાવવા જોઈએ. કેટલાક વકીલોએ પ્રસ્તાવ મૂક્યો કે ‘વિરોધ સામે કાનૂની પગલાં લેવા માટે કાયદો ઘડવો જોઈએ’, પણ યુનિયન લીડરોએ કહ્યું ‘એમ ના ચાલે, અમારો ધંધો અટકી જશે!’ અને એ પછી નેતાઓની આવી ઘણીયે મિટિંગો થઈ, પણ પેલા વિદ્રોહીઓને રોકવા અંગે કોઈ નિર્ણય ના થયો.
પછી પેલા વિદ્યાર્થી ક્રાંતિકારોએ ‘હાય હાય’, ‘સમાજ કો બદલ ડાલો’, જેવા નારાઓને બદલે નવી નવી ટેક્નિક અજમાવવી શરૂ કરી. હૃદય ચીરતી ચીસો, ભૂખ્યા પેટના અવાજો, છાતી પીટતાં રુદન શરૂ કર્યાં. હંગામાઓ કરવામાં નવી નવી કળા અજમાવી, ક્યારેક ડફલી લઇને ગીતો ગાવાં, ક્યાંક ‘આહ ભરવી, ક્યારેક માથાં કૂટવાં, ક્યારેક માત્ર ઇશારાથી પોતાની બેકારીનું દર્દ બયાન કરવા માંડ્યા. દરેક હંગામામાં નવી આઈટમ! ધીમે ધીમે શહેરના લોકોને એમના તમાશામાં રસ પડવા માંડ્યો! યુવાનોનો ‘આક્રોશ’ હવે એક જાતની મનોરંજક ‘હોટ આઈટમ’ બની ગયો. ક્યારેક એ લોકો કપડાં કાઢીને જમીન પર આળોટતાં, ક્યારેક આંસુભરી આંખોથી આકાશને તાકતા ગીતો ગાતા રહેતા! સાંસ્કૃતિક મેળાવડામાં આવેલા પ્રેક્ષકો હવે મૂળ પ્રોગ્રામ છોડીને આવા હંગામા જોવામાં વધારે રસ દેખાડવા માંડ્યા.
એક વાર ઉદ્યોગપતિની દીકરીનાં લગ્ન હતાં. શહેરની અને દેશભરની જાણીતી હસ્તીઓ ત્યાં આવેલી. ટીવી ચેનલોના કેમેરા ત્યાં તહેનાત હતા. જેવી રિસેપ્શનની શરૂઆત થઈ અને શોર સંભળાયો: ‘હંગામાવાળા આવી ગયા! ‘શેઠજી, જાનૈયાઓ, મહેમાનો ટેન્શનમાં આવી ગયા. પોલીસ કમિશનર તરત જ ગેટ પર દોડ્યા અને એમને એક અદ્્ભુત આઈડિયા આવ્યો.
ઇન્ટરવલ :
સાંસ કી શરાબ કા ખુમાર દેખતે રહે,
કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે(નીરજ)
પોલીસ કમિશનરે ઉશ્કેરાયેલા વિદ્રોહીઓને ખૂબ જ પ્રેમથી કહ્યું, ‘તમારા વિરોધમાં તો સાચું દર્દ છે, કલા છે, બહાર શું કામ ઊભા છો? અંદર સ્ટેજ પર આવીને જ કલા દેખાડો ને?’ યુવાનોને સમજાયું નહીં કે હવે શું કરવું? પછી મહેમાનોએ એમને આવકારવા બૂમો પાડવી શરૂ કરી. સૌએ છોકરાઓને ધક્કા મારી મારીને આગ્રહપૂર્વક સ્ટેજ સુધી પહોંચાડી દીધા. એ છોકરાઓમાંના કેટલાકને લાગ્યું, યાર, આ તો અમારી સફળતા છે!લોકોએ વિરોધનો સ્વીકાર કર્યો છે!’ પછી તો યુવાનોએ રિસેપ્શનના સ્ટેજ પર જ વિરોધ કરવા માંડ્યો. સમાજ-સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા, ચાળા કર્યા, ઇશારા કર્યા, ચીસો પાડી. લોકોએ પણ તાળી પાડીને એમને ખૂબ દાદ આપી. પૈસા ફેંકીને વધાવી લીધા!
બીજા દિવસે આ ‘હંગામો’ ટીવી ચેનલોએ દેખાડ્યો. આ હંગામાને શહેરના બીજા લોકોએ પસંદ પણ કર્યો. પ્રોગ્રામને સારી એવી લોકપ્રિયતા મળી! છાપાંઓમાં ફોટા છપાયા અને પેલા ‘હંગામા’ વિશે ખૂબ ખૂબ લખાયું. પછી હવે તો શહેરના દરેક પ્રોગ્રામમાં, લગ્નોમાં ‘હંગામા’ કરવાવાળા પેલા ગ્રૂપને આમંત્રણ મળવા માંડ્યું. હંગામા નૃત્ય, હંગામા કવિતા, હંગામા સંગીત વગેરે બનવા માંડ્યાં. પેલા ‘હંગામા ગ્રૂપ’ના વિદ્રોહી યુવાનોની પાંસળીઓ ધીમે ધીમે ચરબીમાં છુપાઈ જવા માંડી! હવે તો એ લોકો ઊજળાં સફેદ કપડાંમાં કે કાળા સૂટમાં, વાળ કાપીને, ક્રીમ લગાડીને મેકઅપ સાથે આવતા. બલ્કે એમને લઈ આવવામાં આવતા.
પછી એ બધા વિદ્રોહીઓને ‘હંગામા’ કરવા માટે તગડી રકમ ચૂકવવામાં આવતી. એક સમયના સ્ટુડન્ટ એક્ટિવિસ્ટોને સરકારી સન્માનો મળ્યાં, લાખોના પુરસ્કારો આપવામાં આવ્યા. એ બધાએ શહેરમાં ફ્લેટ ખરીદી લીધા. ઉત્સવો, પાર્ટીઓ, સેમિનારો, સાહિત્યના ફેસ્ટિવલોમાં ‘હંગામા-ગ્રૂપ’ની હાજરી અનિવાર્ય બની ગઈ. વિદ્યાર્થીઓનું પેલું ‘હંગામા ગ્રૂપ’ જાણે સ્ટાર બની ગયું! આક્રોશધારી યુવાનો હવે કમાતા ધમાતા એસ્ટાબ્લિશ્ડ સજ્જનો બની બેઠા.
પછી 5-7 વર્ષ વીત્યાં અને ફરી એક વાર પેલા શેટ્ટીએ કટિંગ ચાના ભાવ વધાર્યા. આ વખતે ફરી એકવાર ભારત હોટલમાં કેટલાક નવા બેકાર યુવાનોએ ફરી ચર્ચા શરૂ કરી અને સિસ્ટમનો વિરોધ કરવાનું નક્કી કર્યું. ટેબલ પર પડેલાં અખબારમાંથી જોઈને નક્કી કર્યું કે સાંજે જ્યાં કોઈ મોટો મેળાવડો હોય ત્યાં જઈને પ્રોટેસ્ટ કરવો! એ સાંજે એક પ્રોગ્રામમાં એ લોકો પહોંચી ગયા. મેયરે હંમેશની જેમ ભાષણ શરૂ કર્યું અને એવામાં આ નવા બેકાર યુવાનોએ શોર આદર્યો: ‘હાય હાય’, ‘સમાજ કો બદલ ડાલો’ વગેરે. પ્રેક્ષકોમાં ગણગણાટ થયો. સૌએ ગેટ તરફ જોયું. સુકલકડી કાયા લઈને ભૂખ્યા બેકાર વિદ્યાર્થીઓ ચીસો પાડી રહ્યા હતા, પણ આ જોઈને પ્રેક્ષકો આ વખતે રાજી થયા નહીં, પણ સહેજ ગુસ્સે થયા અને એમનામાંથી એકે કહ્યું, ‘અરે! કોણ છે આ લોકો? સાલાઓને ‘હંગામો’ કરતા પણ નથી આવડતું? આ લોકોના હંગામામાં મજા જ નથી યાર! ભગાડો આવા બોર લોકોને!’ પછી બધાએ પેલા સાચુકલા નવા ભૂખ્યા વિદ્યાર્થીઓને બહાર હાંકી કાઢ્યા.
આમ તો આ અનવર ખાનની ઉર્દૂ વાર્તા ‘ફનાકારી’નો સાર છે, પણ આજકાલ દિલ્હી ને દેશમાં જે રીતે વિદ્યાર્થી આંદોલનો થઇ રહ્યાં છે એ જોતાં જરા યાદ આવી ગઇ. આઝાદીની લડત હોય કે 1975ની કટોકટીનો સમય હોય, વિદ્યાર્થીઓ અને યુવાનોએ સરકારો ઉથલાવી છે, સિસ્ટમને પડકારી છે, પણ પછી? જે.પી.ના આંદોલનમાં 1977માં આજના પાટલીબદલું બિહારીબાબુ નીતિશકુમાર પણ યુવાનેતા તરીકે ઊભરી આવેલા. ઈન્દિરા સામે ચંદ્રશેખરે પણ આ જ રીતે તેજાબી એન્ટ્રી મારેલી ને પછી અઠંગ રાજકારણી બની ગયેલા. યુવા કોમ્યુનિસ્ટ નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝે મજૂરો માટે ચળવળો કરીને મુંબઇમાં ઇતિહાસ રચેલો, પણ છેવટે સરકારની ગોદમાં બેસી ગયેલા! યુવાનેતા લાલુ યાદવ, વિદ્રોહીમાંથી વિદૂષક બની ગયેલા ને છેલ્લે ખલનાયક સાબિત થઈ ગયા!
આમ છતાંયે દરેક યુગમાં યુવાનોનો આક્રોશ, પળ-બેપળ માટે સરકારોને સમાજને હચમચાવી નાખે છે, બદલી નાખે છે અને કાંઇ નહીં તો કમ સે કમ ક્રાંતિની ભ્રાંતિ તો જન્માવે જ છે.
એંડ ટાઇટલ્સ:
ઇવ: આટલું શું વિચારે છે?
આદમ: એ જ કે પ્રેમ કરતા પહેલાં વિચાર કેમ ના કર્યો!
[email protected]
X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી