રાગ બિન્દાસ- સંજય છેલ / ભૂખ્યા પેટે ઈશ્ક ના કરજે સજનવા…

article by sanjay chhel

Divyabhaskar.com

Dec 09, 2019, 12:20 PM IST
રાગ બિન્દાસ- સંજય છેલ
ટાઇટલ્સ
ભૂખ ને સુખનો આકાર ના હોય(છેલવાણી)
પ્રેમની ભાષા નથી હોતી એમ ભૂખની પણ કોઇ ભાષા નથી હોતી. દરેક માણસમાં પ્રેમની ભૂખ હોય કે નહીં, પણ દરેક માણસને ભૂખ સાથે પ્રેમ હોય છે. હમણાં ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ડંડીમાં 50 ભૂખ્યા લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો કે ભૂખ્યા ને પેટ ભરેલા માસણો કઇ રીતે નિર્ણય લે છે! એ રિસર્ચનું પરિણામ એ આવ્યું કે ભૂખ્યો માણસ ખોટા નિર્ણયો લઇ બેસે છે. દા.ત. ભૂખ્યા માણસને પૂછો કે તમને અત્યારે એક કિલો ચોકલેટ મળે એ ગમશે કે આવતા મહિને પગારવધારો જોઇએ? તો ભૂખ્યો માણસ પગારવધારાને બદલે ચોકલેટ પસંદ કરશે! એટલે કે ભૂખ્યા પેટે કદીયે નિર્ણય ના લેવા!
ગુજરાતી માણસને ગાંઠિયા-જલેબી સામે દેખાડીને પૂછવામાં આવે કે ‘તેલ અને પાણી બેઉમાંથી તબિયત માટે શું ખરાબ?’ તો એ કહેશે કે ‘તેલ લેવા જાય તબિયત, મારા ગાંઠિયા ઠંડા થઇ જશે!’ ઇનશોર્ટ, ભૂખ્યા પેટે કન્યા જોવા જવું નહીં (નહીં તો કચોરીના સ્વાદને કારણે કન્યાની કમનીયતા પર ધ્યાન નહીં જાય), ઉપવાસના દિવસે વસિયતનામું લખવું નહીં (નહીંતર દીકરા-દીકરીને દહીંવડાં આપવા આવેલ પાડોશણને નામે વિલ લખાઇ જશે) અને ખાલી પેટે વોટ આપવા જવું નહીં (નહીં તો ‘પૈસા ખાતી પાર્ટી’ને બદલે ‘લોહી પીતી પાર્ટી’ને વોટ અપાઇ જશે)- આ ચેતવણી પછી પણ તમે નિર્ણય લેશો તો તમારાં નસીબ!
કહેવત છે, ‘ભૂખે ભજન ના હોય, ગોપાલા...’ પણ હમણાં અમેરિકાની ડ્રેક્સેલ નામની યુનિવર્સિટીના રિસર્ચથી જાણવા મળ્યું છે કે જો સ્ત્રીનું પેટ ભરેલું હોય તો એની પ્રેમ કરવાની ભૂખ ઊઘડે છે! રિસર્ચવાળાઓએ ભૂખી સ્ત્રીઓને રોમેન્ટિક ચિત્રો દેખાડ્યાં, પણ સ્ત્રીઓએ બહુ ભાવ ના આપ્યો, પણ પછી એ જ સ્ત્રીઓને પેટ ભરીને જમાડ્યા બાદ એ જ શૃંગારિક ચિત્રો દેખાડ્યાં તો સ્ત્રીઓ પ્રેમ કરવા માટે ઉશ્કેરાઇ ગઇ!
સામાન્ય રીતે સ્ત્રીને, શાસ્ત્રોમાં અન્નપૂર્ણા દેવી કે ‘ભોજયેષુ માતા’ વગેરે કહેવાય છે, પણ નવા રિસર્ચ મુજબ બીજાને જમાડનારી સ્ત્રી, પોતે ભૂખી હોય તો એને પ્રેમમાં મજા નથી આવતી. પહેલાં પેટ, પછી પ્રેમ! આમ તો વાસના માટે ‘શારીરિક ભૂખ’ શબ્દ છે, પણ પેટની ભૂખને પ્રેમની ભૂખ સાથે કોઇ સંબંધ હોય કે નહીં એનો ફોડ પાડ્યો નથી. કદાચ રિસર્ચરે ભૂખ્યા પેટે ઉતાવળમાં રિપોર્ટ લખ્યો હશે!
ઇન્ટરવલ :
ભૂખે ભજન ના હોય ગોપાલા
(નઝીર અકબરાબાદી)
પેલા રિસર્ચ કરનારાઓએ ગુજરાતી સ્ત્રીઓ પર એ પ્રયોગ કરેલો કે નહીં એની ખબર નથી, કારણ કે જો કર્યો હોત તો અલગ જ રિઝલ્ટ આવ્યાં હોત. ગુજરાતી સ્ત્રીઓ પાપડના લૂવાને જોઇને ઉશ્કેરાઇ શકે છે. પાપડના કાચા લોટના લૂગદામાં ગુજરાતી સ્ત્રીઓને શું રસ પડતો હશે એ ખરેખર રિસર્ચનો વિષય છે. એવી જ બીજી આઈટમ છે, કાચી કેરીનાં અથાણાં-જે અગાસી પર સૂકવવામાં આવ્યાં હોય છે. ભલભલી સંયમી સ્ત્રીને કાચી કેરી દેખાડીને ચલિત કરી શકાય છે! અહીંયાં ગુજરાતી સ્ત્રીઓની ટીકાનો ઈરાદો નથી, પણ રસવૃત્તિની પ્રશંસા છે.
ખરેખર જો ભરપેટે સ્ત્રીઓને રોમાન્સ કરવામાં વધુ મજા આવતી હોય તો એનો અર્થ એ કે સ્ત્રીઓ દિલથી નહીં, પેટથી વિચારે છે. આમ પણ કવિઓએ ‘દિલ’ને બહુ માથે ચઢાવ્યું છે, પણ દિલ જેટલું જ કે વધુ અગત્યનું અંગ પેટ છે. દિલ તો ક્યારેક જ કોઈકને જોઈને ધડકી ઊઠે છે કે પછી કદીક જ દર્દીલાં ગઝલ-ગીત સુણીને રડી ઊઠે છે, પણ પેટ તો નિયમિતપણે બેથી ત્રણવાર દિવસમાં પોતાનો પરચો દેખાડે છે માટે દિલ કરતાં પેટ વધુ ઇમાનદાર અંગ છે.
કહેવાય છે કે પુરુષના દિલ સુધી જવાનો રસ્તો એના પેટમાંથી પસાર થાય છે, પણ પેલા રિસર્ચ પછી આ માન્યતાએ હવે યુ-ટર્ન લેવો પડશે. હવે સ્ત્રીના દિલ સુધી પહોંચવા પણ એના પેટ દ્વારા જ પહોંચવું પડશે! વેલ, જમાનો બદલાય એમ પ્રેમની વ્યાખ્યા પણ બદલાતી હોય છે. હવેથી દરેક પ્રેમીએ પ્રેમિકાને ભરપેટ જમાડીને જ પ્રેમની વાતો શરૂ કરવી પડશે! સ્ત્રી-સમાનતાની ચળવળ છેક ‘પેટ’ સુધી પહોંચી ગઇ છે, એનો અમને આનંદ છે!
લવ-અફેરમાં ખાવાપીવાનો રોલ બહુ મોટો હોય છે. ઘણી સ્ત્રીઓ જમાડી જમાડીને પુરુષને પટાવે છે તો ઘણા પુરુષો મોંઘી આઇટમો ચખાડીને કન્યાઓને ભરમાવે છે. બોલિવૂડનો સુપ્રસિદ્ધ સિંગર અભિજિત શરૂઆતના દોરમાં જ્યારે સંઘર્ષ કરતો ત્યારે એકવાર એની ગર્લફ્રેન્ડે રેસ્ટોરાંમાં બે-ત્રણ પ્લેટનો ઓર્ડર આપ્યો. ત્યારે અભિજિત ગુસ્સામાં બોલ્યો, ‘તુઝે તેરા બાપ કુછ ખિલાકે નહીં ભેજતા કિ રોજ મેરે પાસ આકે ઓર્ડર કરતી હૈ?’ અભિજિતની ફરિયાદ લોજિકલ હતી. દરેક જુવાન દીકરીના બાપે એને ઘરેથી જમાડીને જ પ્રેમ કરવા મોકલવી જોઇએ, કારણ કે દરેક પ્રેમી પુરુષના દિલમાં પ્રેમ તો ખૂબ હોય છે, પણ ખિસ્સામાં પૈસાં પણ હોય એ જરૂરી નથી ને ‘પૈસા નથી’ એમ કહેવાની હિંમત તો એનાથી પણ ઓછી હોય છે. આવા સમયે છોકરીઓ મોંઘી આઇટમો ઓર્ડર કરીને પુરુષની અને એના પોકૅટની કસોટી કરતી હોય છે. હવે તો કોફીનો ઓર્ડર કરીને આખો દિવસ કોફી-શોપમાં બેસી શકે છે, પણ પહેલાં એવું નહોતું. ત્યારે ઘણીયે લવસ્ટોરીઓ, ઇડલી-ઢોંસા ને ચા સુધી જ વિકસીને ખતમ થઇ જતી. અનેક લયલા મજનૂ, સિંગ-ચણા ખતમ થતાં સુધીમાં જ છૂટાં પડી જતાં. જોકે, ઘણી ઉદાર સ્ત્રીઓ એવી પણ છે જે, ‘આજે ભૂખ નથી’ કે ‘હું ડાયટિંગ પર છું’ એવું જૂઠું બોલીને મરદની લાજ રાખી લે છે. આવા સમયે રમેશ પારેખનાં રસીલાં પ્રેમકાવ્યો કે પછી ગાલિબની ગઝલો વડે જ પ્રેમીઓ કામ ચલાવી લે છે. દરેક પ્રેમમાં ભૂખ સમાયેલ છે અને દરેક ભૂખમાં પ્રેમ. ‘પ્યાસા’ ફિલ્મમાં ભૂખ્યા અને બેકાર શાયર(ગુરુદત્ત) માટે વેશ્યા(વહીદા) ખાવાનું લઈ આવે છે ને યાદગાર પ્રેમસંબંધ શરૂ થાય છે. પ્રેમી જ્યારે એકમેકને પ્રેમપૂર્વક જમાડે ત્યારે જ બેઉના સાચા જન્માક્ષર મળવાના શરૂ થઇ જાય છે. ત્યારે વાનગી તો નિમિત્ત બની જાય છે, પણ ખરેખર તો બેઉ એકબીજાના વહાલને ચાખતા હોય છે.
પ્રેમ ને ભૂખ વિશે રોમાંચક વાર્તા છે : એક રોડ સાઈડ હોટલ હતી, જેમાં પત્ની રસોડું સંભાળે, પતિ ગલ્લો સંભાળે, બાળકો વેઇટરનું કામ કરે. એ ફેમિલીનું એક બાળક રસ્તે જતાં લોકોને હોટલ સુધી પરાણે પકડીને લઈ આવવાનું કામ કરે. એકવાર એક કપલને એ રીતે પકડીને લાવવામાં આવે છે. એ કપલે આજે નક્કી કરવાનું છે કે ભવિષ્યમાં તેઓ પરણશે કે નહીં. એ લોકો એકાદ-બે આઈટમોનો ઓર્ડર આપે છે, ભાવિ વિશે ચર્ચા કરવા લાગે છે, પણ પ્રોબ્લેમ એ છે કે જે આઈટમ ઓર્ડર કરવામાં આવી છે એ બનાવવા માટે હોટલમાં પૂરતો માલ નથી. હોટલ ચલાવનાર પતિ બહાર સામાન લેવા દોડે છે. પતિ એકથી બીજી દુકાને ઉધારી માટે કાકલૂદી કરે છે. પત્ની સામાન માટે રાહ જુએ છે. છેવટે પતિ જેમ તેમ કરીને સામાન લઇ આવે છે, પણ ત્યાં સુધી પેલાં કપલ વચ્ચે ભયંકર ઝઘડો થઇ ગયો અને કદીયે ના મળવાની કસમ ખાઇને હોટલમાંથી જવા નીકળે છે. પતિ-પત્ની બેઉને વિનવે છે, ‘આટલી જલદી આવો નિર્ણય ન લો, આખી જિંદગીનો સવાલ છે. અમે ઉધારી પર ડિશ બનાવવા સામાન લઇ આવ્યાં છીએ! તમે થોડીવાર રોકાઇ જાવને, કદાચ તમારો જિંદગીનો નિર્ણય બદલાઇ જાય. નહીં તો અમને બહુ નુકસાની જશે, પ્લીઝ!’ હોટલવાળાઓ ખાતર પ્રેમી-કપલ રોકાઇ જાય છે. ફરી સમાધાન કરી લે છે. એ લોકો પ્રેમને કારણે માની ગયાં કે હોટલવાળાઓને લીધે? ખબર નહીં! પણ પ્રેમ ને ભૂખને કોઇક સંબંધ છે ને?
એંડ ટાઇટલ્સ:
આદમ: અમુક માછલીઓ પોતાનાં બચ્ચાંને ખાઇ જાય!
ઇવ: તો એમનો વંશ કેમ ટકતો હશે?
[email protected]
X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી