અંદાઝે બયાં- સંજય છેલ / લખવું કે જીવવું? ડેડલાઇનથી ડેથ સુધી...

article by sanjay chhel

Divyabhaskar.com

Dec 04, 2019, 05:06 PM IST
અંદાઝે બયાં- સંજય છેલ
ટાઇટલ્સ
લખવા કરતાં વાંચન સહેલું ને એના કરતાંયે સહેલું વિવેચન -છેલવાણી
એક સફળ લેખકને પત્રકારે પૂછ્યું,‘તમે રોજ ક્યારે લખો? કોઈ ચોક્કસ સમય? લખવાનું ટાઇમટેબલ શું?’
લેખકે સમજાવ્યું,‘જુઓ, હું સવારે આઠ વાગ્યે ઊઠું. એક કલાક વોક લેવા જઉ. ત્યારબાદ એક-બે કલાક છાપાં વાંચું, કારણ કે જગતમાં શું ચાલે છે એની લેખક તરીકે ખબર તો હોવી જોઈએને? પછી નહાઈને નાસ્તો કરું. પછી કોઈ લેખકની નવી બુક બહાર પડી હોય તો એને બે-ત્રણ કલાક વાંચું. ત્યાં સુધી લંચનો સમય થઈ જાય એટલે લંચ લઉં. હવે આટઆટલું કામ કર્યા પછી માણસ એકાદ કલાક ઊંઘેને? ત્રણ-ચાર વાગ્યા સુધી આરામ કરું. જેથી અજાગ્ૃત મનમાં ક્રિએટિવ વિચારો આવે જે લખવામાં મદદરૂપ થાય. ચાર વાગ્યે ફોન કરવાનાં, પબ્લિશરને મળવાનું, પત્રો-ઈ-મેઇલના જવાબ આપવાના. સાંજે બે-ત્રણ મુલાકાતીઓ આવે. સાહિત્યની, પોલિટિક્સની ચર્ચાઓ કરું. પછી ક્લબ પર જઈ મારા ખાસ મિત્રો સાથે બેડમિન્ટન રમું, કારણ કે લેખક તરીકે બેઠાડું જીવનનું પણ ધ્યાન રાખવું પડેને? રાત્રે ઘરે આવીને ફેમિલી સાથે ડિનર લઉં, કારણ કે મારી વ્યસ્તતામાં ફેમિલીને કેમ અન્યાય કરાય? પછી મારાં સંતાનો સાથે વાતો કરું, એમના ભણતરમાં રસ લઉં. પછી હું ટીવી જોઉં. લેખક તરીકે પ્રજાનો મિજાજ સમજવો જરૂરી છે ને? એવામાં બાર વાગી જાય. તમે જ કહો, હવે આખો દિવસ માણસ કેટલું કામ કરે? બસ સૂઈ જઉં. આ ટાઇમટેબલ’
‘તો પછી તમે લખો ક્યારે?’ પત્રકારે પૂછ્યું.
‘બીજા દિવસે! નેક્સ્ટ ડે!’ લેખક હસીને બોલ્યા.
આમ તો આ એક જોક છે, પણ એમાં દરેક લેખકના જીવનની કરુણતા છુપાયેલી છે. હમણાં આપણી ટીવી ઇન્ડસ્ટ્રીના બે-ત્રણ જુવાન લેખકો-લેખિકાઓ અકાળે ગુજરી ગયાં! આવા સમાચારો હેડલાઇનમાં આવતા નથી, પણ રોજેરોજ આવતી ટીવી સિરિયલો લખી લખીને એના પ્રેશરમાં આવું થયાના સતત સમાચાર મળે રાખે છે. વિચાર કરો, રોજ અડધો કલાકનો એપિસોડ એટલે 20 પાનાં લગભગ લખવાનાં, જેમાં વારતા, પાત્રો અને લોકેશન વિશે ધ્યાન રાખવાનું, દરેક એપિસોડના અંતે જે ઝટકો જોઇએ એ વિચારી વિચારીને લેખકો ઝટકા ખાઇ ખાઇને ઉકલી જાય છે. ટીવી લેખકોમાં ડિપ્રેશન કે ડાયાબિટીસ જેવી બીમારી પણ આવી જાય છે! મોટા ભાગના વિકસિત દેશોમાં રોજની સિરિયલો આવતી નથી અને આવે છે તો અગાઉથી પ્લાન થઇને બને છે! આ દેશમાં એક્ટરો કેટલા કલાક કામ કરશે, કેમેરામેન કેટલા કલાકની શિફ્ટમાં શૂટ કરશે એ બધું જ નિયમ પ્રમાણે થાય છે, માત્ર લેખકો માટે કોઇ કાનૂન નથી! ચલો, બેરહેમ ભારતીય ટીવી જગતની વાત છોડો, પણ મોટાભાગના લેખકોને લખવાનો કંટાળો આવતો હોય છે કે ડર લાગતો હોય છે, કફન જેવા સફેદ પાનાંનો. સામે તાકતાં પાનાં જેવું કશું ખોફનાક નથી.
ઇન્ટરવલ
લીખે જો ખત તુઝે, વો તેરી યાદ મેં,
હઝારોં રંગ કે નઝારે બન ગયે - નીરજ
. . . પણ તોયે સાચા લેખકો વર્ષોથી એક શિસ્ત કેળવીને લખતા હોય છે. આજીવિકા માટે કે પોતાની જાતને જીવતી રાખવા. જોકે, આમ તો લખવાથી સહેલું કામ કોઈ નથી અને આમ એનાથી અઘરું કામ પણ કોઈ નથી. ઘણા ડાહ્યા લેખકો સવારના પહોરમાં લખતા હોય છે. હેન્રી મિલર રોજ સવારે બે કલાક લખતા, ગુણવંતરાય આચાર્ય કે પ્રેમચંદ પ્રાતઃકાળે લખતા, તારક મહેતા રાત્રે જ લખતા. હોલિવૂડના ડેવિડ મામે જેવા લેખકો સતત 7-8 દિવસ લખ્યા કરતા હોય છે. જેફ્રી આર્ચર જ્યારે નવલકથા લખવા બેસે ત્યારે સવારે સાતથી રાત્રે બાર સુધી સતત લખે, પણ દર બે કલાક પછી એક-દોઢ કલાકનો વિશ્રામ લે. વિશ્વના સફળ લેખકો રોજ 15-20 પાનાં લખવાની જાલિમ શિસ્ત ધરાવે છે. બક્ષી જેવા આત્મપ્રેમી લેખક કહેતા કે તેઓ એકી બેઠકે લખી નાખતા ને કદીયે રિરાઇટ નહોતા કરતા! પણ ગ્રેહામ ગ્રીન કે ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા લેખકો વર્ષો સુધી એમની નોવેલને મઠાર્યા કરતા. વિશ્વવિખ્યાત સસ્પેન્સ સમ્રાજ્ઞી લેખિકા અગાથા ક્રિસ્ટીના પતિ પુરાતત્ત્વશાસ્ત્રી હતા. દિવસો સુધી ખંડેરોમાં બિઝી રહેતા માટે અગાથાએ એકલતાનો સામનો કરવા રહસ્યકથાઓ લખવી શરૂ કરી. એ કહે છે કે કપડાને તમે જેટલા વધુ ધોઇ શકો એટલા જ એ વધુ ચમકે, એ જ રીતે લખાણને પણ વારંવાર ફરી ફરીને લખવું જોઈએ.
અમારા જેવા અભાગિયાને કુદરતી શાપ કે આશીર્વાદ છે કે ગમે તે સ્થિતિ કે પરિસ્થિતિમાં અમે લખી શકીએ છીએ. અમે અમુક ફિલ્મો એક વરસ સુધી રિરાઈટ કરી કરીને લખી તોયે કાંઇ જામ્યું નહીં! પણ ‘હેલો’ જેવી નેશનલ એવોર્ડ-વિનર બાળફિલ્મ અમે માત્ર પાંચ જ દિવસમાં લખેલી! અમુક લેખક ઘણીવાર એકીશ્વાસે અમર રચના લખી નાખે છે. વર્ષો સુધી સચવાયેલા ગયા જનમના ડૂમાઓ જેવી લાગણી અચાનક રચના રૂપે નીકળી આવે છે. મરીઝ જેવા શાયર સિગારેટના ઠૂંઠા પર ગઝલ લખતા! કવિ વેણીભાઈ પુરોહિતને ચાલતાં ચાલતાં કાંઇક સૂઝતું તો કહેતાં, ‘હાલો, મારે હવે લખવા બેસવું પડશે, હવે હું ગાભણો થયો છું.’ જોકે, વાર્તા, નવલકથા, વિચારીને લખી શકાય, પણ કવિતા શિસ્તની ગુલામ નથી. ઓશો રજનીશે મીરાં માટે કહ્યું છેને, ‘મીરાંને કભી અપને પદ અપની રચનાએ ટેબલ કુર્સી પર બૈઠ કે નહીં લીખી. મીરાં, તો બસ ચલતી ગઈ, ગીત ઉસકે પદચિહ્્ન બનતે ગયે.’
જોકે, કવિતા કે વાર્તાના સર્જકને ‘આજે મૂડ નથી’ એવો મૂડીવાદી એટિટ્યૂડ ચાલી શકે, પણ કોલમિસ્ટો, પત્રકારો, ધારાવાહિક નવલકથાના લેખકોએ ગમે તે રીતે ડિલિવર કરવું પડે છે. ક્રિએટિવ રાઈટિંગ અને પ્રોફેશનલ રાઈટિંગમાં ફરક છે. કનૈયાલાલ મુન્શી કોર્ટમાં અટપટા કેસ લડતાં-લડતાં, વચ્ચે લંચ ટાઈમમાં ‘જય સોમનાથ’ જેવી અમર રચનાનું પ્રકરણ લખી શકતા હતા. ઉર્દૂ લેખક મન્ટો, પીઠામાં બેસીને વાર્તા લખીને, પાનાંઓનો રીતસરનો ડૂચો કરી, ખિસ્સામાં નાખીને મેગેઝિનના સંપાદક પાસે જઈ, ટેબલ પર મૂકતા અને કહેતા, ‘યે લો નઈ કહાની, પૈસે દો!’ હોલિવૂડના લેખક વિલિયમ ગોલ્ડિંગ, એમની પટકથાનાં દૃશ્યોને નંબર આપી, પોસ્ટકાર્ડ જેવા ટુકડા પર લખતા પછી પત્તાં રમતા હોય એમ એ કાર્ડને આગળ-પાછળ સિક્વન્સમાં ગોઠવતા અને સ્ક્રીન-પ્લેને મઠારતા. ગુલઝાર જેવા લેખકો વહેલી સવારે ઊઠીને ગીતો કે સંવાદો લખે છે અને સવારે સાત વાગ્યે ફોન કરીને ગીતનું મુખડું દિગ્દર્શકને સંભળાવે છે, એવો અંગત અનુભવ છે.
આપણે ત્યાં સૌથી વધારે જેની મજાક ઊડે છે એ હિન્દી ફિલ્મો માટે લખવું સૌથી અઘરું છે. એ હાથકડી પહેરીને ડાંડિયા રમવા જેવું મુશ્કેલ કામ છે. ફિલ્મ લખનારમાં ટેસ્ટ મેચના ખેલાડીની ધીરજ અને 20-20ના ખેલાડીની સ્માર્ટનેસ બંને જોઈએ. જરા વિચારો, લેખકને વાર્તા સૂઝે, સ્ક્રિપ્ટ લખે, નિર્દેશક એને બદલે, ફિલ્મસ્ટાર તો ઠીક એની સાળી પણ એમાં સુઝાવ આપે, કેમેરામેનથી માંડીને નિર્માતાના ચમચા એમાં દખલ કરે, એડિટર એને કાપે, પછી સેન્સરમાં બેઠેલ કોઈ નેતાની પત્ની એમાંથી વાંધા કાઢે. આમ બદલાતાં બદલાતાં, ગંગોત્રીથી નીકળેલી ગંગા મેલી થઈને છેવટે સાવ નવી જ સ્ક્રીપ્ટ બની જાય. ફિલ્મનો છેલ્લો ડ્રાફ્ટ, અંધકારમાં પ્રેક્ષકોની સામે ભજવાય. ગમે તો તાળી પાડે નહીં તો ગાલી આપીને જતા રહે. લખવું અઘરું છે, સારું લખવું ને સરળ લખવું વધારે અઘરું છે. ફિલ્મોમાં સારું લખવું અઘરું ને અશક્ય છે, પણ ડ્રગ્સના નશા પછી વધારે ‘કિક’ મેળવવા નશાબાજો પોતાની જીભ પર વીંછીના ડંખ લે છે. એમાં જે કાતિલ મસ્તી મળે છે એવી જ ‘કિક’ ફિલ્મી લેખનમાં છે, પણ ઉફ્ફ યે ડેડલાઇન!
એન્ડ ટાઇટલ્સ
આદમ: મારું લખાણ વાંચ્યું?
ઇવ: તેં વાંચ્યું?
[email protected]
X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી