અંદાઝે બયાં- સંજય છેલ / અમારી ભાષા,તમારી ભાષા આંગળીથી નખ વેગળા તે વેગળા?

article by sanjay chhel

Divyabhaskar.com

Nov 28, 2019, 05:44 PM IST
અંદાઝે બયાં- સંજય છેલ
ટાઇટલ્સ
ભીડ સામે ખામોશી જ સૌથી સારી ભાષા-છેલવાણી
વેલ, સંસ્કૃત અમારી માતૃભાષા છે, કારણ કે અમારી માતા સંસ્કૃતના પ્રોફેસર રહી ચૂક્યાં છે. અમને પણ થોડા શ્લોક આવડે છે, આછું આછું સમજાય પણ છે. એ સિવાય ગુજરાતી, મરાઠી, હિન્દી ને અંગ્રેજી પણ આવડે છે. ઉર્દૂ સાથે પણ હમઝુબાં કા વાસ્તા ટાઇપ્સ રિલેશન છે. ઇનશોર્ટ, કોઇપણ એક ભાષામાં પ્રભુત્વ હોવાનો દાવો કર સકે ઐસા નહીં હૈ, પર દરેક ભાષા હમારે લિયે પ્રભુ જૈસા રિસ્પેક્ટ હૈ! લેકિન કિન્તુ પરંતુ, આજકાલ ભાષા ને ધર્મના નામે જે ધીંગાણાં થાય છે એ વિશે હસવું કે રડવું સમજાતું નથી. જે પ્રકારના વિચિત્ર સમાચારો આવે છે એના પર માત્ર હસી જ શકાય, કારણ કે બીજો કોઇ છૂટકો જ નથી.
હમણાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ડો. ફિરોઝ ખાન નામના સંસ્કૃત પ્રોફેસરની ઓફિશિયલ નિમણૂક થઇ તો ત્યાં એનો સખત વિરોધ થયો છે! અમને એ સમજાતું નથી કે એ પ્રો. ફિરોઝનો એમના ધર્મને કારણે વિરોધ કેટલો લોજિકલ છે? આ દેશમાં જેટલા અંગ્રેજીના પ્રોફેસરો છે એ બધા શું ખ્રિસ્તી છે? જે વિદ્યાર્થીઓ જર્મન ભાષા ભણે છે એ શું યહૂદી કે કેથલિક છે? વિજ્ઞાન તો માત્ર પુરાવા અને સાબિતી પર ચાલે છે, તો શું બધા વિજ્ઞાનના પ્રોફેસરોએ નાસ્તિક હોવું જોઇએ? વળી, જો કોઇ બીજી ભાષા કે ધર્મનો માણસ આપણી ભાષામાં વિદ્વાન હોય એ તો હરખાવાની વાત છે. બી.આર. ચોપડાની યાદગાર સિરિયલ ‘મહાભારત’ના અદ્્ભુત સંવાદો લખનાર લેખક ડો. રાહી માસૂમ રઝાએ ઉર્દૂ ભાષીઓને છેક 85માં ચેતવેલા કે જો ઉર્દૂને કોઇ એક જ ધર્મ સાથે સાંકળવામાં આવશે તો ભાષા ખતમ થવા માંડશે, માટે ઉર્દૂની લિપિ દેવનાગરી કરી દેવી જોઇએ, જેથી ભાષા વધુ લોકો સુધી પહોંચે ને વધુ જીવે! ત્યારે રઝાનો પણ કટ્ટર લોકોએ વિરોધ કરેલો અને આજે તો હવે આ બધી વાતોનો અર્થ જ રહ્યો નથી. હવે તો ભીડ નિર્ણયો લે છે ને ભીડની કોઇ ભાષા નથી હોતી. ભીડની ભાષા એક જ હોય છે:બૂમાબૂમ અને હિંસા.
બી.એચ.યુ.માં આજે જે થઇ રહ્યું છે એ જોઇને આપણા ગુજરાતનો એક કિસ્સો યાદ આવે છે. વાત ‘શાસ્ત્રીજી’ નામના સંસ્કૃત પ્રોફેસરની છે. શાસ્ત્રીજીને 1961માં એસએસસી બોર્ડની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 100માંથી 96 માર્ક્સ મળેલા અને ગુજરાતમાં પહેલે નંબરે આવેલા. પછી તો સંસ્કૃતમાં જ એમણે બી.એ., એમ.એ. કરીને ખાનપુરની, એમ.એલ. શેઠ સ્કૂલમાં એમણે પૂરાં 40 વર્ષ સુધી સંસ્કૃત ભાષા ભણાવી અને ભાષા-શિક્ષા ક્ષેત્રમાં ખૂબ નામ ને આદર પામ્યા. રિટાયર થઇને શાસ્ત્રીજી ખાનપુરમાં જ સંસ્કૃત ભાષામાં રિસર્ચ ને લેખનકામ કરતા રહ્યા. એમની અંગત લાઇબ્રેરીમાં વેદ, ઉપનિષદ, ભગવદ્્ગીતા, પુરાણોની સાથોસાથ બૌદ્ધદર્શન, ખ્રિસ્તી ધર્મ વગેરેનાં 5000થી વધુ પુસ્તકો હતાં! બુઢાપામાં શાસ્ત્રીજી ‘એકેશ્વરવાદ’ પર ઊંડું સંશોધન કરી રહ્યા હતા ને વર્ષોની મહેનત બાદ એમના રિસર્ચની આખી હસ્તપ્રત પણ તૈયાર થઇ ગયેલી! શાસ્ત્રીજી ખૂબ ખુશ હતા અને પછી 2002 કી 28 ફેબ્રુઆરીનો દિવસ ઊગ્યો.
ઇન્ટરવલ
ઝુબાં મિલી હૈ મગર,
હમઝુબાં નહીં મિલતા -નિદા ફાજલી
ખાનપુર આસપાસ 1 માર્ચ, 2002ની સાંજ સુધી હિંસાખોરી કેવા ભીષણ હત્યાકાંડમાં ફેરવાઇ જશે એની કોઇને કલ્પના પણ નહોતી. ખાનપુરમાં તો પેઢીઓથી કેટલાક મુસલમાન નોકરિયાતો અને વેપારીઓ રહેતા હતા અને ત્યાંના પટેલ-પ્રજાપતિ કે આદિવાસીઓ સાથે ખૂબ સંપીને એક જ મહોલ્લામાં સહજીવન હતું. ક્યારેય કોઈ ઝઘડા કે દંગા થયા નહોતા, પણ પછી બહારના માહોલની એવી ઝેરીલી અસર થઇ કે મુસલમાનોએ ઘર ને ગામ ન છોડવાની નોબત આવી ગઇ અને એક સાંજે જ્યારે હજારો ઉશ્કરાયેલા લોકોનાં ટોળાં બહારથી દોડી આવ્યાં ત્યારે એ ગામના લોકો પણ એમાં ભળી ગયા!
શાસ્ત્રીજીના ઘર સુધી એ ભીડ આવી પહોંચી ત્યારે શાસ્ત્રીજી ઘરમાં જ હતા અને એમના પર ભયાનક હુમલો થયો. શાસ્ત્રીજીનું ઘર, એમનાં પુસ્તકો, અસંખ્ય સંસ્કૃત લેખો, એકેશ્વરવાદ પરનું વર્ષોનું રિસર્ચ... એ બધું જ સળગીને રાખ થઇ ગયું! શાસ્ત્રીજી ભાગીને બચી ગયા, પણ એમના ‘પ્રાણ’ તો ત્યાં ઘરમાં બળીને રાખ થઇ ગયેલા! હવે સવાલ ઊઠે છે કે આ જ ગામે એમને આદરપૂર્વક ‘શાસ્ત્રીજી’ જેવું લાડકું નામ આપેલું તો પછી એમના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પેલા ટોળાને સાથ આપીને આવું શા માટે થવા દીધું? કદાચ એટલા માટે કે એ શાસ્ત્રીજીનું સાચું નામ ‘મોહમ્મદ ઇલિયાસ સિભાઈ’ હતું!
આ અને આવી અનેક દિલ હલાવી નાખનારી સત્યઘટનાઓ કવિ-લેખિકા સરૂપ ધ્રુવના પુસ્તક ‘અણસાર ક્યાંક આશાનો’માં વાંચવા મળે છે. સરૂપ અને એમના મિત્રોએ એ સળગતા સમયે અનેક લોકોની મુલાકાતો લઇને પુસ્તકમાં લખ્યું જેને વર્ષો સુધી ગુજરાતીમાં કોઇ પ્રકાશક હાથ લગાડવા તૈયાર નહોતો! માટે પહેલાં એ બુકને હિન્દીમાં પબ્લિશ કરવી પડી ને છેક હમણાં પાંચેક વર્ષ અગાઉ ગુજરાતીમાં પુસ્તક આવ્યું!
પણ ચલો, આપણે ફરી શાસ્ત્રીજી પર આવીએ તો તેઓ એ હુમલા પછી તો ખાનપુર છોડીને લુણાવાડા એમનાં સંતાનો સાથે રહેવા માંડે છે. એ પુસ્તકમાં શાસ્ત્રીજી કહે છે, ‘વૈસે તો કુછ વક્ત તક ઐસા હુઆ કિ મેરા દિમાગ સુન્ન હો ગયા થા... ઇતના સારા સાહિત્ય, ઝિંદગી ભર કી મેહનત... સબ યૂઁ ખતમ હોને પર ઝિંદગી મેં બાકી ક્યા બચા થા? પર મુઝે હમેશા લગતા રહા કિ મેરા એક અહમ કામ તો ઇસ સમાજ કો ભાઈચારા ઔર શાંતિ કા સંદેશ દેને કા હૈ. લેકિન મૈં જહાં સે જ્ઞાન પાતા રહા થા વહ ખઝાના તો ખત્મ હો ચૂકા થા. ફિર મૈંને સોચા કિ ઐસા હુઆ ભી તો ક્યા હુઆ? મુઝસે મેરા જ્ઞાન તો કિસીને નહીં લૂટા હૈ ના? મેરે અંદર જો શાંતિ-સમાનતા ઔર સર્વધર્મ સમભાવ કી સોચ હૈ ઉસકો હાથ લગાને કી કિસકી હિમ્મત હૈ? તો મૈં અબ એક નયા પુસ્તક તૈયાર કર રહા હૂઁ: ‘શાંતિ-પ્રયાસ’ જિસમેં જગત કે સારે ધર્મો કે શાંતિ-સમાનતા ઔર સમભાવ કે ઉપદેશ હૈ. કુછ હી સમય મેં પ્રકાશિત કરનેવાલા હૂં! ‘વેલ, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પેલા સંસ્કૃત પ્રો. ફિરોઝ ખાન સાથે શું થશે ખબર નથી, પણ જ્યાં સુધી શાસ્ત્રીજી જેવા લોકો છે ત્યાં સુધી એક આછી પાતળી આશા બચે છે. અાંગળીથી નખ વેગળા તે વેગળા એમ ભલે કહેવાતું હોય, પણ નખને ઉખાડો તોયે દર્દ તો અાંગળીને પણ થાય જ છે ને?
ફરી એકવાર આજે ‘ટાવર ઓફ બાબેલ’ નામની હિબ્રુ વાર્તા યાદ આવે છે: એક રાજા, પોતાની પ્રજાને છેક સ્વર્ગ સુધી ઊંચો ટાવર બનાવવા માટે લલકારે છે અને પછી લોકો સંપીને મહામહેનતે સ્વર્ગને આંબતો ટાવર બનાવે છે અને પોતાને દુનિયાની શ્રેષ્ઠ પ્રજા માનવા માંડે છે! ત્યારે ઈશ્વરને થાય છે કે હવે આ અભિમાની લોકો મને પણ નહીં ગણકારે અને મનફાવે ત્યાં પાપાચાર આદરશે ત્યારે ઈશ્વર એ રાજ્યને શાપ આપે છે કે લોકો અચાનક એકબીજાની ભાષા સમજવાનું ભૂલી જાય છે. કોઈને કોઈની વાત સમજાતી જ નથી. એટલે સૌ લડી-ઝઘડીને છૂટા પડી જાય છે ને દુનિયાના અલગ-અલગ ખૂણે જઈ પોતપોતાની ભાષાવાળી દુનિયા રચે છે. આપણે પણ‘ટાવર ઓફ બાબેલ’વાળી પ્રજા બનવા તરફ જઇ રહ્યા છીએ. આઇ હોપ નોટ!
એન્ડ ટાઇટલ્સ
ઇવ: ડિક્શનેરી આપ.
આદમ: કેમ ઝઘડવા નવા શબ્દો જોઇએ છે?
[email protected]
X
article by sanjay chhel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી