ભાગ્યના ભેદ- ડાે. પંકજ નાગર, ડો. રોહન નાગર / માનવજીવન પર ચંદ્ર-મંગળની અસર

article by pankaj nagar

Divyabhaskar.com

Dec 05, 2019, 04:59 PM IST
ભાગ્યના ભેદ- ડાે. પંકજ નાગર, ડો. રોહન નાગર
જ્યોતિષશાસ્ત્રનો સાચો અર્થ જ્યોતિ એટલે પ્રકાશ... અર્થાત્ કોઇના જીવનમાં પ્રકાશ પાથરવાનું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્રને વેદના અંગ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક તેને વેદની આંખ તરીકે ઓળખે છે. વ્યાસ, વશિષ્ઠ, પારાશર, નારદ, ભૃગુ, જૈમિની, ગર્ગ, સોનિક, વરાહમિહિર, મંત્રેશ્વર, આર્યભટ્ટ વગેરે આર્ષદૃષ્ટા ઋષિઓએ આકાશ અને પૃથ્વીનું અવલોકન કરી બ્રહ્માંડ અને શરીર વચ્ચેના સંબંધોનું રહસ્યમય નિરૂપણ કર્યું છે. જેના આધારે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના ભેદ ઉકેલાય છે. જ્યોતિષશાસ્ત્ર માને છે કે જે બ્રહ્માંડ છે તે જ આપણા શરીરમાં છે. જગતની મુખ્ય ત્રણ સ્થિતિ એટલે કે જન્મ-મૃત્યુ-જીવનનો આધાર પંચમહાભૂત પર છે. આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. શરીર (મનુષ્ય)નું સર્જન-વિસર્જન બંને પંચમહાભૂતમાંથી થાય છે. અવલોકન, અભ્યાસ, આંતરસૂઝ, આંતરદૃષ્ટિથી આકાશમાં ભ્રમણ કરતા ગ્રહો, ગ્રહોની ગતિ, રાશિઓ, નક્ષત્રો, જગતપિંડોનું અદભુત આલેખન ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં કરેલું છે. મનુષ્યની જન્મકુંડળી એટલે ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મનો અરીસો છે. જ્યોતિષશાસ્ત્ર સમગ્ર બ્રહ્માંડને દૈહિક એકમ ગણે છે. બ્રહ્માંડ પણ એક જીવંત શરીર છે જેના પર ગ્રહો રાશિઓ અસર કરે છે. તેવી જ રીતે ગ્રહો-નક્ષત્રો અને રાશિઓની અસર પૃથ્વી પર અને તેના પર રહેલા જીવો પર થાય છે. જ્યોતિષ એ શાસ્ત્ર અને શસ્ત્ર એમ બંને છે.
મનુષ્યના જન્મ સમયે ગ્રહોની સ્થિતિ તેના શરીર પર સૂક્ષ્મ કે પૂર્ણ રીતે અંકિત થતી હોય છે. જન્મકુંડળી એટલે તમારા જન્મ સમયે આકાશમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિઓની શી સ્થિતિ હતી તે બતાવતો નકશો અને આ નકશા પરથી અને તેમાં રહેલી રાશિઓ, નક્ષત્રો અને ગ્રહોના અભ્યાસ, સમન્વયથી શુભ-અશુભ તારણ (ફળકથન) કાઢવાનું વિજ્ઞાન એટલે જ્યોતિષશાસ્ત્ર.
સામાન્ય જનજીવનમાં જ્યોતિષશાસ્ત્ર વિષયક મતમતાંતરો જોવા મળે છે. સમાજનો એક વર્ગ પોતાને બુદ્ધિગમ્ય વર્ગ તરીકે ઓળખાવે છે. જ્યોતિષ નિરર્થક બનાવટી શાસ્ત્ર છે તેમ માને છે. કદાચ આ બળાપો તેમની સૂક્ષ્મ બુદ્ધિ અને અહમને પોષવા પૂરતો હોય શકે. જ્યારે સમાજનો 76 ટકા વર્ગ એમ માને છે કે ગ્રહો, રાશિઓ, નક્ષત્રોનો માનવજીવન ઉપર પ્રભાવ છે. આ તમામ વાદવિવાદ, તર્ક દલીલોમાં ઊતરવાનો કોઇ મતલબ નથી. પરંતુ જ્યોતિષને ખગોળ અને વિજ્ઞાન સાથે સાંકળી તેના નક્કર પરિણામો અહીં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ લેખમાં ગ્રહો માનવજીવન ઉપર અસર કરે છે તેના એક-બે અનુસંધાન આપણે તપાસીએ.
1. ચંદ્રને જ્યોતિષશાસ્ત્રમાં મનનો કારક ગણ્યો છે. કુંડળીમાં ચંદ્રને આપણે મન તરીકે અને સૂર્યને આત્મા તરીકે ઓળખીએ છીએ. આ ચંદ્ર-સૂર્યની યુતિ-પ્રતિયુતિ અમાસ અને પૂનમના દિવસે દરિયામાં ભરતી અને ઓટનું સર્જન કરે છે. આમ ચંદ્ર પૃથ્વી પરના ¾ (પોણા) ભાગનાં પાણી પર અસર કરે છે. આપણા માનવ શરીરમાં પણ 70 ટકા પ્રવાહીનો ભાગ છે. જો ચંદ્ર એક મહાસાગરમાં પરિવર્તન લાવી શકતો હોય તો મનુષ્યની અંદર રહેલા પ્રવાહી પર તે આસાનીથી અસર કરી શકે તે બાબત નિર્વિવાદ છે.
2. કુટુંબમાં જ્યારે પોતાના પુત્રને પરણાવવાનો સમય આવે ત્યારે તેના માતા-પિતા મંગળ ગ્રહના તર્ક-વિતર્કમાં ફસાય છે. પુત્રીને ઘાટડીએ મંગળ હોય તો પાઘડીએ મંગળવાળા મૂરતિયાની શોધમાં નીકળી પડે છે. છેવટે મંત્ર, તંત્ર, જાપ, નંગો અને ઉપવાસની પાછળ હજારો રૂપિયાનું પાણી કરે છે અને માનસિક વ્યથા ભોગવે છે. સૌ પ્રથમ આપણે સમજીએ કે મંગળ એટલે શું?
દા.ત. પરિણીત જીવનમાં આપણે અવારનવાર જોઇએ છીએ કે વરની કુંડળીમાં પાઘડીએ મંગળ હોય પણ કન્યાની કુંડળીમાં ઘાટડીએ મંગળ ના હોય તો કન્યાને માનસિક શારીરિક રીતે શોષાવું પડે છે. ક્યારેક કન્યા વધુ પડતી બીમાર પડે છે તેવું જોવામાં આવે છે. ક્યારેક કન્યા રામશરણ પણ થઇ જાય છે. તો આવા પ્રસંગોએ મંગળને દોષ દેવામાં આવે છે પણ વૈજ્ઞાનિક અને ખગોળની દૃષ્ટિથી તેનું સાચું કારણ શોધવા પ્રયત્ન કરીએ તો મંગળ ગ્રહમાં સલ્ફ્યુરિક એસિડ અને તાંબાનું પ્રમાણ રહેલું છે. સલ્ફ્યુરિક એસિડ ખૂબ જ જલદ વસ્તુ છે.
પાઘડીએ મંગળ હોય ત્યારે પુરુષને આ મંગળનાં કિરણો આક્રમક બનાવે છે પરિણામે તે પોતાના સામાન્ય જીવનમાં બીજા પુરુષ કરતાં વધુ આક્રમક અને ગુસ્સાવાળો રહે છે. બીજી તરફ ઘાટડીએ મંગળ ના હોય તેમજ સાતમા સ્થાનમાં ઠંડી પ્રકૃતિના ગ્રહો જેવા કે ચંદ્ર, શુક્ર હોય તેવી સ્ત્રી આવા પુરુષની આક્રમકતા-ગુસ્સો સહન કરી શકતી નથી. પરિણામે તે માનસિક તાણ અનુભવે છે. તેથી સ્ત્રી લાગણીના આવેશમાં આપઘાતનો પ્રયાસ કરે ત્યારે જ્યોતિષીઓ ઉહાપોહ કરે છે કે પુરુષની કુંડળીમાં મંગળ પાઘડીએ હતો એટલે સ્ત્રીનું મૃત્યુ થયું. આ રીતે મંગળના ગુણધર્મોની અસર લગ્નજીવન જોવા મળે છે.
ચંદ્ર મંગળની યુતિના અનુસંધાનમાં જે જાતકોની કુંડળીમાં ચંદ્ર-મંગળની યુતિ હોય તેવા જાતકોને દીકરા કરતાં દીકરીઓનું પ્રમાણ વધારે હોય છે. કારણ કે ચંદ્ર-મંગળની યુતિ એટલે લક્ષ્મીયોગ અને દીકરી એટલે લક્ષ્મીનું સ્વરૂપ.
અન્ય એક સંશોધન અનુસાર ચંદ્ર-મંગળની યુતિ ધરાવતા જાતકોનો ભાગ્યોદય દરિયાકિનારે ખીલી ઊઠે છે કારણ કે સમુદ્ર કે સમુદ્ર એ લક્ષ્મીનું રહેઠાણ છે. આ ઉપરાંત જન્મકુંડળીમાં ચંદ્ર-મંગળની યુતિ ધરાવતા જાતકોએ વારંવાર શસ્ત્રક્રિયા કરાવવાના યોગ ઊભા થાય છે. અલબત્ત આ તમામ સંશોધન કોઇ નિયમ નથી પરંતુ અવલોકન માત્ર છે. જ્યોતિષશાસ્ત્ર સિદ્ધાંતોનું નહીં પરંતુ અવલોકનનું શાસ્ત્ર છે. તમે પણ તમારી કુંડળીનું ઊંડાણપૂર્વક અવલોકન કરજો. તેના આધારે અા વાતમાં કેટલું તથ્ય છે એનો ખ્યાલ આવી શકશે.
આ રીતે જીવનના કોઇ પણ ક્ષેત્રમાં ગ્રહોની શુભાશુભ અસરો અને ગ્રહોની ગુણવત્તાનું માન રાખી જો જીવનનું ઘડતર કરવામાં આવે
તો જીવનની અનેક મુશ્કેલીઓનું નિવારણ થઇ શકે છે.
[email protected]
X
article by pankaj nagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી