સ્પોર્ટ્સ- નીરવ પંચાલ / ટ્રેક એન્ડ ફિલ્ડ ક્ષેત્રે સુવર્ણ ઇતિહાસનું સર્જન

article by niravpachal

Divyabhaskar.com

Jul 29, 2019, 04:59 PM IST

સ્પોર્ટ્સ- નીરવ પંચાલ
200 મીટર પોઝનાન ગ્રાન્ડ પ્રિ, પોલેન્ડ - 23.65 સેકન્ડ. 200 મીટર કુટનો એથ્લેટિક્સ મીટ, પોલેન્ડ - 23.97 સેકન્ડ. 200 મીટર કલાડનો એથ્લેટિક્સ મીટ, ચેક રિપબ્લિક - 23.43 સેકન્ડ. 200 મીટર તાબોર એથ્લેટિક્સ મીટ, ચેક રિપબ્લિક 23.25 સેકન્ડ. 400 મીટર નોવ મેતુ ગ્રાન્ડ પ્રિ, ચેક રિપબ્લિક - 52.88 સેકન્ડ
આ આંકડા ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાઈ ગયા છે અને એને કોતરનાર નામ છે હિમાદાસ. બીજી જુલાઈથી 18 જુલાઈ સુધીનાં 3 અઠવાડિયાંથી પણ ઓછા સમયમાં હિમાદાસે એક પછી એક પાંચ ગોલ્ડ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો છે. ભારતીય એથ્લેટિક્સના હાઈ પરફોર્મન્સ ડાયરેક્ટર હર્મન વોકરના મત મુજબ હિમાદાસનું પરફોર્મન્સ હવે પ્રગતિની સાચી દિશામાં જઈ રહ્યું છે. 400 મીટર રેસમાં હિમા માત્ર 2.09 સેકન્ડથી પોતાના એશિયન ગેમ્સના પર્સનલ બેસ્ટ ટાઈમને ચૂકી ગઈ હતી.
આસામના ઢીંગ નામના છેવાડાના ગામમાંથી આવતી હિમાએ ટ્રેક એન્ડ ફિલ્ડમાં બહુ ઝડપથી પોતાની આગવી ઓળખ બનાવી દીધી છે. ઢીંગની નોંધ ભારતીય મીડિયામાં માત્ર 2 વાર લેવાઈ છે. એમાંય જ્યારે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટર રેસમાં છઠ્ઠા ક્રમે હિમા આવી ત્યારે સમગ્ર દેશના મેઈનસ્ટ્રીમ મીડિયાએ પોતાનું ધ્યાન હિમા પર કેન્દ્રિત કર્યું. ડાંગરનાં ખેતરોમાં ખુલ્લા પગે, કોઈપણ ફોર્મલ ટ્રેનિંગ વગર, કોઈ ટ્રેનર વગર, કોઈ ઇન્જરીનાં ભયસ્થાનોને જાણ્યા વગર દોડનારી 17-18 વર્ષની છોકરીએ અચાનક જ પોતાની ટેલેન્ટના જોરે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું નામ સ્થાપિત કરી દીધું.
મેડલ જીતવા માટે 400 મીટર રેસમાં 50થી ઓછી સેકન્ડ અને 200 મીટર રેસમાં 22થી ઓછી સેકન્ડમાં દોડવું પડે છે. હિમા હવે ધીરે ધીરે એ આંકડાઓની નજીક પહોંચી ગઈ છે. ઉંમર પ્રમાણે અને એના પરફોર્મન્સ મુજબ જો આમ જ દેખાવ કરશે તો આ વર્ષે સપ્ટેમ્બરમાં દોહામાં યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થવું એના માટે આસાન બની જશે. હાલ, વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરવા 200 મીટર 23.02 સેકન્ડ અને 400 મીટરની રેસ 51.80 સેકન્ડમાં જીતવી જરૂરી છે.
ભારતમાં સ્પોર્ટિંગ રોલ મોડલની અછત છે. ક્રિકેટને બાદ કરતાં અન્ય સ્પોર્ટ્સમાં એવા લિજેન્ડરી ફિગર્સનો અભાવ છે કે જેને જોઈને યૂથ પોતાને એવી સિદ્ધિઓ પામવા માટે મહેનત કરે કે પછી એ કક્ષાએ પહોંચવા માટે ઈમાનદારીથી પ્રયત્નો કરે.
[email protected]

X
article by niravpachal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી