સ્પોર્ટ્સ- નીરવ પંચાલ / એશિઝનો અમૂલ્ય અને રસપ્રદ ઇતિહાસ

article by nirav panchal

Divyabhaskar.com

Aug 12, 2019, 06:57 PM IST

સ્પોર્ટ્સ- નીરવ પંચાલ
પહેલી ઓગસ્ટથી શરૂ થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત એશિઝ સિરીઝનો પણ સમાવેશ થયેલો છે. એશિઝનો એક આગવો ઇતિહાસ છે. જેમ ભારત પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સિરીઝનો અલગ રોમાંચ છે, એવું જ એશિઝ વિશે પણ કહી શકાય. માંડ 6 ઇંચ ઊંચી ટેરાકોટાની બનેલી ટ્રોફી જીતવા માટેનું ઝનૂન કેટલી હદ સુધીનું હોઈ શકે? ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માટે બીજી બધી સિરીઝ એક તરફ અને એશિઝ એક તરફ. પોતાના દેશનું પ્રતિનિધિત્વ એશિઝ રમતી વખતે કરવા મળે અને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ કોતરાઈ જાય એવું પ્રદર્શન કરવા માટેનું મોટિવેશન ક્યાંથી આવે છે?
વાત છે છેક ઓગસ્ટ 1882ની, આજથી આશરે 137 વર્ષ પહેલાં. ઓસ્ટ્રેલિયન ટીમ એકમાત્ર ટેસ્ટમેચ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચી. ઓસ્ટ્રેલિયન ટીમ પાસેથી જીતની કોઈને અપેક્ષા નહોતી, કારણ કે ઈંગ્લિશ ટીમમાં ડબ્લ્યુ જી ગ્રેસ, જ્યોર્જ ઉલિટ અને બની લુકાસ જેવા ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન હતા. ઓસ્ટ્રેલિયન બેટિંગ પ્રથમ ઇનિંગમાં 63 રન જ કરી શકી અને છતાંય 7 રનના માર્જિનથી મેચ જીતી ગઈ. કારણ? ફ્રેડરિક ‘ધ ડિમન’ સ્પૉફોર્થ. ઈંગ્લિશ બેટ્સમેનની આંખમાં આંખ નાખીને બોલિંગ કરનાર સ્પૉફોર્થ મેચની બંને ઇનિંગમાં 7-7 વિકેટ લઇને હાહાકાર મચાવી દીધેલો. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવ્યાના સમાચાર રેજિનાલ્ડ બ્રુક્સ નામના પત્રકારે સ્પોર્ટિંગ ટાઈમ્સમાં ચમકાવ્યા. (જુઓ ફોટો ઇમેજ) આ ન્યૂઝને ઈંગ્લિશ કેપ્ટન ઇવો બ્લાઇએ ખૂબ ગંભીરતાથી લઇને પોતાનો મનસૂબો જાહેર કરતાં જણાવ્યું કે હું ઓસ્ટ્રેલિયા જઈને એશિઝ પાછી લાવીશ. ઓસ્ટ્રેલિયન મહિલા ફ્લોરેન્સ બ્લાઇને મળી. તેની પાસે 6 ઇંચ મોટી પરફ્યૂમ બોટલ હતી, ફ્લોરેન્સે બ્લાઇને કહ્યું, આ રહી તમારી એશિઝ, તેને પોતાની સાથે ઇંગ્લેન્ડ લઇ જાઓ. ખેલ હવે અહીં શરૂ થયો. બ્લાઇ અને ફ્લોરેન્સ પ્રેમમાં પડ્યાં અને પરણી ગયાં. એશિઝ અર્નમાં શું છે એ હવે કોઈને ખાતરીપૂર્વક ખબર નથી. સ્ટમ્પ, બેઇલ કે પછી બેઇલના કેસિંગની રાખ હોઈ શકે છે. 1998માં ફ્લોરેન્સની પુત્રવધૂએ કહ્યું કે એમાં બેઇલ નથી વેઇલ(ચહેરો ઢાંકવા માટે)નો ઉલ્લેખ છે.
એશિઝ સિરીઝ કોઈ પણ જીતે, ટ્રોફી એમસીસીના લોર્ડ્ઝમાં આવેલા મ્યુઝિયમમાં રહે છે. 1988 અને 2006-07માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એશિઝ દરમિયાન મૂળ ટ્રોફીને ઓસ્ટ્રેલિયા લઇ જવાઈ હતી. એ સિવાય એના અમૂલ્ય ઇતિહાસને લીધે તેને બહાર કાઢવામાં આવતી નથી.
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી