સ્પોર્ટ્સ- નીરવ પંચાલ / રમત ક્ષેત્રે રોમાંચક અને યાદગાર રહેલું સપ્તાહ

article by nirav panchal

Divyabhaskar.com

Jul 22, 2019, 01:05 PM IST

સ્પોર્ટ્સ- નીરવ પંચાલ
વીતેલું અઠવાડિયું 2019નાં તમામ વીતેલાં અને આવનારાં અઠવાડિયાં કરતાં પણ વધુ યાદ રહેશે. લાગણીઓના રોલર કોસ્ટર પર બેસીને દુઃખ, સુખ, ખુશી, આંસુ, થ્રિલ, મજા અને હૈયું ચિરાઈ જાય અને છતાંય એ યાદોને વાગોળવા માટે મજબૂર કરી દેશે. ભારત ન્યૂઝીલેન્ડ સામે સેમી ફાઇનલમાં 18 રનથી હાર્યું, ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ સામે 8 વિકેટે હાર્યું. વર્લ્ડકપ ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પોતપોતાની 50 ઓવર્સમાં બેસ્ટ ક્રિકેટ રમ્યા. ન ભૂતો ન ભવિષ્યતિ જેવી ફાઇનલ મેચનું પરિણામ લાવવા માટે સુપર ઓવરનો પ્રયોગ થયો, પરંતુ સુપર ઓવર પણ ટાઈ થઇ!
વિચારો. વનડે ક્રિકેટનું રિઝલ્ટ લાવવા માટે 600 બોલ પૂરતા ન પડ્યા એટલે બીજા 12 બોલની જરૂર પડી અને તેમ છતાં વિનિંગ ટીમનું ભવિષ્ય તેમણે ફટકારેલી બાઉન્ડરીઝના આધારે નક્કી થયું. નિયમ મામલે ઊહાપોહ થયો, પરંતુ હકીકત એ છે કે ભાગ લેનાર તમામ દેશોએ આ નિયમોની પૂરી જાણકારી લીધા પછી જ ભાગ લીધો હતો. એન્ડી ઝલ્ટઝમેન ખૂબ જાણીતા એનાલિસ્ટ છે. એમણે કરેલી ટ્વીટ અનુસાર પૂરી થઇ હોય એવી 4046 વનડે મેચમાં આ 38મી ટાઈ ગેમ હતી. જેમાં 432 વર્લ્ડકપ મેચની ગણતરી કરીએ તો એ મુજબ પાંચમી ટાઈ ગેમ હતી. હવે ફાઇનલની ગણતરી કરીએ તો સંભાવનાની દૃષ્ટિએ હવે વર્લ્ડકપ ફાઇનલ ટાઈ થવાની ઘટના 400 વર્ષ બાદ થઇ શકે!
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમી નિશમે નિરાશ થઇને ટ્વીટ કર્યું: ‘બાળકો, તમે બેકરી કે એવું કશુંક ખોલો, 60 વર્ષે અલમસ્ત રહીને મોતને વહાલું કરજો, પણ ક્રિકેટ ન રમતા’ દુઃખની પરાકાષ્ઠા આનાથી વધુ શું હોઈ શકે?
વર્લ્ડકપ ફાઇનલ રમાઈ રહી હતી એ જ દિવસે વિમ્બલ્ડનમાં રોજર ફેડરર અને યોકોવિચ વચ્ચે ફાઇનલનો ચેમ્પિયનશિપ મુકાબલો ચાલુ હતો. સ્પોર્ટ્સ ફેન્સ વિડંબણામાં હતા કે ક્રિકેટ જોવી કે ટેનિસ? યોકોવિચે અંતે 5 સેટની થ્રિલર ગેમને અંતે ફેડરરને હરાવી પોતાની પાંચમી ટ્રોફી જીતી અને કરિયરનું 16મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું. યોકોવિચ હવે નડાલથી 2 ગ્રાન્ડ સ્લેમ અને ફેડરરથી 4 ગ્રાન્ડ સ્લેમ જેટલી દૂરી પર છે.
જે સમયે ભારતીય ક્રિકેટટીમ ન્યૂઝીલેન્ડ સામે સંઘર્ષ કરી રહી હતી ત્યારે નેપલ્સમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય સ્પ્રિન્ટર દૂતી ચંદે 100 મીટર રેસ જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. દૂતી ચંદ હવે હિમાદાસ બાદ બીજી ભારતીય સ્પ્રિન્ટર બની કે જેણે વૈશ્વિક ખેલકૂદની પ્રતિયોગિતામાં ગોલ્ડ મેડલ જીત્યો હોય.
[email protected]

X
article by nirav panchal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી