Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-72

કોમ આધારિત કાયદાઓ સરકારને કોઠે પડી જાય તો?

  • પ્રકાશન તારીખ23 Dec 2019
  •  
પરિક્રમા- નગીનદાસ સંઘવી
ભારત સરકારે પાડોશના મુસલમાન દેશોમાં ભોગવવા પડતા ત્રાસના કારણે ભારતમાં આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને તાબડતોબ નાગરિકતા આપવાનો કાયદો ઘડ્યો તેની સામેનો વિરોધ સમજવો જરૂરી છે. પંજાબ, બંગાળ, કેરળ, ત્રિપુરા, મેઘાલયની રાજ્ય સરકારોએ આ કાયદાનો અમલ ન કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં કશો દમ નથી અને કેવળ પ્રચારબાજી છે. નાગરિકતા અંગેના કાયદા ઘડવાની સત્તા બંધારણે માત્ર કેન્દ્ર સરકારને આપી છે અને તેમાં કશી દખલગીરી કરવાની રાજ્ય સરકારની કોઇ ગુંજાઇશ નથી. આ કાયદાને સર્વોચ્ચ અદાલતની મંજૂરી મળી જાય તો તેનો અમલ આપોઆપ થાય છે. આમાંથી મોટાભાગના શરણાર્થીઓ ઘણાં વરસોથી ભારતમાં વસે છે. અત્યાર સુધી તેઓ પરદેશી હતા, હવે ભારતીય નાગરિક બની ગયા છે. બધું મળીને લગભગ એકાદ કરોડ શરણાર્થીઓ ભારતના નાગરિક બની જશે અને 2021માં વસ્તી ગણતરી થવાની છે ત્યારે તેમનાં નામ પણ ભારતીય નાગરિક તરીકે નોંધાશે. વસ્તી ગણતરીનું કામ રાજ્યોમાં થાય છે, પણ આ કામ કેન્દ્ર સરકાર બજાવે છે, રાજ્યોએ તેમાં સહકાર આપવો પડે છે, પણ તેમાં કશી દખલગીરી રાજ્ય સરકાર કરી શકે નહીં.
આ કાયદાના વિરોધમાં સર્વોચ્ચ અદાલતમાં ઘણી ફરિયાદો કરવામાં આવી છે. અદાલત આ ફરિયાદો સાંભળવાનું કબૂલ કરે તો તેની સુનાવણી થશે. આ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલત કાયદાનો અમલ થવા દેશે કે કાયદા અંગે સ્ટે ઓર્ડર આપશે તે જોવાનું રહે છે. સ્ટે ઓર્ડર મળે તો કાયદાનો અમલ કરી શકાય નહીં.
આ કાયદાનો સૌથી ઉગ્ર વિરોધ આસામમાં શરૂ થયો, કારણ કે ત્યાં 1971થી અગણિત ઘૂસણખોરો બાંગ્લાદેશથી આવીને વસ્યા છે અને તેની સામે આસામમાં ઉગ્ર ચળવળ ચાલી. આ ઘૂસણખોરોને અલગ તારવવા સર્વોચ્ચ અદાલતના આદેશ પ્રમાણે દફતર તૈયાર કરવામાં આવ્યું છે અને 19 લાખ ઘૂસણખોરોને અલગ તારવવામાં આવ્યા છે. આમાંથી પાંચ લાખ હિન્દુઓ છે અને નવા કાયદા મુજબ આ પાંચ લાખ ઘૂસણખોરો ભારતના નાગરિક બનીને આસામમાં રહી શકશે તેની સામે આસામીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
આ વિરોધ માત્ર આસામ પૂરતો મર્યાદિત નથી. ઇશાનનાં અન્ય રાજ્યો- મણિપુર, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને અરુણાચલમાં પણ આ કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. આ વિસ્તારોમાં રહેનાર લોકો મોટાભાગે આદિવાસીઓ છે અને તેમને હિન્દુ સવર્ણો પોતાને ત્યાં વસવાટ કરે તે મંજૂર નથી. વળી, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલના લોકો ખ્રિસ્તીઓ છે ને તેમને હિન્દુ શરણાર્થીઓ પોતાના વિસ્તારમાં રહેતા થાય તો તેમનો પ્રભાવ ઓછો થાય.
ભારત સરકારે ઘડેલા કાયદાનો પરદેશમાં પણ વિરોધ જાગ્યો છે. આ કાયદો દેખીતી રીતે જ કોમવાદી કાયદો છે, કારણ કે હિન્દુ શરણાર્થીઓને જે લાભ મળે તે મુસલમાન શરણાર્થીઓને મળવાનો નથી. પાકિસ્તાનમાં હિન્દુઓને ત્રાસ આપવામાં આવે છે તેના કરતાં અનેક ગણો વધારે ત્રાસ શિયા અને અહમદિયા મુસલમાનોને અપાય છે. તેમને જીવતા રહેવાનું મુશ્કેલ બની ગયું છે. બાંગ્લાદેશમાં રાજકીય કારણસર ઝિયા ઉલ્લ હક્કના વિરોધીઓએ ત્રાસ ભોગવવો પડે છે, તેથી ત્રાસનો ભોગવટો તે કારણ વાપરી શકાય તેમ નથી. ધાર્મિક ભેદભાવ ધરાવતા આ કાયદા સામે અમેરિકન સરકારે અને યુનોના માનવ અધિકાર કમિશને ભારત સરકાર પાસે પોતપોતાનો વિરોધ નોંધાવ્યો છે.
આ ખરડાથી ભારતના મુસલમાન નાગરિકોને કશું નુકસાન થવાનું નથી. આ કાયદો નાગરિકતા આપવા માટેનો કાયદો છે, કોઇની નાગરિકતા છીનવી લેવા માટેનો કાયદો નથી તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દલીલ સાચી છે, પણ મુસલમાનોનો ફફડાટ કેવળ આ કાયદાના કારણે નથી, પણ આવા કાયદામાં સ્પષ્ટ રીતે દેખાઇ આવતા સરકારના વલણ સામે છે. આવા કોમ આધારિત કાયદાઓ કોઠે પડી જાય તો ભવિષ્યમાં મુસલમાનો માટે ભારતમાં વસવાટ કરવાનું અતિશય મુશ્કેલ થઇ પડે. હિન્દુઓને ખાસ સગવડ આપવી અને મુસલમાનોને અલગ તારવી કાઢવા તેને મુસલમાન સમાજ હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાનો આરંભ થયો ગણે છે અને તેથી તેઓ દહેશત અનુભવે છે.
અગણિત ધર્મો, ભાષાઓ, પહેરવેશ, ખાનપાન, ગીતસંગીતનું વૈવિધ્ય ભારતની ઓળખાણ ગણાય છે. કોમવાદ આવી વિવિધતાનો શત્રુ છે, કારણ કે એક જ ધર્મ કે ભાષાના આધારે ચાલનાર સમાજ સંકુચિત બની જાય છે. ભારત એક ધર્મી બની જાય તો કોમી વિખવાદ નાબૂદ થાય તેવી માન્યતામાં કશું વજૂદ નથી. એક ધર્મી સમાજના ભયંકર વિખવાદો જોવા હોય તો પશ્ચિમ એશિયા અથવા યુરોપના દેશો સામે નજર કરવી જોઇએ. પશ્ચિમ એશિયાના લગભગ બધા દેશો (લેબનાન અને ઇઝરાયેલ અપવાદ સાથે) મુસલમાનો છે, પણ મુસ્લિમોનો આંતરવિગ્રહ અફઘાનિસ્તાનથી સીરિયા સુધી ફેલાયો છે. યુરોપના બધા દેશો ખ્રિસ્તી ધર્મ પાળતા હોવા છતાં 1945 સુધી યુરોપમાં ચાલેલી ખૂનામરકી આજની પેઢીને કદાચ યાદ ન હોય તેવું બની શકે. ધર્મ સમાજને જોડે છે તેના કરતાં વધારે તોડે છે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP