તડ ને ફડ- નગીનદાસ સંઘવી / કેરળની વિધાનસભાએ મંજૂર કરેલો ઠરાવ સમવાય સંઘ માટે વિધાતક છે

article by nagindas sanghvi

Divyabhaskar.com

Jan 09, 2020, 03:10 PM IST
તડ ને ફડ- નગીનદાસ સંઘવી
નવા નાગરિક કાયદાના પક્ષકારો અને વિરોધીઓ વચ્ચેના અતિશય કટ્ટર હઠાગ્રહના કારણે ભારતના સમવાયી બંધારણમાં મોટી કટોકટી ઊભી થવાનો સંભવ ઊભો થયો છે. કેરળની વિધાનસભાએ આ કાયદાનો વિરોધ કરતો ઠરાવ લગભગ સર્વાનુમતે કહી શકાય તેટલી જંગી બહુમતીએ પસાર કર્યો છે. આ કાયદો બંધારણનાં મૂળભૂત મૂલ્યોથી વિપરીત છે તેવી દલીલ કરીને આ ‘બંધારણ બાહ્ય’ કાયદાને રદ કરવાની માગણી કરી છે.
નવા નાગરિક કાયદા અંગે અથવા ભારતની કોઇ પણ સરકારના કોઇપણ પગલાંનો વિરોધ કરવાનો ભારતના દરેક નાગરિકને અધિકાર છે, પણ આ અધિકાર બંધારણે સ્થાપેલી સંસ્થાઓ ભોગવી શકે નહીં. કેરળની વિધાનસભાએ મંજૂર કરેલો ઠરાવ સમવાય સંઘ માટે વિઘાતક છે અને આજના માહોલમાં બીજાં રાજ્યોમાં તેનું અનુકરણ થાય તો બંધારણને જબરદસ્ત ફટકો પડે. નવા કાયદા અંગે મતભેદ છે, પણ આવા મતભેદના કારણે કેરળની વિધાનસભા અને કેરળની સરકારે ભરેલાં પગલાંને વાજબી ઠરાવી શકાય નહીં. કેરળના તમામ ધારાસભ્યો સભાગૃહની બહાર પોતાના નાગરિક હક્કનો વપરાશ કરી શકે છે, પણ વિધાનસભાને નાગરિકના અધિકાર અપાયા નથી.
રાજ્યોની વિધાનસભા કેટલાક વિશેષાધિકાર ધરાવે છે તેવો બચાવ કેરળના મુખ્યમંત્રીએ કરેલો છે, પણ બંધારણે આવો કોઇ વિશેષાધિકાર આપ્યો નથી અને આપ્યો હોય તો પણ બંધારણે આપેલા અધિકાર બંધાણના નાશ માટે વાપરી શકાય નહીં. કેન્દ્ર સરકાર આ બાબતમાં ઘણાં સખત પગલાં ભરવાની સત્તા ધરાવે છે અને કેન્દ્રના કાયદાનો અનાદર કરવા માટે ઠરાવની તરફેણ કરનાર વિધાનસભાને બરખાસ્ત કરી શકાય છે, પણ અત્યારે દેશનું રાજકીય વાતાવરણ છે તેમાં ભારત સરકાર આવું આત્યંતિક પગલું ભરવા તૈયાર ન થાય.
કેરળના ગવર્નર આરીફ મહમ્મદ ખાને નવા નાગરિક કાયદાને ટેકો આપ્યો છે. વિધાનસભાએ મંજૂર કરેલા કાયદા માટે ગવર્નરની અનુમતિ જરૂરી છે, પણ ઠરાવની બાબતમાં આવી કશી જરૂર હોતી નથી.
કેન્દ્ર સરકારે ઘડેલા નવા નાગરિક કાયદાના ગુણદોષ અંગે ચર્ચા થઇ શકે, પણ તેમાં બંધારણનો કશો અનાદર થતો નથી, કારણ કે નિરાશ્રિતો ભારતના નાગરિકો નથી અને તેમાંથી કોને, કેટલા પ્રમાણમાં નાગરિકત્વ આપવું ન આપવું તે ભારત સરકારનો સુવાંગ અધિકાર છે. વળી, કોઇપણ કાયદો બંધારણ બાહ્ય છે કે નથી. તેનાં કારણો બંધારણનાં મૂળભૂત મૂલ્યોને જફા પહોંચે છે કે નથી પહોંચતી, તે સર્વોચ્ચ અદાલત જ નક્કી કરી શકે. કોઇપણ કાયદો બંધારણના બાહ્ય છે કે નથી તે નક્કી કરવાનું કામ અને અધિકાર કેરળની વિધાનસભાને નથી. આવી અદાલતી સત્તા રાજ્યોની વિધાનસભાઓને આપવામાં આવે તો કેન્દ્ર સરકાર તદ્દન નિર્માલ્ય બની જાય.
આ કાયદાનો અને તેની સાથે જોડાયેલા નાગરિકોના રાષ્ટ્રીય દફતરનો અમલ અમે કરવાના નથી તેવું છ રાજ્યોએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. રાજ્યો કાયદાના અમલમાં આડખીલી નાખી શકે, કાયદાનો અમલ થતો લંબાવી શકે, પણ તેનો અમલ અટકાવી શકે નહીં. ભારત સરકારે જેમને નાગરિક ગણ્યા છે તે બધાને રાજ્યોની પ્રાદેશિક સરકારોએ વહેલે મોડે સ્વીકારવા જ પડે. નાગરિકતાનો નવો કાયદો નાબૂદ કરવો હોય તો નાગરિકોએ ચૂંટણીમાં ભાજપનો પરાજય કરવો જોઇએ. લોકશાહીમાં કાયદાનો વિરોધ કરી શકાય છે, પણ તે કાયદો પણ પાળવો તો પડે જ. આધુનિક લોકશાહી કાયદાનું રાજ છે અને કાયદો ગમે તેટલો અણગમતો હોય તો પણ તે રદ ન થાય ત્યાં સુધી તેનું પાલન કરવા માટે નાગરિકો બંધાયેલા છે. લોકશાહીએ વિરોધ કરવાનો અધિકાર આપ્યો છે, પણ કાયદાની ઉપેક્ષા કરવાનો અથવા તેનું પાલન ન કરવાનો હક્ક કોઇને આપ્યો નથી.
પોતાને કોઇ કાયદો અન્યાયી અથવા વિઘાતક લાગતો હોય તેનો સવિનય અનાદર કરવાનાં આંદોલનો મહાત્મા ગાંધીજીએ ચલાવ્યાં છે, પણ ગાંધીજીની વાત અધૂરી સમજીએ અથવા અધૂરી પાળીએ તો તે ગાંધીજીનું અપમાન કર્યા બરોબર છે. મીઠા પરની સરકારી ઇજારાશાહી અને વેરો અન્યાય છે તેથી ગાંધીજીએ ‘નમક કા કાયદા તોડ દિયા’, પણ કાયદાને નકારી કાઢનાર દરેક નાગરિકે તે માટેની સજા સામેથી માગી લઇને ભોગવવી પડે તે શરત પણ સવિનય કાયદા ભંગમાં સમાયેલી છે. પોતાને અણગમતા કાયદાને નકારી કાઢનાર નાગરિક કાયદાએ ઠરાવેલી સજા ભોગવવાનો ઇન્કાર કરે અથવા સજામાંથી છૂટી જાય તો રાજ્ય અને સમાજ બંને ભાંગી પડે. ફોજદારી કાયદો તો દરેક ગુનેગાર તોડે છે અને સજા ભોગવવાના બદલે નાસી છૂટે છે. લોકશાહી ગુનાખોરોની રાજવટ નથી. લોકોને અધિકાર અપાયા છે તેમ તેમની જવાબદારી પણ છે. કેરળની વિધાનસભાએ ઠરાવ કરીને કેરળના રહેવાસીઓને કાયદાનો અનાદર કરવાની હાકલ કરી છે. તે લોકશાહીમાં કોઇ રીતે બંધ બેસતું નથી.
સરકાર કે સમાજે ઘડેલા કાયદાઓ હંમેશાં સારા કે લાભદાયી હોતા નથી. દુનિયાના તમામ શક્તિશાળીઓ પોતપોતાના સમાજના કાયદાઓ તોડ્યા છે અને દરેક શક્તિશાળી હંમેશાં ગુનેગાર ગણાયો છે, સજા પામ્યો છે, પણ ખરા શક્તિશાળીએ કદી સજામાંથી છટકી જવા ભાગનાશ કરી નથી. અતિશય આકરી સજા પણ તેમણે ભોગવી છે.
આ બાબતમાં આવી સજા પામ્યા પછી સોક્રેટિસે જે કહ્યું તે હંમેશાં ખ્યાલમાં રાખવું જોઇએ - ‘તમને અપાયેલી સજા અન્યાયી છે, તેથી તમારે ભાગી છૂટવું જોઇએ. અમે બધી ગોઠવણી કરી છે અને તમને લઇ જવા માટેની નાવડી તૈયાર છે.’ તેવું સાથીઓ અને શિષ્યોએ કહ્યું ત્યારે સોક્રેટિસે નાસી છૂટવાની ના પાડી. ‘મારી આખી જિંદગી મેં લોકોને કાયદા પાળવાની શિખામણ આપી છે. જિંદગી બચાવવા માટે કાયદાનો અનાદર કરું તો હું ખોટો ઠરું.’ યેરુસલેમમાં ઇશુ ઉપદેશ આપતા રહેશે તો તેમની ધરપકડ થશે અને મોતની સજા થશે તેથી ઇસુએ યેરુસલેમમાંથી નાસી છૂટવું તેવી સાથીઓની સલાહ ઇસુએ નકારી કાઢી.
દરેક શક્તિશાળી કાયદો તોડે છે, ગાંધીએ પણ તોડ્યો છે અને દરેક ગુનેગાર પણ કાયદા તોડે છે. શક્તિશાળી અને ગુનાખોરી વચ્ચેનો તફાવત સહેલાઇથી સમજી શકાય છે. કેરળની વિધાનસભાએ કાયદો તોડ્યો છે. કેરળની સરકાર અને ધારાસભ્યોએ પોતાના ગુનાની સજા સામેથી માગી લેવી જોઇએ. {[email protected]
X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી