Back કથા સરિતા
નગીનદાસ સંઘવી

નગીનદાસ સંઘવી

રાજકીય વિશ્લેષણ (પ્રકરણ - 75)
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
પ્રકરણ-70

ગાંધીજીનું મરણ તેમના જીવતરને તંતોતંત છાજે તેવું છે

  • પ્રકાશન તારીખ09 Dec 2019
  •  
પરિક્રમા- નગીનદાસ સંઘવી
નથુરામ ગોડસે દુનિયામાં સૌથી વધારે નસીબદાર માણસ છે. દુનિયાની ભલાઇ માટે કશું કર્યા સિવાય ગાંધીહત્યાનું માત્ર એક જ કામ કરીને તેણે ગાંધીજીના જેટલું જ અમરત્વ મેળવી લીધું છે. ગાંધીનું નામ ગવાશે ત્યાં સુધી ગોડસે પણ જીવતો રહેશે.
નથુરામ ગોડસે એકલો નથી. ખૂંખાર દુશ્મનોના હાથમાં ઇસુને પકડાવી દેનાર જ્યુડાસ ઇસ્કોરિયટને ખ્રિસ્તીઓ બે હજાર વર્ષે આજે પણ ઓળખે છે. જ્યુડાસને તેના કામ માટે ત્રીસ સિક્કા મળેલા. ગોડસેને તો કશું મળ્યાનું જાણમાં નથી.
ગોડસેની રિવાેલ્વર ગાંધીહત્યાનું એક સાધન માત્ર છે, તેમ ગોડસે પણ ગાંધીહત્યાનું સાધન જ છે. નિરપરાધી મુસ્લિમોના રક્ષણ માટેની મથામણ કરનાર ગાંધીના વિરોધમાં દ્વેષ અને ઝેરનું ખુન્નસ ફેલાવનાર તે જમાનાના હિન્દુત્વવાદીઓ જ ગાંધીજીના ખરેખરા ખૂની છે. ગાંધીપૂજાના ઢોંગથી છેતરાઇ જવાનું કારણ નથી. દરેક માણસના ચહેરામાં ઇશ્વરનું દર્શન કરનાર ગાંધી (he saw the face of god in every faces)ની હત્યાની ઉજવણીમાં પૂણે શહેરમાં પેંડાની વહેંચણી કરનાર લોકો સામે ભયંકર હુલ્લડો થયેલાં.
આવું જ પ્રજ્ઞા ઠાકુર નામની એક અગણ્ય સાધ્વી સામે ઉકળાટ ઠાલવનાર લોકો ખોટી જગ્યાએ તીર મારે છે. આ માન્યતા ધરાવનાર લોકોની સંખ્યા નાનીસૂની નથી અને ગોડસેનું મંદિર બાંધવાની હિલચાલ થયેલી. ગોડસેના બચાવનામાનું નાટક (મી ગોડસે બોલતોય) મરાઠી સમાજમાં ભજવાયું છે.
આજના ગાંધીદ્વેષી જમાનામાં સવાયા હિન્દુત્વવાદી શિવસેનાને સાથીસંગાથીઓ શોધવામાં કશી અગવડ પડતી નથી. તે જ તો આપણા રાજકારણની બલિહારી છે. પ્રજ્ઞા ઠાકુરને ભાજપમાંથી અને લોકસભામાંથી હાંકી કાઢવાનું કામ અઘરું નથી, પણ આ વિચારધારાને કાયમી રુખસદ આપવાની મથામણ લાંબી ચાલવાની છે.
લોકસેવા અને સમાજ ઘડતર માટે રાજકારણને સાધન બનાવનાર ગાંધીજી આજે રાજકારણનું સાધન બની ગયા છે અને સહુ કોઇ પોતાને ગાંધીભક્ત ગણાવવા માટે પડાપડી કરે છે, પણ ગાંધીના રસ્તે ચાલવાનું કામ રાજપુરુષો માટે અતિશય દુષ્કર કામ છે, કારણ કે ગાંધી જેમ કોમવાદીઓને ફાવે તેવા નથી તેમ આંબેડકરવાદીઓને પણ ફાવે તેવા નથી. વાસ્તવિકતા તો એ છે કે ગાંધીજી જેવા પયગંબરી માણસો સમકાલીન સમાજમાં અકોણા થઇ પડે છે અને તેમને મારી નાખ્યા પછી જ તેમની પૂજા કરી શકાય છે. મરેલા શબ પર ગુલાબ પાથરનાર આપણે જીવતાને તો કાંટાની પથારીમાં જ સુવડાવતા
હોઈએ છીએ.
ગાંધીજીનું મરણ તેમના જીવતરને તંતોતંત છાજે તેવું છે. પથારીએ પડીને, ભૂંગળીઓના જાળા વચ્ચે ઘેરાયેલો ગાંધી ટાંટિયા ઘસતો મરે તે ગાંધીજીને શોભે નહીં. સત્્પુરુષોનાં મરણ પણ તેમના માટે શોભાસ્પદ હોવાં જોઇએ. ઇશુ વધસ્તંભે જ શોભે અને ગાંધીને ગોળીઓ જ મળવી જોઇએ નહીંતર સામાન્ય માણસ અને મહામાનવ વચ્ચેનો તફાવત ખૂબ જ ઝાંખો
પડી જાય.
ગાંધીએ મરણનો ભય જીતી લીધો હતો. નહીંતર દરબાર વીરાવાળાના મવાલીઓ સામે અને નૌલખીના હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં ગાંધીજી એકલપંડે કેમ જઇ શક્યા હોત! દુનિયાના અગણિત પ્રજ્ઞા ઠાકુરો અંગે ઘૃણા ફેલાવવામાં ગાંધીનું અપમાન છે. ગાંધીજી માટે આ લોકો તો દયાને પાત્ર છે. ગાંધીજીના દુશ્મનોની સંખ્યા ઘણી મોટી છે, પણ ગાંધીના પોતાના માટે કોઇ દુશ્મન નથી, કારણ કે ગાંધીજી અજાતશત્રુ બનવાની હદે પહોંચી ગયા હતા.
અહિંસાની પોતાની સાધના અધૂરી છે તેનો અજંપો મહાત્મા ગાંધીને આખરી ઘડી સુધી પજવતો રહ્યો હતો, કારણ કે તેમણે યોગદર્શનના પ્રણેતા ઋષિ પતંજલિની વ્યાખ્યા સાકાર કરવાની ઝંખના સેવી હતી. અહિંસાની સાધનાના અંતિમ આદર્શે પહોંચેલો માણસ પોતે તો વેરઝેરથી મુક્ત થઇ જાય, પણ તેની હાજરી માત્રથી વેરઝેર અદૃશ્ય થઇ જવાં જોઇએ (તત્સન્નિધૌ વૈરત્યાગ:) પતંજલિનો આવો આદર્શ અશક્ય છે કે ગાંધીજીની ઝંખના અવહેવારુ છે તે આપણે જાણતા નથી, પણ ગાંધીજીના મૂલ્યાંકનમાં સાધારણ માપદંડ ચાલે નહીં. ગાંધીજીની ઊંચાઇને છાજે તેવા કઠોર માપદંડથી જ ગાંધીજીને માપવા અને મૂલવવા જોઇએ.
આ ક્ષેત્ર ગાંધીભક્તોનું નથી અને ગાંધીદ્વેષીઓનું પણ નથી. આ ક્ષેત્ર અલગ છે, આ દુનિયા પણ નિરાળી છે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP