તડ ને ફડ- નગીનદાસ સંઘવી / રાજકારણમાં કોઈ સગપણ, દોસ્તી કે દુશ્મનાવટ હોતાં નથી

article by nagindas sanghvi

Divyabhaskar.com

Dec 04, 2019, 04:16 PM IST
તડ ને ફડ- નગીનદાસ સંઘવી
મહારાષ્ટ્ર પ્રધાનમંડળની કટોકટી હાલ પૂરતી ઉકેલાઈ ગઈ છે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બધાં સમાધાન સ્વીકારને મહારાષ્ટ્રનો સર્વોચ્ચ હોદ્દો મેળવી લીધો છે. આ સરકાર અને આ પ્રધાનમંડળની કામગીરી અને આયુષ્યરેખા ભવિષ્યમાં નક્કી થવાનાં છે, પણ શિવસેનાના વાઘે ઘાસનો ચારો ચરવાથી શરૂઆત કરી છે. સવાયા હિન્દુત્વનો નારો ગજાવનાર અને ‘હિન્દુ હૃદય સમ્રાટ’ હોવાનું ગૌરવ અનુભવનાર શિવસેનાએ ‘સેક્યુલર’ કાર્યક્રમ અપનાવી લેવાના સહિ-સિક્કા કરી આપ્યા છે. આનું પહેલું પરિણામ દસ દિવસમાં દેખાડવું પડશે. બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે છઠ્ઠી ડિસેમ્બર શિવસેના શૌર્ય દિવસ તરીકે ઊજવે છે અને કોંગ્રેસ આ દિવસને કલંકરૂપ કાળો દિવસ ગણે છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના જૂના હિન્દુત્વવાદી સાથી ભાજપ જોડેનો છેડો ફાડી નાખ્યો છે એટલું જ નહીં, પણ ‘હિન્દુત્વવાદ’ છોડવાની કબૂલાત આપી છે. રામમંદિરની બાંધણી શરૂ થાય ત્યારે આ મતભેદ મહારાષ્ટ્ર સરકાર માટે મહત્ત્વનો બની જશે.
ખેડૂતોને રાહત આપવી, શિક્ષિત બેકારોને ભથ્થું આપવું અને ભૂખ્યાને 10 રૂપિયે થાળી પીરસવી એ બધાને ગમતી વાત ગણાય, પણ આ માટેનાં નાણાં ક્યાંથી આવશે તેની ચર્ચા કરવા કોઈ તૈયાર નથી, કારણ કે આ મુદ્દો અગવડરૂપ છે.
ઉદ્ધવ ઠાકરેની સરકારનું સ્વરૂપ પ્રધાનો અને ખાતા વહેંચણીમાં પ્રગટ થશે, પણ કેબિનેટ કક્ષાના છ પ્રધાનોએ શપથ લીધા. તેમાં શિવસેનાના તો માત્ર બે જ છે. ચાર પ્રધાનો બીજા પક્ષના હોય તેને ગઠબંધનની જ સરકાર કહેવી પડે અને મુખ્યમંત્રી તો માત્ર ઓઠું જ બની રહે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના બે પ્રધાનોમાંથી એક છગન ભુજબળ શિવસેનાનો જૂનો દુશ્મન છે. શિવસેનામાં લાંબો વખત સુધી રહ્યા પછી અને એના નાયકોની હરોળમાં બેઠા પછી છગન ભુજબળે 1991માં સેના છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો ત્યારે શિવસૈનિકોએ છગન ભુજબળના આવાસ પર ખૂંખાર હલ્લો કરેલો. છગન ભુજબળ માટે સેનાના ‘માર્મિક’માં જે ભાષા વાપરવામાં અાવી તે સાંભળી જાય તેવી નથી. છગન ભુજબળને સદંતર ઉખેડી નાખવાની ગર્જના શિવસેનાના સ્થાપક અને આજન્મ પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ કરેલી.
છગન ભુજબળ દૂધે ધોયેલા નથી. હવાલા કૌભાંડના આરોપસર બે વર્ષ જેલમાં રહી આવ્યા છે, પણ રાજકારણની ગંગામાં સ્નાન કરનારનાં બધાં પાપ ધોવાઈ ગયેલાં મનાય છે. ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં છગન ભુજબળની હાજરી કદાચ આ પ્રધાનમંડળની સૌથી મોટી વિડંબના છે, પણ છગન ભુજબળની ઉપેક્ષા કરી શકાય તેમ નથી, કારણ કે તેમણે ત્રણે ઘાટનાં પાણી પીધાં છે. સેના છોડીને કોંગ્રેસમાં જોડાયેલા છગન ભુજબળે 8 વર્ષ પછી કોંગ્રેસ છોડીને રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જોડાયા.
આવું તો શરદ પવાર માટે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ માટે પણ કહી શકાય. કોંગ્રેસ પ્રમુખ બનવાની બધી ખટપટ કર્યા પછી સોનિયા ગાંધીથી પરાસ્ત થઈને શરદ પવારે કોંગ્રેસમાંથી સોનિયા વિરોધી બખાળા કાઢીને રાજીનામું આપ્યું અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સ્થાપના થઈ, પણ ત્યાર પછીની પરિસ્થિતિના કારણે શરદ પવારે જૂનો ઝઘડો દફનાવી દઈને કોંગ્રેસ જોડે હાથ મિલાવ્યા.
મહારાષ્ટ્રના ગઠબંધનમાં જોડાયેલા ત્રણ પક્ષો સમાન ધર્મી નથી. ગઠબંધનનો કાર્યક્રમ ઘડી કાઢવાનું કામ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસે કર્યું છે અને સેનાને તેમાં પાછળથી જોડવામાં આવી છે, પણ જુગારમાં અને રાજકારણમાં કોઈ સગપણ, દોસ્તી કે દુશ્મનાવટ હોતાં નથી. સહુ કોઈ જે મળે તે લાભ ઉઠાવી લેવા માટે ફાવે તેની સાથે જોડાય છે અને ઝઘડે પણ છે.
મહારાષ્ટ્રમાં સૌથી મોટો પછડાટ ભાજપનો થયો છે. ભારતનાં તમામ રાજ્યોમાં વસ્તીની દૃષ્ટિએ બીજું અને ઔદ્યોગિક વિકાસ તથા સંપત્તિના ધોરણે પહેલા નંબરનું ગણાતું મહારાષ્ટ્ર ભાજપના હાથમાં આવ્યા પછી હાથમાંથી સરકી ગયું છે અને ભાજપની વિદાય ‘બહુત બદનામ હોકર તેરે કુચે સે હમ નિકલે’ જેવી છે. સૌથી વધારે બેઠક હોવાથી આમંત્રણ મળ્યા છતાં સરકાર રચવાનો ઇન્કાર કરીને ભાજપે અપનાવેલું ગૌરવ છેલ્લી ઘડીએ ખાનગી ખૂણે સરકાર રચીને ધોઈ નાખ્યું છે અને માજી મુખ્યમંત્રી સૌથી ઓછા દિવસનું લીંબુ ઉછાળ રાજવટ માટે ઇતિહાસમાં કાયમ માટે નોંધાશે. શરદ પવારની સરખામણીએ અજિત પવાર માત્ર એક મગતરું છે. તે મહારાષ્ટ્રના રાજકારણનો અદનો અભ્યાસી પણ છે. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં આ વાત ફરી સ્થાપિત થઈ. રાષ્ટ્રવાદી કોંગ્રેસે ખાસ કરીને શરદ પવારે પોતાના એકલાની શક્તિના આધારે શિવસેના જેટલી બેઠક જીતી લીધી છે. તે જોયા પછી પવારના પ્રભાવ અંગે શંકા રાખવાનું કારણ નથી છતાં ભાજપી આગેવાનોએ પોતાના હાથે પોતાના મોઢે મેશ ચોપડી. વિધાનસભામાં વિરોધ પક્ષની પાટલી પર બેસવા માટે લાચાર બની ગયેલા ભાજપે અને દેવેન્દ્ર ફડણવીસે કેટલી હસી મજાક સહન કરવા પડશે તેની કલ્પના કરવી અઘરી નથી. ભારતમાં અને મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષની પાટલી પર બેઠેલા સમર્થ આગેવાનોની યાદી ઘણી લાંબી છે, પણ તેમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ મૂકી શકાય તેમ નથી. મતદારોએ અમને વિરોધ પક્ષની પાટલી પર બેસવાનો આદેશ આપ્યો છે અને અમે ત્યાં બેસવા તૈયાર છીએ તેવું જાહેરમાં અનેક વખત કહેનાર શરદ પવાર મહારાષ્ટ્રના રાજકારણ અંગે જેટલી જાણકારી અને સૂઝ સમજ ધરાવે છે તેટલી બીજા કોઈ રાજકીય આગેવાન પાસે, નિરીક્ષક પાસે કે અભ્યાસી પાસે નથી.
મહારાષ્ટ્રમાં સત્તારૂઢ થયેલું ગઠબંધન હવે સત્તાની સિમેન્ટથી સુદૃઢ બન્યું છે અને તેના ધારાસભ્યોની વફાદારી અંગે હવે કશી આશંકા રહી નથી, પણ સત્તા મળ્યાના આટલા દિવસ સુધી સેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને પોતપોતાના સાથીદારો પર પૂરો વિશ્વાસ નહોતો અને તેથી પોતપોતાના ધારાસભ્યોને ‘હોટલવાસી’ બનાવ્યા હતા, પણ ભાજપને પોતાના ધારાસભ્યોને કોઈ ખરીદી શકે તેમ નથી તેવો પાકો ભરોસો હતો અને તેથી ભાજપી ધારાસભ્યોને કશે ગોંધી રાખવાની જરૂર ન પડી.
મહારાષ્ટ્રની ઘટના ભાજપનાં વળતાં પાણી થયાંની નિશાની છે તેવી ચર્ચા શરૂ થઈ છે, કારણ કે બીજી જગ્યાએ પણ ભાજપે પરાજય વેઠવો પડ્યો છે. બંગાળની પેટા ચૂંટણીમાં ત્રણે બેઠકો પરથી તૃણમૂલ કોંગ્રેસે ભાજપને શિકસ્ત આપી છે. કર્ણાટકમાં સત્તર બળવાખોર કોંગ્રેસી અને જનતાદળના ધારાસભ્યો પેટા ચૂંટણીઓ લડી રહ્યા છે. તેનાં પરિણામો અંગે ઘણી અનિશ્ચિતતા સેવાય છે. ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ અંગે કરવામાં આવતી આગાહીઓ ભાજપ માટે અજંપો ઉપજાવે તેવી છે. છેલ્લા વર્ષ દોઢ વર્ષમાં ભાજપે 4 મહત્ત્વનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢમાં સત્તા ગુમાવી છે. કોંગ્રેસમુક્ત ભારતનું નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ઊલટું પડતું દેખાય છે.
આવો અનુભવ કોંગ્રેસી રાજવટ વખતે પણ થયો છે અને ઇન્દિરા ગાંધી તેમજ રાજીવ ગાંધીએ પણ ઘણાં રાજ્યોમાંથી સત્તા ગુમાવી હતી. ભારત રાજ્ય નથી રાજ્યોનો સમવાયી સંઘ છે અને સમવાયી તંત્ર ધરાવતા દેશોમાં કેન્દ્રમાં અને રાજ્યોમાં વિવિધ પક્ષોની સરકાર હોય તેવું બનતું હોય છે. ખરી રીતે તો ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રમાં એક જ પક્ષનું ભાજપનું રાજ્ય હોય તેવી અમિત શાહની ખેવના કરતાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સત્તા ભોગવે તે વધારે યોગ્ય છે. ભારતમાં કેસરિયો રંગ શોભે તેના કરતાં સપ્તરંગી ઇન્દ્રધનુષી સરકારો ભારતના વૈવિધ્ય માટે વધારે હિત કરે છે.
[email protected]
X
article by nagindas sanghvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી