વુમનોલોજી- મેઘા જોશી / સુખી કરે તે સખી...

article by megha jsohi

Divyabhaskar.com

Aug 07, 2019, 04:06 PM IST

વુમનોલોજી- મેઘા જોશી
કોઈ પણ ભાષાના શબ્દકોશમાં સૌથી લાગણીસભર પહેલાં પાંચ શબ્દો શોધીએ, તો એમાં ‘બહેનપણી’ ચોક્કસ આવે. મિત્રતાના ઘણા ઉદાહરણો ઇતિહાસના પાને અંકિત છે. જેમાં ખાસ કરીને કૃષ્ણ-સુદામા હોય કે દુર્યોધન-કર્ણ કે કૃષ્ણ-અર્જુન વચ્ચેની મૈત્રીની કહાનીઓ આપણને કંઠસ્થ છે. બે સ્ત્રી વચ્ચેની મિત્રતા વિશે બહુ ઓછા ઉદાહરણો લોકજીભે ચડ્યાં છે. કોઈ પણ બે સ્ત્રી જયારે એકબીજાને સંવેદે છે, એકબીજાને સમજે છે ત્યારે એ બંને વચ્ચેનો સામાજિક સંબંધ - ચાહે મા-દીકરીનો હોય કે દેરાણી-જેઠાણીનો હોય - એમની વચ્ચે મૈત્રીનો એક નવો સેતુ રચાય છે. બે સ્ત્રીઓ જ્યારે એકબીજાને મિત્ર તરીકે હૃદયથી સ્વીકારે છે, ત્યારે માત્ર એકબીજાં સાથે સુખ-દુ:ખની કે અલક-મલકની વાતો નહીં, પરંતુ એકબીજાંના સન્માનનું રક્ષણ, સમાજના શોષણ સામે એકબીજાને સલામતી પણ આપે છે. મહિલા વચ્ચે મૈત્રીની ઘણી, એમ કહો કે મોટા ભાગની ક્ષણો એવી હોય છે, જે ના ક્યાંય લખાય છે કે ના એની કોઈ ચર્ચા થાય છે, કારણ કે તે સાહજિક હોય છે. બે છોકરી, બે યુવતી, બે સ્ત્રી કે બે વૃદ્ધા વચ્ચેના બેનપણાં એટલે આપસી સમજદારીના જીવતા-જાગતા ઉદાહરણ. મનની ભીતર ધરબાઈને રાખેલી એષણા, કામવાળી સાથેની કચકચથી માંડીને પતિના રેલાતા પરસેવાની વાત, ભૂતકાળની વહાલી લાગતી ભૂલો અને ભવિષ્ય માટેના ગાંડા-ઘેલા બધા જ વિચારો મન મૂકીને કહી શકાય ને કાન દઈને સાંભળી શકાય એ સંબંધનું નામ બહેનપણી.
જે સંબંધ જોડતાં પહેલાં કોઈ જ પ્રકારની પૂર્વ શરતો નથી કે ના તો જોડાઈ ગયા પછીના કોઈ જ નિયમો છે, એનું નામ બેનપણાં. વિશ્વાસ અને સ્વીકૃતિના પાયા પર ઊભેલો મૈત્રીસંબંધ આમ તો ઉંમર, જાતિ, ઊંચ-નીચ, દેખાવ, પૈસો દરેક પ્રકારના તફાવત અને વર્ગીકરણથી પર છે. ઉંમર સાથે, સમય સાથે અને સ્વમેળે કેળવાતી સમજ સાથે એમાં બદલાવ ચોક્કસ આવે છે, પરંતુ સ્નેહનો એક તંતુ યથાવત રહે છે. એકબીજાનો સાથ એકબીજાને સુખી કરે શકે એને સખી કહેવાય. જે બહેનની જેમ જાણે એક જ પિંડમાંથી છૂટી પડી હોય એને બહેનપણી કહેવાય અને જે જીવનભર હાથ પકડીને સહેલ કરી શકે તેને સાહેલી કહેવાય. મિત્ર, દોસ્ત, સખી, સાહેલી કે ફ્રેન્ડ જે નામ આપવું હોય તે આપો, આ દરેક શબ્દનો અર્થ એકમાત્ર એ છે - એકબીજાંનો સંપૂર્ણ સ્વીકાર અને દરેક પરિસ્થતિમાં સાથ. દોસ્તીમાં સાથે કોફી પીવી, સાથે ફરવા જવું કે ફોન પર લાંબી વાતો કરવી એ માત્ર અભિવ્યક્તિના સ્વરૂપ છે. આદર્શ મૈત્રીની કોઈ આદર્શ કે સર્વમાન્ય વ્યાખ્યા નથી. કોઈ માટે સાચું કહેનાર દોસ્ત છે, તો બીજા માટે પોતાનું ખોટું ઢાંકી દરેક જુઠાડામાં સાથ આપે તે દોસ્ત છે. સ્ત્રી માટે દોસ્તી માનસિક સ્વાસ્થ્યનું સરનામું છે. નાનપણમાં ઘર-ઘર રમતી, કિશોરાવસ્થામાં સાથે ભણતી, યુવાનીમાં ગમતા છોકરા સાથે છુપી મુલાકાતની વાતો, માસિકથી માંડીને મેનોપોઝની વાતો, સાથે શોપિંગ કરવાથી માંડીને એકબીજાના સંતાનને સાચવી લેતી, પૂરેપૂરા સો ટકા સાથ આપતી છતાં ક્યારેય સાથે હોવાનો ભાર ન આપતી બહેનપણીઓ દરેક સ્ત્રીની જીવનદોરી છે. સખી એટલે જીવન સાથે જોડાયેલ એક એવો તંતુ જે બંધન નહીં, મુક્તિ આપે છે.
દોસ્તી કદાચ જીવનના કોઈ એક તબક્કે અચાનક મળે છે, પણ તેનો ઉછેર અને વિકાસ બંનેએ સાથે મળીને કરવો પડે. પરિસ્થિતિ અને સમય મુજબ પસંદગી બદલાય, પ્રાધાન્ય આપવા માટેની ઘટના કે વ્યક્તિ બદલાય, આર્થિક અને સામાજિક સ્ટેટ્સ બદલાય, વાતોના વિષય પણ બદલાય, આ દરેક બદલાવ સાથે મિત્રતામાં ઓટ ન આવે, ગેરસમજ ન ઊભી થાય અને ભૌતિક અંતર બે મન વચ્ચેના અંતરમાં તબદીલ ન થાય તેની જવાબદારી બંને મિત્રોની- સખીઓની છે.

X
article by megha jsohi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી