Back કથા સરિતા
મેઘા જોશી

મેઘા જોશી

સ્ત્રી-સાંપ્રત (પ્રકરણ - 36)
લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

મિશન પોસિબલ : સલામ નારીશક્તિ

  • પ્રકાશન તારીખ30 Jul 2019
  •  

વુમનોલોજી - મેઘા જોશી
બાવીસ જુલાઈએ ચંદ્ર તરફ ગતિ કરતાં ચંદ્રયાન-2નું સફળ પ્રક્ષેપણ થયું. અંતરિક્ષની અકળ ગતિનો ભય કે પૂજન વચ્ચેનો મધ્યસ્થ માર્ગ જ્ઞાન-વિજ્ઞાનનો છે. અંદાજે 48 દિવસની મુસાફરી કરી ચંદ્રમાના દક્ષિણ ધ્રુવની માહિતી આપી વિશ્વના જ્ઞાનને સમૃદ્ધ કરશે.
ચંદ્રયાન-2 ઈતિહાસ સર્જશે એનું શ્રેય એક આખી ટીમને જાય છે. બે મહિલાનું નેતૃત્વ અને ત્રીસ ટકા મહિલા સભ્યો ચંદ્રયાન-2 સાથે જોડાયેલ છે. ઈસરોના ઇલેક્ટ્રોનિક્સ સીસ્ટમ એન્જિનિયર મુથૈયા વનિથા પહેલાં મહિલા પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયાં હતાં. સમગ્ર મિશનનું નેતૃત્વ એક પડકાર હતો, ભાર પણ હતો. ભારતના રીમોટ ઉપગ્રહ અંગેના ડેટાની અત્યંત મહત્વની જવાબદારીથી કામ શરૂ થયું હતું. વનિથાએ શરૂઆતમાં જવાબદારી લેવામાં અનિચ્છા પણ દર્શાવી હતી, પરંતુ ચંદ્રયાન-1ના પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ અન્નાદુરાઈને વનિથાની વહીવટીય ક્ષમતા અને ખાસ કરીને સમસ્યા હલ કરવાની આવડત પર પૂરો ભરોસો હતો. ચંદ્રયાન-2ના બીજા મહિલા લીડર ડેપ્યુટી ડાયરેક્ટર ઓપરેશન રિતુ કરીધલે બેંગ્લોરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અનુસ્નાતકની પદવી લીધી છે. ભારતની રોકેટ વુમન તરીકે ઓળખાતાં રિતુને ઈસરો ટીમ એવોર્ડ અને એરોસ્પેસમાં સિદ્ધિ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યાં છે. બે દાયકાનો અનુભવ ધરાવતી આ બંને મહિલાઓએ ચંદ્રના સ્પર્શ, વૈજ્ઞાનિક યાત્રા, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની શોધમાં સમય અને ક્ષમતા આપ્યાં છે.
વિશ્વમાં પહેલી વાર અમેરિકાએ ચાંદ પર પગ મૂક્યો ત્યારે એને પણ ચાંદ સુધી પહોંચાડવામાં નારીશક્તિનું યોગદાન હતું. પૂરા પચાસ વર્ષ પહેલાં એપોલોમાં સવાર બાર અવકાશયાત્રીઓ પુરુષો હતા, પરંતુ એને શક્ય બનાવનાર ટીમમાં એવી મહિલાઓ હતી જેના વિશે ભાગ્યે જ આપણે જાણીએ છીએ. ચાંદ પર પ્રથમ ઉતરાણ કરનાર ટીમની મહિલાઓએ પૃથ્વી પર પોતાની નવી કેડી કંડારી. પોપી નોર્થકટ, જોઆન મોર્ગન અને માર્ગારેટ હમિલટન નાસાના એપોલો-2માં અગત્યના ટીમ મેમ્બર હતાં, જે આજે પણ ચંદ્રયાત્રાની સફળતા પાછળના અજાણ્યા ચહેરા છે. એમની ધમનીઓમાં રક્તને બદલે જાણે રોકેટ ફ્યુઅલ પરિભ્રમણ કરતું હોય તે રીતે તેઓ એપોલો સાથે જોડાયેલ હતા. કોઈ પણ પ્રકારની તત્કાલીન સમસ્યા આવે તો તેની જાણ કરવાનું મહત્વનું કામ હેમિલટનના ફાળે હતું. અવકાશયાત્રીને પરત લાવવાનું કામ મોર્ગનના શિરે હતું. ફાયરિંગ રૂમની એકમાત્ર મહિલા મોર્ગને કહ્યું કે સમગ્ર વિશ્વ જયારે ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાનની સફળતા ઊજવતા હતાં, ત્યારે અમે અજાણ્યા ફોન કોલ, કેમેરાની કરામત અને લૈંગિક અસમાનતાને લગતા અંગત જીવનના પડકારો ઝીલતાં હતાં. અમેરિકાના નાસાની જોઆન મોર્ગન હોય કે ભારતના ઈસરોના વનિથા હોય, એમણે ક્યારેય સ્ત્રી હોવાની અસમર્થતા કે સ્ત્રી એટલે શક્તિના ભંડાર જેવા કોઈ પણ ઉચ્ચાર કર્યા વગર જવાબદારી નિભાવી છે. ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે સંશોધનકાર્યમાં વધુ મહિલાઓ જોડાય અને પોતાની ક્ષમતા દ્વારા યોગદાન આપે એ અપેક્ષિત છે. ચાંદસા મુખડા સાંભળીને હરખાતી યુવતીઓ ચાંદ ભણી નજર કરી રોમાંચિત થાય છે, ત્યારે જૂજ સ્ત્રીઓ એવી છે જે ઘર, પરિવાર, સમાજ, દેશની સીમાથી પરે વિશ્વકક્ષાએ ચંદ્રની તસવીર અને તાસીર આપી શકે. ચંદ્રયાન-2 સાથે જોડાયેલ દરેકને સલામ!

x
રદ કરો

કલમ

TOP