વુમનોલોજી - મેઘા જોશી / ત્રણસો સ્ત્રીઓનો સમુદ્ર પ્રવાસ : વિશ્વ પર્યાવરણમાં એક પ્રદાન

article by megha joshi

Divyabhaskar.com

Jul 23, 2019, 05:24 PM IST

વુમનોલોજી - મેઘા જોશી
તમને ખબર છે? આ વર્ષમાં ફરી એક વાર સ્ત્રીઓ ઇતિહાસનું એક પાનું લખશે. સ્ત્રીઓની બુદ્ધિ અને શક્તિ પર થતી મજાકને એક લપડાક લાગશે. સ્ત્રીઓને હીરા-મોતીના દાગીના કે પાપડની પંચાતની વ્યાખ્યામાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. તો વાત એમ છે કે, વર્ષ 2019ના ઓક્ટોબર મહિનામાં એકસામટી ત્રણસો મહિલાઓ દરિયાઈ સફર શરૂ કરશે. વિવિધ ક્ષેત્રની મહિલા તજજ્ઞો દરિયાની સફરે જશે, દરિયાની વિશાળ જળરાશિને પ્રદૂષિત કરતા પ્લાસ્ટિક વિશે માહિતી ભેગી કરશે. ‘એક્સપિડિશન’ નામની સંસ્થા દ્વારા સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ સાથે આ મુસાફરી શરૂ થશે, જેમાં આડત્રીસ હજાર નોટિકલ માઈલનો વિસ્તાર આવરી લેવામાં આવશે અને કુલ ત્રીસ પડાવ રહેશે. પર્યાવરણ સુરક્ષા અને તેની ગુણવત્તા વધારવા માટે અને ખાસ કરીને પ્લાસ્ટિકથી થતી હાનિ વિશે વૈજ્ઞાનિક માહિતીની જાણકારી મેળવશે.
વિશ્વ કક્ષાએ શરૂ કરેલી આ સંશોધનાત્મક યાત્રામાં વૈજ્ઞાનિક, શિક્ષકો, ફિલ્મનિર્માત્રીઓ, ફોટોગ્રાફર, રમતવીરો અને પ્રોડક્ટ ડિઝાઈનર જેવાં અલગ અલગ મહિલા વ્યવસાયિકો શામેલ થશે. આ મહિલા જૂથમાં ઉંમર, દેશ, સંસ્કૃતિ અને તેમની ક્ષમતામાં પણ વૈવિધ્ય જોવા મળશે. પ્લાસ્ટિકના ઉપયોગથી વિશ્વકક્ષાએ પર્યાવરણમાં જે પડકારો આવશે, જે સમસ્યા વધશે તે અંગે સંશોધન અને નિરાકરણ અંગેનો આ એક પ્રયત્ન છે. આ પહેલાં પણ મહિલા પ્રવાસીઓ માટે બ્રિટનની આસપાસ આવી વિશેષ સંશોધનયાત્રાનું આયોજન થયું હતું. વૈશ્વિક ઇકોનોમિક ફોરમના રીપોર્ટ અનુસાર, લગભગ નેવું ટકા પ્લાસ્ટિક પ્રદૂષક સમુદ્રને દૂષિત કરે છે, તે વિશ્વની દસ નદીઓમાંથી આવે છે. જેમાં મોટાભાગની નદી એશિયા અને આફિકાની છે. જે ગંગાની આપણે પૂજા કરીએ છીએ, જે ગંગાજળને આપણે પવિત્ર ગણીએ છીએ, તે જ ગંગાજળ એશિયાની પ્રદૂષિત નદીઓમાં પહેલાં આઠમા સ્થાન ધરાવે છે. આ એવો સમય છે, જેમાં ગંગાના મહાત્મ્યની કથા કરવાને બદલે ભારતની આ મહાનદીને સ્વચ્છ રાખવાના નક્કર પગલાં લઈએ. ભારતીય સ્ત્રી તરીકે હવે નદીની નવી પૂજા શીખવાની જરૂર છે.
એક તરફ આખું વિશ્વ નપાણિયા થવા તરફ છે, ત્યારે પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃત લોકો સંગઠિત થાય તે જરૂરી છે. જે ઝડપે ટેકનોલોજી વધે છે અને બદલાય છે એટલી જ ઝડપે વિકાસની આડઅસરને વધતી અટકાવવી પડશે. કેમિકલની શોધ ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ હોય, તો એ સાથે પ્રકૃતિ માટે અભિશાપ ન સાબિત થાય તે માટે કામ કરવું પડશે. ઓક્ટોબર મહિનામાં શરૂ થનારી આ વિજ્ઞાનયાત્રા વિશ્વને એક ઉદાહરણ પૂરું પાડશે. આપણે સ્ત્રી સશક્તિકરણ માટે કોલેજ કક્ષાએ નિબંધલેખન અને વકતૃત્ત્વ સ્પર્ધા રાખીએ છીએ. ઝાંસીની રાણી અને ઇન્દિરા ગાંધીના ઉદાહરણો આપી તાળી ઉઘરાવીએ છીએ ને આપણી જ સમકાલીન મહિલાઓ ત્રણ વર્ષ માટે સંશોધન અર્થે સમુદ્ર ખેડવા જશે, માર્ગદર્શિકા તૈયાર કરશે અને જગતને અનુભવ સાથેનો સચોટ અહેવાલ આપશે. ઉંબરો ઓળંગવાને મોટી ઘટના માનતા આ સમાજે સમુદ્ર ઓળંગીને સંશોધન કરતી સ્ત્રી પાસેથી શીખ લેવા જેવી છે.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી