Back કથા સરિતા
મેઘા જોશી

મેઘા જોશી

સ્ત્રી-સાંપ્રત (પ્રકરણ - 36)
લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

બજેટની સ્ત્રી અને સ્ત્રીનું બજેટ

  • પ્રકાશન તારીખ16 Jul 2019
  •  

વુમનોલોજી - મેઘા જોશી
એક
સ્ત્રી અન્ય સ્ત્રીને અને તેની જરૂરિયાતને વધુ સારી રીતે સમજી શકે. એક સક્ષમ સ્ત્રી જ્યારે સંજોગોવશાત્ આગળ ન વધી શકી હોય તેવી અથવા શોષણનો ભોગ બનેલ દરેક સ્ત્રીને મદદ કરવાનું નક્કી કરે ત્યારે સમાજમાં ખરા અર્થમાં પરિવર્તન જોવા મળે છે. ભારતમાં કેન્દ્ર સરકારમાં અર્થતંત્રનું સુકાન સંભાળતાં પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ જાહેર કર્યું. બજેટના લેખાંજોખાં અને તેની ચર્ચાઓ પણ પહેલાં થતી તે જ રીતે શરૂ પણ થઇ અને પૂરી પણ થઇ. મહિલા સશક્તિકરણની દિશામાં ગતિ કરતા માર્ગને આકાર આપતા વર્ષ 2019ના બજેટમાં ભારતની ઈકોનોમીમાં મહિલાઓનું યોગદાન વધે તેવા પ્રયત્નો છે. ભારતના અર્થતંત્રની બાગદોર હાથમાં લેતાં મહિલાએ મહિલાની આર્થિક સ્વનિર્ભરતા વધે અને દેશના આર્થિક વિકાસમાં વધુ મહત્વનો ભાગ ભજવે, તેવી આશા વ્યક્ત કરી. આ બજેટ અનુસાર અધિકાંશ મહિલાઓ સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતા (આંત્રપ્રીન્યોરશિપ) માટે પ્રેરાય તેવી વિવિધ સ્કીમની ઘોષણા કરવામાં આવી. મુદ્રા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને સેલ્ફ હેલ્પ ગ્રૂપ જેવી સ્કીમનો લાભ લઇ માત્ર શહેરી જ નહીં, ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ પોતાના વિસ્તારમાં રોજગાર જાતે જ મેળવે અને અન્ય મહિલાઓને પણ તેમાં જોડે તેવો એક પ્રયાસ છે. જનધન યોજના ઉપરાંત, જૂથની દરેક મહિલાને મુદ્રા સ્કીમ હેઠળ એક લાખની લોન મળવાપાત્ર રહેશે. મુદ્રાના સિત્તેર ટકા લાભાર્થી માત્ર મહિલા જ રહેશે. ‘વિશ્વમાં જ્યાં સુધી સ્ત્રીની પરિસ્થિતિ સુધરશે નહીં, ત્યાં સુધી અન્ય કોઈ પણ વિકાસનો અર્થ નથી.’ સ્વામી વિવેકાનંદના વિચારોને રજૂ કરતાં નિર્મલાજીએ કહ્યું કે, કોઈ પણ પક્ષી માટે એક પાંખથી ઊડવું શક્ય નથી. ભારતની પ્રગતિમાં મહિલાની સહભાગિતા વધે તે ઇચ્છનીય છે અને તે દિશામાં પ્રયત્નો પણ કરીશું. ગ્રામ્યવિસ્તારમાં અર્થતંત્રના આયોજનમાં મહિલા મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી જ સરકાર વધુ ને વધુ મહિલા જૂથને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નશીલ રહેશે.’
નિર્મલાજીએ ‘નારી તું નારાયણી’નું સૂત્ર યાદ કરીને મહિલાની આર્થિક સ્વાયત્તતા અને સદ્ધરતા અંગે માહિતી આપી. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં મહિલા ઉદ્યોગ સાહસિકોની સંખ્યા વધી છે. સ્વસહાય જૂથ, સખી મંડળ, બચત મંડળ ચલાવતી કે ખેતી કરતી ગામડાની સ્ત્રીને હવે ઊતરતી કે નબળી ગણવાની ભૂલ ન કરતાં. ઘરના વાડામાં બાંધેલી બે ગાવલડીના દૂધને ડેરીમાં ભરવાથી શરૂ કરેલ વ્યવસાય મોટા તબેલામાં અને દૂધના વ્યાપારમાં તબદીલ કરતી બિઝનેસવુમન જોવી હોય, તો એની ભાષા કે પહેરવેશથી એને ન મૂલવતાં. સ્ત્રીની કમાણી માત્ર કુટુંબની આર્થિક જરૂરિયાત નહીં, તેની ઓળખ ઉપરાંત તેની હિંમત વધારવાનું પણ કામ કરે છે. મોટા ભાગના શોષણ પાછળ સ્ત્રીની આર્થિક મજબૂરી કારણભૂત હોય છે. રૂઢિચુસ્ત સમાજમાં આજે પણ સ્ત્રીને નોકરી કે વ્યવસાયની છૂટ નથી આપવામાં આવતી, કારણ કે આર્થિક સ્વાયત્ત મહિલાને ‘દાબ’માં રાખવી અઘરી પડે છે. બજેટમાં સ્ત્રી માટે વિશેષ જોગવાઈ થાય કે અન્ય કોઈ સહાયની જાહેરાત થાય, એનો મહત્તમ લાભ છેવાડાની સ્ત્રી સુધી પહોંચે તે જરૂરી છે. એક શિક્ષિત મહિલાની આ જ ફરજ છે. પોતાને મળેલ માહિતી, તે માટેના જરૂરી દસ્તાવેજ અને કાર્યવાહી અંગે લાભાર્થીને સમજાવે અને મદદ કરે.

x
રદ કરો

કલમ

TOP