વુમનોલોજી / ફલાઇટ લેફ્ટેનન્ટ ભાવના કન્થ : રાષ્ટ્રની ‘ભાવના’

article by megha joshi

ભાવના કન્થ જ્યારે સ્કૂલમાં ભણતી હશે, ત્યારે એને ખબર હશે કે ભારતના ઇતિહાસમાં એનું નામ એક રેકોર્ડ સાથે ઉમેરાશે?

મેઘા જોશી

Jun 04, 2019, 11:52 AM IST

ભાવના કન્થ ભારતની પહેલી મહિલા ફાઈટર પાઈલટ બની. ભારતીય વાયુદળના ફ્લાઈટ લેફ્ટેનન્ટ ભાવના કન્થને લગભગ બે વર્ષ પહેલાં તત્કાલીન સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરએ અન્ય બે જાંબાઝ એરફોર્સ ઓફિસર અવની ચતુર્વેદી અને મોહના સિંઘ સાથે લડાયક વિમાન માટેની સઘન ત્રીજા સ્ટેજની તાલીમ માટે પરવાનગી અને શુભેચ્છા પાઠવી હતી. આ વરણી પહેલાં હકીમપેટ હૈદરાબાદ ખાતે છ મહિનાની સઘન તાલીમ એમને આપવામાં આવી. માર્ચ મહિનામાં આઈએએફ દ્વારા આ તાલિમાર્થી પાઈલટને ચાર વર્ષ સુધી માતૃત્ત્વ ધારણ ન કરવાની સલાહ આપવામાં આવી. આ તાલીમ દરમિયાન મહિલા અને પુરુષ વચ્ચે કોઈ ભેદ શક્ય ન હોય. પુરુષ પાઈલટને આપવામાં આવતી તમામ તાલીમ, તમામ પડકાર અને તમામ અપેક્ષાઓ મહિલા પાસે પણ હોય. મિગ-21 જેવા એરક્રાફ્ટ સાથે દુશ્મન દેશ પર હુમલો કરનારા કે રાષ્ટ્રને સલામતી આપનારા વાયુદળની એક અતિ મહત્ત્વનું સ્થાન પાઈલટનું છે. જેમાં કોઈ પણ પ્રકારની ભૂલ કે નબળાઈને સ્થાન નથી. સુખોઇ ઉડાવી શકે અને દુશ્મનના બદઈરાદાનો છેદ ઉડાવી શકે એવી છોકરી ભાવના આ ઊંચાઈ પર કઈ રીતે પહોંચી હશે? એની જમીન કેવી હશે? એની ઈચ્છાની પાંખો કેવી હશે?
‘પ્રથમ સ્ટેજની તાલીમ લીધા પછી મને આગામી તાલીમ માટે પસંદ કરી અને મને તક મળી એ મારા જીવનની સૌથી મહત્ત્વની અને મોટી વાત છે. નાનપણથી જ મને ફાઈટર પ્લેનના પાઈલટ બનવાનું સપનું પણ હતું અને એ જ દિશામાં આગળ વધવાનો મારો નિર્ધાર હતો. ફાઈટર પાઈલટ બનીને દેશ માટે યુદ્ધ કરવું અને મારા માતા-પિતાને ગૌરવ પ્રાપ્ત થાય એ જ મારી ખ્વાહિશ રહી છે.’ પ્રથમ તાલીમ બાદ મીડિયા સાથેના વાર્તાલાપમાં ભાવનાએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. ભાવના કન્થ - ભારતની પ્રથમ ફાઈટર પ્લેન પાઈલટ અને તેની સાથે ટૂંક સમયમાં અવની ચતુર્વેદી અને મોહના સિંઘ જોડાશે. આ સમાચાર અને એમની તસ્વીરો માત્ર ફોરવર્ડ કરી, કોલર ઊંચા કરવા માટેનાં નથી. સપના જોવાં અને સપના પૂરાં કરવા વચ્ચેની મહેનત અને વાસ્તવિકતા સમજવા જેવી છે. આપણે દીકરીઓને અન્ય સફળ છોકરીનાં ઉદાહરણો જોરશોરથી આપીએ છીએ, પણ જ્યારે પરિવારની છોકરી પોતાની ઈચ્છાના આકાશમાં ઊડવાનું કહે, ત્યારે પવન પૂરો પાડવાને બદલે પાંખો કાપવાના પ્રયત્નો થાય છે. સંધ્યા સમય અને રાત્રિના અંધકારનો ડર વાવતી ભીરુ માનસિકતાને ફાઈટર પાઈલટ ભાવનાની ‘મૂન ફ્લાઈટ’ અને ‘ડાર્ક ફ્લાઈટ’ તાલીમની વાત ગળે ઊતરશે? દીકરીની સલામતી માટે ચિંતિત સમાજે દીકરી રાષ્ટ્રની અને ખુદની સલામતી માટે શું કરી શકે તે વિચારવું જ રહ્યું.
ભાવના કન્થ નામની આ છોકરી જ્યારે સ્કૂલમાં ભણતી હશે, ત્યારે એને ખબર હશે કે ભારતના ઇતિહાસમાં એનું નામ એક રેકોર્ડ સાથે ઉમેરાશે? કદાચ નાનપણમાં એ પરીની પાંખ પર બેસીને ઊડી હશે, સહેજ મોટી થઈને કલ્પનામાં કે ક્યારેક ખ્વાબ સાથે એણે ઉડાન ભરી હશે. બીજી લાખો યુવતીના સપનામાં તફાવત માત્ર સપનાંને વફાદાર રહેવાનો છે, આથી જ એ દૂરથી વિમાન જોઈને ખુશ ન થઇ, બલકે મિગ-21 પર સવાર થઇ શકી.

X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી