Back કથા સરિતા
મેઘા જોશી

મેઘા જોશી

સ્ત્રી-સાંપ્રત (પ્રકરણ - 36)
લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

કાયદાનું જ્ઞાન એટલે મહિલા સશક્તિકરણનું એક નક્કર સ્વરૂપ

  • પ્રકાશન તારીખ29 May 2019
  •  

‘મારે મારા જ ગામની છોકરી સાથે મૈત્રીથી વિશેષ સંબંધ છે.’ ભારતીય ખેલાડી દુતી ચંદના એક વિધાને સૌને દંગ કરી દીધા છે. ત્રેવીસ વર્ષની યુવતીએ ડંકાની ચોટ પર પોતાના સમલૈંગિક સંબંધ વિશે જાહેરાત કરી. ઓરિસ્સાના ગોપાલપુરમાં જન્મેલી દુતી છેલ્લા બે વર્ષથી પોતાના જ ગામની એક છોકરી સાથે રહે છે. એણે છોકરીનું નામ જાહેર નથી કર્યું, પણ પોતાની પાર્ટનર સાથેના સાયુજ્ય અને સમજણ અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. ચંદએ જણાવ્યું કે, ‘મારી અંગત જિંદગી અને નિર્ણય અને મારા રમત કૌશલ્યને કોઈ લેવા-દેવા નથી. આથી અમારા અંગત જીવનની ચર્ચા કરીને કોઈએ દખલઅંદાજી ન કરવી જોઈએ.’ સમલૈંગિક સંબંધ કેટલો ગેરકાનૂની કે ગેરવ્યાજબી છે, એની ખૂબ ચર્ચા થઇ ગઈ. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે, સુપ્રીમ કોર્ટની 377 કલમનાં અનુસંધાનના નિર્ણયને કારણે દુતી ચંદ અને તેનાં જેવા ઘણાં હાંસિયામાં રહેલા સંબંધો હવે છડેચોક બહાર આવી રહ્યા છે. એશિયાડમાં મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરનારી દુતી ચંદના આત્મવિશ્વાસ સાથે સુપ્રીમ કોર્ટની બાંહેધરી જોડાયેલી છે. કાયદા-કાનૂન આ દેશની સ્ત્રીને મુક્તિ અને સલામતીનો અહેસાસ કરાવી શકે એ જરૂરી છે. સ્ત્રી પોતાના નિર્ણય પર અડીખમ રહે અથવા શોષણનો સામનો હિંમતપૂર્વક કરે એ માટે સૌથી જરૂરી છે તટસ્થ ન્યાયતંત્ર.
કાયદો અને સજાથી કોઈ પણ સ્ત્રીને દૂર રહેવું જ ગમે. કાયદો એ સ્ત્રી માટે મ્યાનમાં રાખેલી તલવાર જેવો છે. જે સાથે હોય તો સલામતીનો અનુભવ પણ કરાવે અને જરૂર પડે તો શક્તિશાળી શસ્ત્ર બની સલામતી પણ આપે. કાયદો એક એવો નક્કર વાયદો છે, જે મહિલાને સ્વતંત્ર વિચારધારા અને સ્વતંત્ર જીવન માટેનું બળ પૂરું પાડે છે. શોષણનો વિરોધી શબ્દ પાવર છે. સામાન્ય રીતે કોઈને ન્યાયાલયના દ્વારે જવું ગમે નહીં. અન્યાય અને શોષણને પડકારવા અથવા પોતાનો અધિકાર માંગવા કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે. ચાહે એ અણગમતા પાત્ર સાથે છૂટાછેડા હોય કે સંપત્તિનો મુદ્દો હોય, અંતિમ પડાવ ન્યાયતંત્ર છે. આથી પ્રત્યેક રાષ્ટ્રમાં ન્યાયતંત્ર સ્વતંત્ર અને તટસ્થ હોવું આવશ્યક છે. મહિલા સશક્તિકરણના કાર્યક્રમની ઘોષણા કરતાં આ દેશમાં હજી એવા ઘણા રાજ્ય કક્ષા તેમ જ અમુક ધર્મ-સંપ્રદાયના કાયદા છે, જેમાં બદલાવની જરૂર છે. વારસાઈ હક અંગેનો હિંદુ કાયદો કહે છે, સ્ત્રીના મૃત્યુ બાદ તેની વસીયતના કાયદા પુરુષ કરતા અલગ છે.પતિ અને સંતાનની ગેરહાજરીમાં સ્ત્રીની સંપત્તિનો અધિકાર તેના સાસરી પક્ષને જ મળે. પારસીના મિલકત સંબંધિત કાયદા અનુસાર પારસી મહિલા પારસી સમાજની બહાર લગ્ન કરે, તો તેને સંપત્તિમાંથી બેદખલ કરી દેવામાં આવે. ચાઈલ્ડ મેરેજ એક્ટ પણ વધુ સુધારા સાથે અમલમાં મૂકવાની તાતી જરૂરિયાત છે. અંગ્રેજ શાસનકાળમાં રાજકારણ અને જે તે ભૌગોલિક સ્થળ અને ધર્મને ધ્યાનમાં રાખીને બનેલા કાયદા હવે બદલાવ માંગે છે. એક તરફ આ દેશની આધુનિક સ્ત્રી કાયદાનો સહારો લઈને સમલૈંગિક સંબંધની માન્યતા અંગે જાહેર કરે છે અને બીજી તરફ મૂળભૂત અધિકાર મેળવવા પણ મહિલાને લડત આપવી પડે છે. કાયદા અંગેનું મૂળભૂત જ્ઞાન એ આ સમયની માંગ છે. કોઈ પણ માનવ વસાહતને તેના ન્યાયતંત્ર પર વિશ્વાસ હશે, તો જ ગુના અટકશે અને માનવતા જીવશે.

x
રદ કરો

કલમ

TOP