વુમનોલોજી- મેઘા જોશી / કાલે કેલેન્ડર સાથે તમે બદલાશો?

article by megha joshi

Divyabhaskar.com

Dec 31, 2019, 12:08 PM IST
વુમનોલોજી- મેઘા જોશી
આજે આ વર્ષનો છેલ્લો દિવસ છે. કાલથી તારીખ સાથે એક નવું વર્ષ ઉમેરાશે. એ વખતે ઓગણીસ અને વીસ જેવો કોઈ એક ફેરફાર બાહ્ય કે આંતરિક જીવનમાં આવી શકશે? કે પછી સદીઓથી અંકાયેલી અને સ્થપાયેલી રીત-રસમ-રિવાજ, શરમ-લઘુતા અને પરાવલંબનને આગળ વધારી, ફરી સમયનું એક ચક્ર ચાલુ થશે. સમાજે, રૂઢિએ કે પરિવારે આપેલ માળખાં તો ઠીક છે, પણ જાતે જ બાંધેલા ચોકઠામાં તસુભાર ફેરફાર કરવા અંગે વિચાર આવે છે? જે પહેલાં કર્યું, તે હવે નથી કરવું એવું મન થાય છે? જે પહેલાં વિચાર્યું તે હવે જૂનું લાગે છે? અમુક સંબંધો જે અકારણ ખેંચાય છે એનાથી દૂર ભાગવાનું મન થાય છે? જાતને અને જીવનને કંઇક નવા સમાચાર આપવાનું મન થાય છે? કોઈ પણ પ્રકારના પરિવર્તન માટે પહેલ ન થતી હોય અને રોજ સાંજ પડ્યે કે પછી આવા વર્ષાન્તે વસવસાનું લિસ્ટ વધતું હોય તો લો, આજે કરી લો એક છેલ્લો હિસાબ. બચપણની પરીની વાર્તામાં કરેલી કલ્પના, યુવાનીમાં અર્ધજાગૃત આંખે જોયેલાં સપનાં કે ઉંમરના કોઈ પણ પડાવે કાયમ ન થતું હોય એવું કંઇક કરવાની ઈચ્છા હંમેશાં મનના ધરાતલમાં અડીંગો જમાવીને બેઠી હોય છે. આજે, હા આજે જ, બસ, થોડો સમય જાતને આપવાનો છે. કોઈ પણ પ્રકારની લાગણીને વશ થયા વગર સંપૂર્ણ સ્વસ્થ ચિત્તે શેમાં અને કેવા પરિવર્તનની જરૂર છે તે વિચારો.
પરિવર્તન હંમેશાં પેકેજમાં આવે છે. આથી કોઈ પણ પ્રકારના પરિવર્તન માટે માનસિક રીતે તૈયાર રહો. આમ તો દરેક વ્યક્તિની મૂંઝવણ પ્રાયોરિટીના અભાવે વધતી હોય છે. સમય અને પરિસ્થિતિ પર સીધો કાબુ લાવવો અઘરો હોય ત્યારે પહેલી જરૂર જીવનમાં અગ્રતાક્રમ નક્કી કરવાની હોય છે. અગ્રતાક્રમ નક્કી કરવા માટે મૂળભૂત સ્વાર્થ સચવાય તે જરૂરી છે, સ્વાર્થને કાયમ નકારાત્મક ગણીને વખોડવાની જરૂર નથી. સ્વ સાથે જોડાયેલ દરેક વાતને સમજવી અને તે પ્રમાણે જીવનમાં આગળ વધવું એ ડહાપણ છે, સ્વાર્થ નહીં. પ્રાયોરિટી નક્કી કરવામાં સંપૂર્ણપણે પોતાના જ જીવન પર ફોકસ રાખવું પડે. દરેક વ્યક્તિની વાસ્તવિકતા અને ઈતિહાસ અલગ જ રહેવાનો, આથી જ આપણે આપણી જ જૂની વાતો, જૂની નાકામિયાબી કે જૂની નિરાશામાંથી ધડો લઈએ તે બહેતર છે. ‘જીવન જીવવાના દસ ઉપાય’ વાંચીને કંઈ જ બદલાતું નથી, આ લેખ વાંચીને પણ કઈ જ ફરક ન પડી શકે, પણ હા, જો એક વિચાર સાથે મક્કમ ડગલું ભરાય તો કોઈ એક પરિવર્તન સામે આવીને ઊભું રહેશે.
આપણે સલામત વર્તુળમાં રહેવા ટેવાયેલા છીએ, એટલે જ બદલાવને અવકાશ ઓછો મળે છે. આપણને નિષ્ફળતાનું હંમેશાં બિહામણું ચિત્ર મળ્યું છે, આથી કલ્પિત નિષ્ફળતાથી પણ થરથરી જઈએ છીએ. માની લો કે તમે વિચારેલ બદલાવ કદાચ તમને બે ડગલાં પાછળ ધકેલશે, માની લો કે તમારી આસપાસના લોકોને સ્વીકૃત ન હોવાને કારણે તમારી ‘ઈમેજ’માં ગાબડા પડશે. તો શું? દરેક પ્રતિક્રિયા અને દરેક પરિણામ માટે તૈયાર રહો. માની લો કે એ બદલાવ ન ધારેલી સફળતા અને સન્માન આપશે તો? માઈન્ડ વેલ, એની તક વધારે છે, કારણ કે કોઈ પણ સ્ત્રી જયારે બદલાવની ઝંખના કરે ત્યારે એમાં પોતાનું અને તેના પરિવારનું હિત જ હોય. બસ, જરૂર છે એક એવી આવતી કાલની જેમાં કોઈ એક બે કે તેથી વધુ આકાર તમે પોતે આપ્યા હોય. આવતા વર્ષની એક ડિઝાઈન આજે દોરશો ને?
X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી