વુમનોલોજી- મેઘા જોશી / જાત સાથે વાત : ‘હું મારા જીવનની લીડર છું’

article by megha joshi

Divyabhaskar.com

Dec 25, 2019, 07:34 PM IST
વુમનોલોજી- મેઘા જોશી
‘આજે આપણે યુવાન દીકરીઓને શીખવવા જેવી સૌથી મહત્ત્વની વાત છે, નેતૃત્વ. ઘણા સમયથી મહિલાઓમાં તે ખૂટે છે. એટલા માટે નહીં કે આપણને નેતૃત્વ નથી જોઈતું, પણ સમાજે સ્ત્રીને આપેલ અપેક્ષાને કારણે આપણે સ્વીકારતાં નથી. આપણે વિશ્વના સૌથી પાવરફુલ જીવ છીએ, આપણને બધી જ તક મળવી જોઈએ. આ જ આપણે બાળપણથી જ છોકરીઓને શીખવવું જોઈએ. નેતૃત્વ લઈને સમાજમાં પોતાનું સ્થાન લઈને જીવવા જેવું મહત્ત્વનું બીજું કંઈ નથી.’ ‘મિસ યુનિવર્સ’ની સ્પર્ધામાં ઝીઝોબીની તુન્ઝીએ સ્ત્રીના નેતૃત્વ અંગે સ્પષ્ટ ભાષામાં અને આત્મવિશ્વાસભર્યા અવાજે કહ્યું. વિશ્વસુંદરીની સ્પર્ધામાં શરીરના દરેક અંગના આકાર, વજન અને બાહ્ય દેખાવ માટેની સો ટકા સજાગતા અને તે અંગેની તાલીમ સાથે વિચારોમાં નક્કર સ્ટેન્ડ હોવું તે બહુ મહત્ત્વનું છે. આફ્રિકાની ઝીઝોબીની આજની આધુનિક યુવતીનું પ્રતિનિધિત્વ કરે છે. આજે સરેરાશ આધુનિક યુવતી પાસે વૈચારિક સ્પષ્ટતા છે. સામાજિક પરિવર્તન સાથે દીકરીના ઉછેર, ઘડતર અને શિક્ષણમાં પણ આમૂલ પરિવર્તન આવી રહ્યાં છે. જાતીય શોષણ, અન્યાય અને અન્ય સામાજિક દૂષણોની જેટલી નોંધ લેવાય છે, એટલી જ સ્ત્રીઓના કામ અને વિચારોની નોંધ લેવી જરૂરી છે. આપણી પાસે રાજસ્થાનનાં ભંવરીદેવીથી માંડીને ઈન્ફોસીસ ફાઉન્ડેશનનાં સુધા મૂર્તિ જેવા કર્મશીલ અને નિષ્ઠાવાન મહિલાનાં ઉદાહરણો છે. મહિલા નેતૃત્વ એટલે માત્ર લીડરશિપ નહીં, પરંતુ જે સ્ત્રી વર્ષોથી સ્થાપિત માનસિક ભય અને મૂંઝવણમાંથી બહાર આવી શકે, સમાજમાં પોતાનાં યોગદાન માટે વિચારી શકે, પોતાના જીવનમાં નહીં, પરંતુ સમાજ માટે નક્કર કામ કરી શકે એ દરેક સ્ત્રીમાં નેતૃત્વ છે એમ કહી શકાય.
એક પાવરફુલ સ્ત્રી પોતાની ક્ષમતાથી જરૂર પડ્યે મદદ કરીને બીજી સ્ત્રીની શક્તિમાં વધારો કરે તે વધુ મહત્વનું છે. સ્ત્રીઓ માટે પરસ્પર ઈર્ષા હોવી તે સ્વભાવગત લક્ષણ અને રમૂજનો વિષય બની ગયાં છે. આધુનિક મહિલાઓ એકબીજા સાથે જોડાઈને, એકબીજાની ક્ષમતાને સ્વીકારી, સમજી અને યોગ્ય સન્માન સાથે બીજાને બતાવી શકે એ સમયની માંગ છે. સમાજસેવા અથવા મહિલા નેતૃત્વ માત્ર થાળીમાં વેલણ પછાડીને, સંસ્થા શરૂ કરીને કે આવેદનપત્ર લખીને ન કરાય. સામાજિક દાયિત્વ અને સમાજના કલ્પિત ભયથી અકળાતી, મુંઝાતી કે પોતાની ઓળખ ભૂલી ગયેલી કોઈ સ્ત્રીના જીવનમાં સહકાર આપી શકાય તો પણ એ નેતૃત્વ જ છે. દરેક પેઢી તેની પછીની પેઢીને આધુનિક અને હોશિયાર તો કહે છે, પણ મનમાં છાના ખૂણે અથવા અંગત વર્તુળમાં તેને બગડેલી પણ જાહેર કરે છે. ખાસ કરીને પોશાક અને ફેશનમાં પરિવર્તન જ્યારે સ્વીકાર્ય ન હોય ત્યારે જે-તે યુવતીના સમગ્ર વ્યક્તિત્વ માટે પ્રશ્નો ઊભા થાય છે. છેલ્લા એક દસકામાં દરેક ક્ષેત્રમાં યુવતીઓની સંખ્યા અને સફળતાનો આંકડો સંતોષકારક છે, કારણ કે તેઓમાં ‘ના’ પાડવાની ક્ષમતા વધી છે. જેને પોતાની ઈચ્છા, તાકાત અને ધ્યેય અંગે ખબર હોય, એ દિશામાં ચાલવા કટિબદ્ધ હોય અને સમાજના અપેક્ષિત વર્તનથી કંઇક અલગ કરે તેને જીદ્દી કે જબરી ન કહેવાય. પરિવાર અને સમાજ સ્ત્રીની શક્તિને સમજીને એને પોતાનાં માર્ગ અને દિશા નક્કી કરવામાં સાથ આપે તે આદર્શ પરિસ્થિતિ છે, પરંતુ તે પોતાનાં અને અન્ય સ્ત્રીઓનાં જીવન માટે નેતૃત્વ કરે તો એ આવનાર સમય માટે એક પથ છે.
X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી