વુમનોલોજી- મેઘા જોશી / શોષણ, સમાનતા અને સશક્તિકરણની તમારી વ્યાખ્યા શું છે?

article by megha joshi

Divyabhaskar.com

Dec 17, 2019, 06:41 PM IST
વુમનોલોજી- મેઘા જોશી
સ્ત્રીનું સ્થાન, સ્ત્રીનું સન્માન કે સ્ત્રીનાં સશક્તિકરણની ચર્ચા થાય, ત્યારે મોટે ભાગે બે અંતિમો વચ્ચે સંઘર્ષ થાય છે. એક તરફ આ દેશમાં મહિલાઓનો એક એવો બહુમતી વર્ગ છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરાને પોતાની ફરજ અને સ્ત્રીધર્મ માને છે. જે પરિવારની દરેક વડીલ મહિલાને જોઇને એનાં જેવાં જ બનવાનું સ્વીકારી લે છે. આ એવી મહિલાઓ છે જેમનાં જીવનનું ધ્યેય માત્ર પોતાના પરિવારને ખુશ રાખવાનું હોય છે. બીજી તરફના અંતિમ પર એવી મહિલાઓ છે, જેમણે ક્યારેય લિંગભેદને કારણે કોઈ તફાવત અનુભવ્યાં નથી. શિક્ષણ, વ્યવસાય કે આર્થિક સ્થાનમાં તેઓ એમના સમાજના પુરુષ સાથે બરાબરી કરી શકે છે. આ એવી મહિલાઓ હોય છે, જેમને પેલી ગામડામાં સાત બેડાં ઊંચકતી મહિલાઓની દયા આવે છે, જેમને ઘૂંઘટ ઓઢીને ઉનાળામાં મુસાફરી કરતી મહિલાને બદલે ગરમી લાગે છે. સમાનતાનો અનુભવ બચપણથી જ મળે છે આથી એમને જે મહિલા પતિ અથવા પરિવારને જમાડીને જમે, એની પણ દયા આવે છે. પરિણામે થાય છે એવું કે, મેટ્રો સિટીમાં વાતાનુકૂલિત કમરામાં બેસીને ભણેલી-ગણેલી, સુખી ઘરની સ્ત્રીઓ શોષણ, સમાનતા અને સશક્તિકરણની વ્યાખ્યા બનાવે છે. શહેરી, આધુનિક અને ભણેલી-ગણેલી મહિલાઓ ગ્રામીણ મહિલાઓ માટે વિવિધ પ્રોજેક્ટની ચર્ચા કરે છે. રાષ્ટ્રીય કક્ષાએ ‘અબળા’ને સબળા બનાવવા માટે સંશોધનપત્રો રજૂ થાય છે. દેશની સરકાર, જાગૃત સમાજ અને આધુનિક મહિલાઓ સ્ત્રીના સમાન અધિકાર માટે અને સ્ત્રીને શોષણમુક્ત કરવા માટે કટિબદ્ધ હોય તે છતાં ઘરે-ઘરે શોષણના દૃશ્યો કે લૈંગિક ભેદભાવને કારણે થતા અન્યાય કેમ યથાવત છે, ઝૂંપડાના સુખ કે દુ:ખની ચર્ચા કોર્પોરેટ ઓફિસના અગિયારમા માળે બેસીને થાય એ ઠીક, પરંતુ જો કાચા ઘરની પરિસ્થિતિને મદદ કરવાનો આશય હોય તો એની જરૂરિયાત સમજવી અને સંવેદવી જરૂરી છે. કોઈ સ્ત્રીનું સુખી હોવું કે દુ:ખી હોવું એ તેનાં આર્થિક સ્વાવલંબન કે બાહ્ય સ્વરૂપથી નક્કી ન જ કરી શકાય.
સ્ત્રીનાં દરેક કામને શોષણ અને દરેક વિષમ પરિસ્થિતિને અન્યાયનું નામ આપવું યોગ્ય નથી. તમે જેને ‘બિચારી’ સમજો છો, તે ખરેખર ખુદ સહેજ પણ બિચારાપણું ન અનુભવતી હોય એવું પણ બની શકે. નારીવાદ અને નારીચેતનાનો મુખ્ય મુદ્દો માનવ અધિકારો અને માનવીય મૂલ્યોનો જ છે. ભૌતિક સગવડ વગરની મહિલા સુખી અને આલીશાન બંગલામાં પંદર નોકરો વચ્ચે એકલતાને કોસતી મહિલા દુ:ખી પણ હોઇ શકે. શોષણનો વિરોધી શબ્દ પાવર છે. જો સ્ત્રીને શોષણમાંથી મુક્ત કરવી હોય તો પહેલાં તેને મૂળભૂત અધિકારો મળે, એના નિર્ણયને સ્વીકૃતિ મળે અને તેના અસ્તિત્વને પૂરતું સન્માન મળે એ જરૂરી છે. મહિલાને સશક્ત કરવા સરકારી પ્રોજેક્ટ નહીં, સહકારની જરૂર છે. ખરેખર તો અશક્ત અને સશક્ત જેવા બે ભાગ પાડવાની જરૂર જ નથી. જો સ્ત્રી પોતાની વાસ્તવિક જિંદગીમાં અધિકાર અને ફરજ વચ્ચે સંતુલન કરી શકતી હોય, એ ઘરકામ કે વ્યવસાયમાં કે બીજા દરેક ક્ષેત્રમાં જાતને ન્યાય આપી શકતી હોય, તો એના કામના ભારણને સતત ઘૂંટ-ઘૂંટ કરવાની જરૂર નથી. પોતાના ઘર, જીવન અને પરિવારમાં કે સમયની માંગ મુજબ જવાબદારી નિભાવવી એ શોષણ નથી. સ્ત્રીને સમાન શિક્ષણ આપવું કે વ્યવસાયની તક આપવી એ હરગીઝ સશક્તિકરણ નથી. સમાનતા એટલે કે સંપૂર્ણ માનવીય વ્યવહાર અને સશક્ત હોવું એટલે ઈચ્છા મુજબનું
જીવન.
X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી