વુમનોલોજી- મેઘા જોશી / ‘શરમ’ માનસિક અને સામાજિક હોય છે

article by megha joshi

Divyabhaskar.com

Dec 02, 2019, 03:08 PM IST
વુમનોલોજી- મેઘા જોશી
લગભગ મધરાત થવા આવી હોય, સુમસામ સડક પર એકલ-દોકલ વાહન પસાર થતા હોય, ઠંડીનો ચમકારો આખા શરીરને અસર કરે તેવો હોય, તમે મુસાફરી કરતાં હો અને કુદરતી જરૂરિયાતને રોકવા તમે તન-મનને કષ્ટ આપો એવો કોઈ અનુભવ ખરો? ધોમધખતો તાપ હોય, સૂરજ માથે ચડ્યો હોય, થોડી-થોડી વારે જીભ સુકાઈ જાય ને તમે ગળે ટાઢક ના ઊતરે એમ માત્ર જીભે પાણી ચોપડીને સંતોષ માનો એવું કર્યું છે? ચાર-પાંચ કલાક માટે કોઈ બજાર, બેંક કે બ્યુટી પાર્લરનું કામ લઈને નીકળ્યા હો અને બધું છોડીને ઘરે પહોંચવાની ઉતાવળ વધી જાય એવું બને? ટૂંકમાં, એક સ્વચ્છ શૌચાલય માટે તરસ, તડપ અને તાણનો અનુભવ કર્યો છે? વર્ષ 2019માં સ્વચ્છ ભારતની સંકલ્પના કેટલે અંશે સાકાર થઇ હશે એનાં આંકડા અને ફાઈલ હવે તૈયાર થઇ જશે, પરંતુ સમગ્ર ભારતમાં મુસાફરી કરતી મહિલાઓ માટે સલામત અને સ્વચ્છ શૌચાલયનું નિર્માણ હજી હાંસિયામાં છે. શાળા, દવાખાનાં, ધાર્મિક સ્થળ, શોપિંગ મોલ જેવી જગ્યાઓએ મહિલા માટે વિશેષ વ્યવસ્થા હોય છે, પરંતુ રાષ્ટ્રની છોકરીઓ, યુવતીઓ કે મહિલાઓની કુલ સંખ્યાના પ્રમાણમાં શૌચાલયની સંખ્યા ન હોવા સમાન છે. ખાસ કરીને હાઈ-વે કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કે મોટા શહેરોની બજારમાં મહિલાએ કુદરતી જરૂરિયાત પર નાછૂટકે અંકુશ રાખવો પડે છે. સડક પર વૃક્ષની કે કોઈ દીવાલની આડશ શોધીને અમુક સમયે શરમ બાજુ ઉપર મૂકતી મહિલાના મૂળભૂત અધિકારો પણ બાજુ ઉપર મુકાય છે.
નિર્જન અને વેરાન સડક કે ધોરી માર્ગને સ્ત્રી કે પુરુષ જેવા લિંગભેદ સાથે કોઈ લેવા-દેવા નથી, પરંતુ સડક પર ઊંધા ફરીને સંપૂર્ણ પ્રાકૃતિક જરૂરિયાતને ન્યાય આપતા પુરુષ અને સ્ત્રીને અંગત તેમ જ સામાજિક માનસિકતાને લિંગભેદનો પૂરેપૂરો ખ્યાલ છે જ. આથી જ મહિલાઓ ‘યોગ્ય સમય’ અને ‘યોગ્ય સ્થળ’ની તલાશ કરીને જઈ શકે છે. અલબત્ત, શૌચાલયનો અભાવ પુરુષ માટે પણ સમસ્યારૂપ છે જ. કુદરતી જરૂરિયાત પર વધુ પડતા સમય માટે અને વધુ પ્રમાણમાં નિયંત્રણ રાખવાથી શારીરિક સમસ્યા પણ બંનેને થાય જ, પરંતુ રચનાકીય તફાવતને કારણે અને સામાજ અપેક્ષિત વર્તનના વર્ગીકરણને કારણે મહિલા માટે શૌચાલયનો અભાવ વધુ પડકારજનક છે. ખાસ કરીને માસિક દરમિયાન કે અન્ય કોઈ ગાયનેક સમસ્યાને કારણે શૌચાલયની જરૂરિયાત વધે છે. શરીર એવી કોઈ વર્જનાઓ અને વર્ગીકરણને ના સમજે. આથી જ દિન-પ્રતિદિન, વર્ષ-પ્રતિવર્ષ કીડની અને મૂત્રમાર્ગના રોગની સમસ્યા સ્ત્રીઓમાં વધતી જાય છે. સંપૂર્ણપણે કુદરતી એવી શૌચક્રિયાને આપણી સામન્ય જનમાનસની સોચે એટલી અસાહજિક બનાવી દીધી છે કે ક્યારેક સવલત હોવા છતાં પણ શરમને કારણે મહિલાઓ એની અવગણના કરે છે.
સ્ત્રી-પુરુષ કે ટ્રાન્સજેન્ડર માટે અલાયદા વોશરૂમની વ્યવસ્થા શક્ય ન હોય તો એક પણ બનાવી શકાય. આપણાથી અલગ જેન્ડરની વ્યક્તિને બાથરૂમનો ઉપયોગ કરવા માટે જતાં જોઈએ, તો પણ શરમ આવે એવી શારીરિક રચના બનાવી ત્યારે કુદરતને પણ ખબર નહીં હોય. દિવસ આખો શરમ અને પીડામાં વિતાવ્યા પછી અંધારામાં કુદરતી હાજતે જતી યુવતીનું અપહરણ થાય અને પછી પુરુષ દ્વારા અંધારાનો લાભ લેવાય, તેના પર બળાત્કાર થાય, એ આ રાષ્ટ્ર માટે નવી વાત નથી, પરંતુ શરમજનક ચોક્કસ છે. શૌચાલયના ઉપયોગ જેવી કુદરતી બાબતને જો શરમમાંથી મુક્તિ મળશે તો સમાજને નીચાજોણું ઓછંુ થશે. ધાર્મિક સ્થાનકો પર બાંકડા ગોઠવી નામ ચિતરાવતા દાતાઓ જો દેશના ધોરીમાર્ગો પર શૌચાલયના નિર્માણ માટે દાન આપશે, તો પુણ્ય એટલું જ મળશે.
X
article by megha joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી