Back કથા સરિતા
મધુ રાય

મધુ રાય

સમાજ, સાંપ્રત (પ્રકરણ - 42)
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

હાર્દિક મહેતા કામયાબ  

  • પ્રકાશન તારીખ28 Nov 2019
  •  
નીલે ગગન કે તલે- મધુ રાય
ન્યૂ યોર્કમાં શુક્રવારની સમી સાંજે ન્યૂ યોર્કના એક મહાભવનના ચોકમાં ભેગા થવાના હતા સિનેમાશાર્દુલ અભય દેઓલ, બ્રેન્ડન ફ્રેઝર, રોહિત કાર્ન બતરા, તન્નિષ્ઠા ચેટર્જી, આશિષ શર્મા, ઉષા જાધવ, હાર્દિક મહેતા અને અમેરિકાસ્થિત ફિલ્મી અદાકારો તેમજ ભારતના કોન્સલ જનરલ મહામના સંદીપ ચક્રવર્તી. અને ગગનવાલા ભાગાભાગા ઊપડેલા બિફોર ટાઇમ ફ્રન્ટ સીટ મેળવવા તથા ધક ધક ધક તન્નિષ્ઠા ચેટર્જીને જોવા, મળવા, બને તો આબે હયાતની એકાદ પિયાલીની અદલબદલ કરતા ઇન્ટરવ્યૂ લેવા.
દર વર્ષે એક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવાલ થાય છે, NYIFF, ત્યાં વળી નટખટ ન્યૂ યોર્ક સિટીએ પેશ કીધેલો વળી બીજો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવાલ, NYC SAFF, મતલબ સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ.
ઉપરોક્ત પાર્ટીમાં દાખલ થયા પછી ખ્યાલ આવ્યો કે સિનેમાના સિતારા બે-ત્રણ કલાક મોડા આવતા હોય છે. દર્શકો તથા સેલેબ્રિટીઝ સાથે સેલ્ફી લેવડાવવાના શૌકીન નર-નારીનાં ઝૂમખાં આવતાં રહેતાં હતાં, પણ રેડ કાર્પેટ ઉપર હજી લાઇટો બાઇટોનો ખડકલો થઈ રહ્યો હતો. અને અમારી નજર પડી સથ્ય સાંઈબાબા જેવા ઘના ઘૂંઘરુવાલે બાલવાળા એક જુવાન ઉપર! યોહ! હાર્દિક મહેતા! બે-ત્રણ વરસ પહેલાં NYIFFમાં એક લવલી મૂડ ફિલ્મ જોયેલી, ‘અમદાવાદમાં ફેમસ!’ જેમાં અમદાવાદમાં સંક્રાન્તનો પતંગોત્સવ ઊજવતા તમામ કોમના શહેરીઓનો જોસ્સો, નશો, નાના-મોટાં સર્વેનો એક એકી સપાટે કરેલો વિઝ્યુઅલ આલેખ. તેમાં નાનાવિધ પાત્રો, ફોટોગ્રાફી, સંગીત ને જે નામ પૂરતું કથન છે, નેરેશન છે, તે તો આકર્ષક છે જ, પરંતુ કાન ઉપર મદિર મદનાંકન કરંત હૈ પાત્રોના મોઢામાંથી નીકળતા સંવાદ ને સંવાદની મા–જણી નરવી બોલી. સામાન્ય સંવાદો બોલાય કે લખાય ત્યારે ‘સીન’ મુજબ પાત્રો, ભાષા સહેજસાજ સભાન થઈ જતાં હોય છે, પણ અત્રે મળે છે બિલકુલ કાચો માલ, મીન્સ કે સાચો માલ. તેવી સાચીકાચી ને નોખી જાતની ગુજરાતી બાની ને તેવી બાનીમાં ફિલિમ બનાવનાર જણ કોઈ વાર પાનવાળાની દુકાને ભુટકાસે તો એક ઘૂંબો મારસું એવી બોલી અમે કરેલી જાત સાથે.
ને લ્યો હાજર છે, હાર્દિક મહેતા! તેના ફોટા મુજબના સથ્ય સાંઈબાબાબ્રાન્ડ હેઅરડૂ તેનો તે જ છે, પણ અંગત રીતે ચહેરો હસુંહસું થાય છે. અમે અમારી ઓળખાણ આપી એકાદ ઇન્ટવ્યૂની માગણી કરી. જરૂર જરૂર, ‘અંધારામાં તમને ઓળખ્યા નહીં (ફિલ્મીસ્પીક).’
અને આવતાં જતાં, બે મિનિટ, પાંચ મિનિટના કટકે કટકે વાતો થઈ અમદાવાદ વિશે, પચીસ વર્ષ પહેલાંના અમદાવાદ વિશે, ને વેલ, ‘વ્હોટ્સ યોર રાશિ’ વિશે, હેંહેંહેં. ઓહ હા, હાર્દિક સર શ્યોર નથી કે ખુશી બતાવવી કે ગમ. અમે કહીએ છીએ એ તો થયું તે થયું, પણ હજી આપણી પાસે બહુ ટોપ ટોપ સબજેકો છે. ફરીથી હાર્દિક સર શ્યોર નથી કે ખુશી બતાવવી કે ગમ અને વાત વળે છે આ ફેસ્ટિવલમાં પ્રીમિયર થવાનું હતું તે હાર્દિકની નવી ફિલ્મ ‘કામયાબ’ તરફ. ફિલ્મોમાં એક્સ્ટ્રાનું કામ કરતા એક્ટરની ફિલ્મ છે. તે એક્ટરની 499 ફિલ્મો ઊતરી ચૂકી છે. હવે 500મી ફિલ્મ ધામધૂમથી ઉતારવાની એક્ટર સરની મનોકામના છે, કેમ કે 500નો ફિગર રાઉન્ડ ફિગર છે. હાર્દિક સર ‘કામયાબ’નો અર્થ ‘રાઉન્ડ ફિગર’ કેમ કરે છે સમજાયું નહીં, પણ સથ્ય હેઅરડૂ હલાવતાં હલાવતાં હાર્દિક સર કહે છે કે જરૂર જોવા આવો, ન ગમે તો પૈસા પાછા! ગમ્મતની વાત ગમ્મતના ઠેકાણે, પણ હાર્દિક મહેતા ફિલ્મો માટે સબજેકો બડા નામી પસંદ કરે છે.
પણ ઠંડી વધતી જતી હતી. અભય દેઓલની માફિયા ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું હતું, તન્નિષ્ઠા મેડમને કહેવાનું હતું કે તમારી એક્ટરી અને સમરકંદ બુખારા ને લાઇક ધેટ. એની ફિલ્મ પણ રજૂ થવાની હતી ફેસ્ટિવાલમાં, ‘રોમ રોમ મેં’ પણ હવે રોકાવાય એવું નહોતું. હાડોહાડ ને કચડ કચડ ચાવતો ઉત્તર ધ્રુવનો પવન ન્યૂ યોર્કના હાઇરાઇઝ કોતરોમાં સુસવાતો અમને ઊભા કરે છે, બીજા દિવસે તો દિવસના પણ કાન ખરી પડે એવી ઠંડી છે અને રવિવવારે હાર્દિક સરનું નોતરું હોવા છતાં જવાયું નહીં. પણ હલો! છેલ્લા દિવસે ઇનામ વિતરણ થાય છે ને સાત ફિચર ફિલ્મોમાં બેસ્ટ ફિલ્મ જાહેર થાય છે, ‘કા—મયાબ!’ ઘણું જીવો હાર્દિક સર.
[email protected]
x
રદ કરો

કલમ

TOP