નીલે ગગન કે તલે- મધુ રાય / કાંતિ ભટ્ટને હું ઓળખતો હતો

article by madhu rye

Divyabhaskar.com

Aug 14, 2019, 04:41 PM IST

નીલે ગગન કે તલે- મધુ રાય
ઇસવીસન પૂર્વેની એક સમી સાંજે લોસ એન્જલસના મારા છાપખાનામાં બિલુ રંગનો એરોગ્રામ આવેલો કે કાંતિ ભટ્ટ અને શીલાબહેન લોસ એન્જલસ આવે છે, મારે ત્યાં ઊતરશે! તે સમયે ચિત્રલેખામાં મારી એકલદોકલ કોલમ આવતી હતી અને તે સાપ્તાહિકમાં કાંતિલાલ–શીલાબાલાની જોડી મારતે ઘોડે ધૂમ મચાવતી હતી, તે સિવાય મને એમનો કોઈ પરિચય નહોતો.
ઇસવીસન પૂર્વે, એટલે કે મારાં લગ્નવિચ્છેદ પૂર્વે, અમે તાજા અમેરિકા આવેલા ને ભાખોડિયાં ભરતા હતા. મારાં પત્ની અમેરિકાની સ્કૂલોમાં સ્પેનિશ ભણાવતાં હતાં ને હું ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિક ચલાવતો હતો તથા સાઇડમાં કંકોત્રીબંકોત્રીનો મંદ મંદ બિઝનેસ કરતો હતો. અમને વતનનું કોઈ આવશે તેનો આનંદ હતો.
પછી કોઈ કારણસર તે અાવવાનું મોકૂફ રહ્યું; મારાં પત્નીને ભારત આવવાનું થયું; ત્યાં ફરી બિલુ એરોગ્રામ આવ્યો કે હવે શીલાબહેન લંડન આવવાનાં છે ને ત્યાંથી તે એકલાં મારે ત્યાં ફરવા આવશે. શીલા ભટ્ટ એકલાં રહેવા આવશે તે વિચારે સ્વાભાવિક રીતે મન બાવળિયે જાય ને આવે, બાવળિયે જાય ને આવે, પરંતુ તે પ્રોગ્રામ પણ મોકૂફ રહ્યો અને આખરે ત્રીજી વાર પુષ્પક વિમાન લોસ એન્જલસ એરપોર્ટ પર ઊતર્યું ત્યારે મેં પ્રથમ વાર કાંતિલાલને તથા લીલી કિનારીની ખાદીની સાડીઆવૃત્તા શીલા ભટ્ટને જે–જે કર્યું.
કાંતિભાઈની ઊર્જા અને જ્ઞાનચક્ર–શી વિદ્યા અને ઉષ્મા અને લેખનપટુતાની અસંખ્ય અંજલિઓ પ્રગટ થઈ છે, પરંતુ મને અનુભવ છે કાંતિભાઈની ‘રસિક’તાનો, વિનોદશૈલીનો. લોસ એન્જલસનો વરણાગી સનસેટ બુલેવાર્ડ મહાવિખ્યાત છે; મેં કહ્યું ચાલો ફેરવવા લઈ જાઉં. કાંતિભાઈ કહે બુલેવાર્ડ તો ઇન્ડિયામાં જોયા છે. તો પ્રશાંત મહાસાગરનો સૂર્યાસ્ત નયનરમ્ય છે; ચાલો ત્યાં. અરે! સનસેટ બોમ્બેમાં જોયેલો છે. ઓકે, ફિલ્મ જોઈએ તો પછી? સાત ડોલરની એક ટિકિટ? કાંતિભાઈ કહે અમને બે ટિકિટના રોકડા જ આપી દો ને! સત્ય તો એ છે કે કાંતિભાઈ મજાક કરતા હતા કે ખરેખર કરકસરિયા હતા તેની ખબર મને હજી પડેલ નથી.
ત્યારબાદ તે બંનેએ ચિત્રલેખા છોડીને અભિયાન શરૂ કર્યું. ત્યારે હું મુંબઈના એક દૈનિકમાં રૂ. 75/– લેખે કોલમ લખતો હતો. શીલાબહેને અભિયાનમાં લખવા આગ્રહ કર્યો, એક લેખના 750 રૂપિયા અને તે ક્ષણથી આ ક્ષણ લગી હું અભિયાનના માલિક અવિનાશ પારેખની દરિયાદિલીથી ને અલબત્ત શીલા ભટ્ટના દુલારથી સાંગોપાંગ મોહિત છું.
તે પછી તારણહારે તેની ગદા ફેરવીને મારાં લગ્નનો છૂંદો થઈ ગયો; હું અમેરિકા છોડી લંડન નાસી આવ્યો. તો અભિયાનની લંડન આવૃત્તિ પ્રગટ કરવા કાંતિભાઈ લંડન આવેલા. તારણહારની ગદા એમનાં લગ્ન ઉપર પણ પડેલી, શીલાબહેન દિલ્હી રહેવા ગયેલાં કિન્તુ કાંતિભાઈની અને શીલાબહેનની વચ્ચે એખલાસ એવો ને એવો સ્નેહસિક્ત રહેલો.
લંડનમાં કાંતિભાઈના આહારવિહાર અને આચારવિચારનો પરિચય થયેલો. મેં ગમ્મતમાં કહેલું, તમને જોઈને સ્ટીવન હોકિંગ યાદ આવે છે. એમણે મને થાપો મારીને જણાવેલું કે તેય કાઠિયાવાડી ને હુંયે કાઠિયાવાડી, તેય લેખક દંપતી ને હું પણ તેવો જ, તે પણ આર્થિક રીતે અકિંચન અને હું પણ જાણે નિરાધાર, ને પ્લસ, કાંતિભાઈ મારા બાવડે આંગળી ખુચાડીને અમસ્તું અમસ્તું કહે કે જેમ મારે, મધુને ભાવનગરની એક બ્રાહ્મણકન્યા સાથે અલ્પજીવી સંબંધ બંધાયેલો તેમ ભાવનગરની તે જ બ્રાહ્મણકન્યા સાથે કાંતિભાઈને દીર્ઘ સમયનો મીઠો નાતો થયેલો. યાને યાને યાને? યાને ભલે તે મારાથી દસ વરસ મોટા છે, પણ કોઈ વાતે કમ નથી વગેરે.
તે પછી મારે ન્યૂ યોર્ક નોકરી થઈ અને એમની પુત્રી શક્તિ અને શીલા ભટ્ટ એક ઇંગ્લિશ સાપ્તાહિકનું સંપાદન કરવા ન્યૂ યોર્ક આવ્યાં. શક્તિ અને તેના પતિ બંને ઇંગ્લિશમાં પોએટ્રી લખતાં તેનો અમારી વચ્ચે ટોળ થતો. શીલા ભટ્ટના વીકલીમાં મારે ઇંગ્લિશમાં ડ્રામા રિવ્યૂ લખવાનું બી થયેલું, બેએક વાર. તે માતાપુત્રી બંને સાથે આત્મીયતા થઈ. કાંતિભાઈ એમના થ્રૂ મારા ખબર પુછાવતા.
જી, અમારે સદાશય હતો, પણ આત્મીયતા નહોતી. કાંતિ ભટ્ટને હું ઓળખતો હતો, પણ કાંતિભાઈને મેં ઓળખ્યા નહોતા. સદ્્ગતના આત્માને શાંતિની પ્રાર્થના.
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી