Back કથા સરિતા
મધુ રાય

મધુ રાય

સમાજ, સાંપ્રત (પ્રકરણ - 42)
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

નામ લેતાં મોં પાણી પાણી

  • પ્રકાશન તારીખ08 Aug 2019
  •  

નીલે ગગન કે તલે- મધુ રાય
સ્વનામધન્ય સ્વર્ગસ્થ રસનિધિ ચંદ્રકાંત બક્ષી કહેતા કે એમને બંગાલની ફક્ત બે જ વસ્તુઓ પ્રિય છે, એક છે રોશોગુલ્લા અને બીજી––યુ નોવ–– તમે સમજી જાઓ.
વર્ષોથી રસગુલ્લાંનું ઉદ્્ગમ બંગાલ છે કે ઓડિશા તે બાબત બંને રાજ્યો ખાંડાં ખખડાવતાં હતાં, બે વર્ષ પહેલાં બંગાલને સરકારી GI tag લાધેલું ત્યારે જીતનો ઉન્માદ બંગાલીઓને ઘેરી વળેલો. સડકો ઉપર ને ગલીઓમાં બંગ નાગરિકો જીતનો દુંદુભિ વગાડતા હતા ને ત્યારે બંગાલની સરકારે 14મી નવેમ્બરને રસગુલ્લાં દિવસ તરીકે ઊજવવાનું જાહેર કર્યું. રસિકોએ સ્વીકારી લીધું કે રસગુલ્લાંનો આવિષ્કાર કરેલો સન 1860માં કલકત્તાના એક કંદોઈ નબીનચન્દ્ર દાસે.
પણ તેની સામે સખત વાંધો લીધેલો ઓડિશા રાજ્યે, કેમ કે વિધવિધ લોકોનું કહેવું છે કે રસગુલ્લાંનો જન્મ તો થયેલો 12મી સદીમાં ઓડિશાના જગન્નાથપુરીના જગન્નાથના મંદિરમાં! ભગવાન જગન્નાથે લક્ષ્મીજીને રીઝવવા રસગુલ્લાંનો પ્રસાદ ધરેલો રથયાત્રાના દિને, જેને ‘નીલાદ્રિ વિજય’ પણ કહેવાય છે અને જેનો ઉલ્લેખ 15મી સદીના ઓડિયા કવિ બલરામ દાસના દંડી રામાયણ કાવ્યોમાં પણ છે.
તેથી બંગાલને રસગુલ્લાં આપી દેવાની સામે ઓડિશા સરકારે સણસણતી પિટિશન ફાઇલ કરી અદાલત મોજાર અને આખરે ગયા સોમવાર, તા. 29મી જુલાઈના રોજ ઓડિશા રાજ્યને પણ રસગુલ્લાંનું જિયોગ્રોફિકલ ઇન્ડિકેશન GI tag લાદ્યું છે અને તે રીતે ગ્રેટ રસગુલ્લાં વોર(GRW)નો અંજામ બંને રાજ્યોની જીતમાં આવ્યો છે.
હા, હા, પણ GI tag બોલે તો ક્યા? અમુક ઉત્પાદન અમુક જગ્યાની પેદાશ છે અને તે કારણે ત્યાંનો માલ ‘સાચો’ ને બીજે બનેલો માલ ‘ડુપ્લિકેટ’ એવું સરકારી પ્રમાણપત્ર. તો એવા નિર્ણયો કોણ કરે છે? ચેનૈમાં આવેલ જીઆઈ રજિસ્ટ્રીની સંસ્થા. તે સંસ્થાએ સોમવારે જાહેર કરેલ છે કે હવેથી ઓડિશામાં બનેલા રસગુલ્લા પણ સાચા રસગુલ્લા કહેવાશે.
અભીક બર્મન નામે એક રસજ્ઞ પત્રકાર કહે છે કે રસગુલ્લાં વિનાનું બંગાળ મીઠા વગરની દાળ જેવું મોળું કહેવાય. (એવું શબ્દશ: અભીક બર્મને કહ્યું નથી, પણ એવા મતલબનું કહ્યું છે. બંગાળમાં ઉછરેલા ગગનવાલા બંગાળની વાત આવે તો અગડમબગડમ બફાટ કરતા ફરે છે.)
ઓડિશાવાળા કહે છે કે ઓડિશાના રસગુલ્લાં મોંમાં મૂકતાં જાણે ઓગળી જાય તેવા કૂણા છે. દાંતને અડાડ્યા વિના ગળે ઊતરી જાય છે. બીજાના રસગુલ્લાં ચવ્વડ હોય છે ને મહેનત કરીને ખાવા પડે છે.
રસગુલ્લા બને છે ફાડેલા દૂધમાંથી, જેને ‘છાના’ કહેવાય છે. અભીક બર્મન બાબુ પંડિત કે. ટી. આચાર્ય નામે રસકોવિદને ટાંકતાં કહે છે પોર્ટુગીઝોએ સન 1580માં શહેનશાહ અકબરના ફરમાનથી હુગલીના કિનારે વસાહત કરી ત્યારે તેઓ ભારતમાંથી રોમન જનાનખાનાંઓ માટે મસલીન કાપડ તથા યુરોપના તથા ઇસ્ટ એશિયાના ભાણા માટે હિંગ, જાયફળ અને કાળાં મરી જેવા મસાલા લઈ જતા અને લાલ મરચું તેમજ છાના વગેરે નવીન જણસો ભારતમાં આયાત કરતા. અચરજ થાય કે છેક 17મી સદી સુધી ભારતમાં દુર્યોધન કે ચંદ્રગુપ્ત કે અશોક કે ઇવન અકબર જેવા તોતિંગ શાસકોના ભોજનમાં બટાકા કે કાંદા કે લસણ કે લાલ કે લીલાં મરચાંનો વપરાશ નહોતો! બટાકા, મરચાં, કાંદા વગેરેની સાથે પોર્ટુગીઝો ભારતમાં ‘છાના’ તથા મેંદો પણ લઈ આવ્યા! બંગાળના નવાબ સિરાજુદ્દૌલાના દર–આમદ ફેહરિશ્ત યાને પોર્ટુગલથી આયાત માલના ઇમ્પોર્ટ લિસ્ટમાં ‘છાના’નો ઉલ્લેખ છે.
પણ સામે ઓડિયાઓ કહે છે કે શટ્ટઅપ! તમે લોકો ધરાર યુરોપિયનોને બધી ક્રેડિટ આપતા ફરો છો, પણ ચૈતન્ય મહાપ્રભુએ ઓડિશામાં રસગુલ્લાંની શોધ કરી છે. સન 1200થી અમારે ત્યાં ‘ખીર મોહન’ના નામે બનતી આ વાનગી લોકપ્રિય છે.
આટલું લખીને ગગનવાલા એક લામ્બો નિશ્વાસ તાણે છે. સન 1946–47માં ઉનાળાના વેકેશનમાં પિતાજી કલકત્તાથી નબીનચંદ્ર દાસના વારસ કે. સી. દાસની વિખ્યાત દુકાનેથી રસગુલ્લાંના રેણ કરેલા ડબ્બા લઈ આવતા અને તવેતા તથા દસ્તાથી તેનું પતરાનું ઢાંકણ તોડી અમે એ દિવ્ય વાનગીનો આનંદ લેતા, નામે રસગુલ્લાં! તેનું સ્મરણ થતાં જ મોંમાં જલશિકરો ફૂટે છે, પરંતુ હવે જૈફ વયે ગગનલાલ પશુકલ્યાણના વિચારે ‘વીગન’ થયા છે ને દૂધ–ઘી કે પશુજન્ય કશીય ચીજ ખાતા નથી કે વાપરતા નથી. હવે રસગુલ્લાં કરતાં રસગુલ્લાંનું ચિંતન વધુ મિષ્ટ છે. જય બાબા જગન્નાથ!
[email protected]

x
રદ કરો

કલમ

TOP