Back કથા સરિતા
કિશોર મકવાણા

કિશોર મકવાણા

સાંપ્રત (પ્રકરણ - 32)
લેખક વરિષ્ઠ પત્રકાર અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

વણમાગી સલાહ આપનારા

  • પ્રકાશન તારીખ09 Dec 2019
  •  
સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા
લોકોનાં મોંએ કેટલાંક વાક્યો આપણે લગભગ રોજ ચવાઈ ગયેલાં સાંભળતા હોઈએ છીએ, જેવાંકે, ‘ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે’, ‘આજના છોકરા બહુ બગડી ગયા છે.’ ‘લોકો ટ્રાફિકનું બરાબર પાલન નથી કરતા’, ‘લોકો આડેધડ પાર્કિંગ કરે છે’, ‘લોકોને રંજાડનારને લોકોએ જ બોધપાઠ ભણાવવો જોઇએ’ વગેરે. આમાંનું એકાદ વાક્ય તો આપણા કાને દિવસમાં એકવાર અથડાતું જ હશે. પારકી પંચાતમાં રાચતા આપણા સમાજમાં આવાં વાક્યો કાયમ સાંભળવાની આપણને બધાને વારસાગત ટેવ છે. લોકોએ શું કરવું જોઇએ એની વણમાંગી સલાહ આપનારા પોતે શું કરવું જોઇએ એ બાબતે ક્યારેય કંઇ બોલતા નથી. બધાને લાગે તો છે કે સમાજમાં કંઇક સારું થવું જોઇએ, પણ ‘મારું શું?’ અને ‘મારે શું?’ એ માનસિકતામાંથી લોકો બહાર ન આવે ત્યાં સુધી સમાજમાં બદલાવ કેવી રીતે આવે? ‘મારે પણ કંઇક કરવું જોઈએ’ એવું બહુ ઓછા લોકોને લાગે છે. ‘હું પણ કંઇક કરું’, ‘મારાથી જે થશે એ હું કરીશ’ એવું વ્યક્તિ પોતે કરે તો મોટાભાગની સમસ્યા ઉકલી જાય. હવે આ બધી વાતોમાંથી એકને જ લઇએ, ‘લોકોને પરેશાન કરનાર ગુંડા-મવાલીઓને બોધપાઠ ભણાવવો જોઇએ.’ પણ થાય છે શું? ગુંડા-મવાલીઓ તો દૂરની વાત, પોતાની સોસાયટીમાં એકાદ ડાંડ-માથાભારે માણસ સામે આખી સોસાયટી મોટેભાગે બકરી બેં બની જાય. ક્યાંક કોઇ નિર્દોષને મવાલીઓ મારતા હોય ત્યારે લોકો ફિલ્મ જોતા હોય એમ તમાશો જોતા રહે છે. આવો તમાશો જોનારા માટે ગાંધીજીએ ‘બાયલો’ શબ્દ વાપર્યો છે. આપણો સમાજ આવા બાયલાઓથી ભરેલો છે. એકાદ માણસ પણ હિંમતપૂર્વક આગળ આવે તો ભલભલો મવાલી ય ભાગતો હોય છે, પરંતુ આવાં સુખદ ઉદાહરણ બહુ ઓછાં જોવા મળે છે. એક માણસની હિંમત શું કરી શકે? અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે આવા ખરાખરીના ખેલમાં મહિલાઓએ જ મવાલીઓનો મુકાબલો કરી ભગાડ્યા છે. અમૃતલાલ વેગડે ‘તીરે-તીરે નર્મદા’ પુસ્તકમાં નર્મદા પરિક્રમા વખતની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. અમૃતલાલ વેગડ મધ્યપ્રદેશના છિનગાંવ પહોંચ્યા. અહીં પહોંચતા અંધારું થઇ ગયું હતું. ગામના બે દારૂડિયાની ચડવણીથી અમૃતલાલ અને એમની સાથેના લોકોને ગામવાળાએ ચોર સમજી લીધાને કોઇએ આશરો ન આપ્યો. છેવટે એક ગૌંડ જાતિની મહિલાને એમના પર દયા આવી. એણે પોતાના ઘરની બહાર આંગણામાં સૂવાની રજા આપી. થોડીવારમાં પેલા દારૂડિયા ત્યાં આવ્યા ને પેલી સ્ત્રીને ધમકાવવા લાગ્યા, પરંતુ મહિલા મક્કમ રહી. નમ્રતાથી પણ પૂરી દૃઢતાથી દારૂડિયા સામે અમૃતલાલ અને એમના સાથીનો બચાવ કર્યો. દારૂડિયા સામે લડવાની એની તૈયારી હતી. અમૃતલાલ લખે છે: ‘એ ભેંકાર રાતે એ બાઇએ અમારું એ જ રીતે રક્ષણ કર્યું હતું, જે રીતે એક મા પોતાના બાળકનું કરે છે.’ આપણો બધાનો અનુભવ છે કે બે-ચાર માથાભારે તત્ત્વો એકાદ વ્યક્તિને હેરાન કરતી હોય કે મારામારી કરતા હોય ત્યારે ટોળું ઊભું ઊભું તમાશો જોયા કરે.
અમદાવાદની થોડા વર્ષો પહેલાંની ઘટના છે. ઉસ્માનપુરા ચાર રસ્તા નજીક ભાગી રહેલા એક ગુંડાને પોલીસે પકડ્યો. ઝપાઝપી થઇ. પોલીસે પેલાને કમરેથી પકડેલો. એ વખતે અચાનક મવાલીએ ચાકુ કાઢી પોલીસના પેટમાં ઘા કર્યો. પછી તો ઉપરાઉપરી ઘા કર્યા, પણ પોલીસે પેલાને છોડ્યો નહીં. આખી ઘટનાની કરુણા એ છે કે અહીં પણ સમાજનું બાયલાપણું દેખાયું. એ વખતે લગભગ બસો માણસોનું ટોળું ફિલ્મનું શૂટિંગ જોતું હોય એમ આનંદથી ‘મારે શું’ એ માનસિકતાથી તમાશો જોઇ રહ્યું. એકેય ‘મર્દ’ મદદ કરવા આગળ ન આવ્યો. ‘મારે શું’ અને ‘મારું શું?’ એ માનસિકતામાંથી લોકોએ બહાર આવવું પડે.
કોઇપણ સારું કામ કરવા માટે આત્મબળની જરૂર પડે, શારીરિક બળની નહીં. આત્મબળ વગરનો માણસ માઇકાંગલો ગણાય. મવાલીઓને પડકારવા આત્મબળ જોઈએ. લાંચ ન લેવા કે લાંચ ન આપવા માટે આત્મબળ જોઇએ. મનોબળને મજબૂત કરવાથી કપરામાં કપરી પરિસ્થિતિ સામે લડી શકાય.
લોકોનું વલણ તો એવું જ હોય છે કે બીજાએ મરદ બનવાનું, મારે નહીં. છત્રપતિ શિવાજી મહારાજ કે ભગતસિંહ જન્મવા જોઇએ એવું બધા ઇચ્છે, પણ મારા ઘરમાં નહીં પાડોશીના ઘરમાં. બીજાને મદદ કરવી જોઇએ, પણ મારે નહીં, બીજાએ કરવાની- આ માનસિકતા સમાજની દરિદ્રતા બતાવે છે. સ્વાર્થી, શક્તિહીન અને ખુશામતખોરોના ટોળામાં શક્તિ કે પ્રભાવ ન હોય, એવું જ વ્યક્તિનું છે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP