માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય / હિટ એન્ડ રન ફેશન નથી, ફિયર છે

article by kajalozavaidya

Divyabhaskar.com

Dec 09, 2019, 02:48 PM IST
માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ભાઈને નડેલા કાર અકસ્માતથી રાજ્યની ટીવી ચેનલ્સ અને અખબારો ગાજતાં રહ્યાં. મુખ્યમંત્રીનાં ભાઈ-ભાભીની કારનો બગોદરા-બાવળા પાસે અકસ્માત થયો. એ તો સલામત છે, એનો આનંદ, પરંતુ ગુજરાતના રોડ પર છેલ્લાં પાંચ વર્ષમાં જે પ્રકારના અકસ્માતો થઈ રહ્યા છે એ જોતાં ગુજરાતની રોડ સેફ્ટી વિશે આપણે કશું કરવું જોઈએ એવો વિચાર સરકારને કેમ નહીં આવતો હોય? ભારતમાં સરેરાશ દર કલાકે 53 અકસ્માત થાય છે. જેમાં 17 લોકો પોતાનો જીવ ગુમાવે છે એવું એક સર્વેના આંકડા કહે છે. ભારતમાં ગયા વર્ષે 1.51 લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. આમાં નહીં નોંધાયેલા કે પોલીસના ચોપડે નહીં ચડેલા કેસ સિવાયના, ઓફિશિયલ આંકડાની આપણે વાત કરી રહ્યા છીએ!
સલમાન ખાન અને વિસ્મય શાહના કેસ હવે ઓલમોસ્ટ ભુલાઈ ગયા છે. બીઆરટીએસની અડફેટમાં આવીને હજી હમણાં જ મૃત્યુ પામેલા બે યુવાન દીકરાઓના ચહેરા આંખ સામે તરવરે છે ત્યાં શૈલેષ પરમારનો એક નવો કિસ્સો ખૂલ્યો છે. ગુજરાતમાં વાહન ચલાવનાર લગભગ દરેક વ્યક્તિએ વાહનચાલકો દ્વારા રોંગ સાઈડ અથવા સાઈડ કાપવાની ઉતાવળમાં, સિગ્નલ નહીં આપવાને કારણે કે અણધારી બ્રેક મારવાને કારણે એકાદ અકસ્માત તો ભોગવ્યો જ હશે. અમદાવાદમાં એસ.જી. હાઈવે પર કે રિંગ રોડ પર લગભગ રોજ એકાદ અકસ્માત થાય છે. સુરતના ઓવરબ્રિજ પર અકસ્માત થાય એટલે જે પ્રકારનો ટ્રાફિકજામ થાય છે એનાથી સુરતવાસીઓ હવે થાક્યા છે. દરેક અકસ્માતમાં જીવ જાય તો જ એને અકસ્માત કહેવાય એવું જરૂરી નથી! ગાડીને ડેન્ટ પડે, ફ્રેક્ચર થાય કે સ્કૂટરચાલક ફેંકાઈ જાય. આ પણ અકસ્માત જ છે. સાઈકલ ચલાવનારા માણસને પાછળથી સ્કૂટર કે રિક્ષા અથડાય અને સાઈકલવાળો પડી જાય, પરંતુ એ ઊભો થાય તે પહેલાં રિક્ષા કે સ્કૂટરવાળા ક્યાંના ક્યાંય નીકળી ગયા હોય આવું દૃશ્ય ગુજરાતમાં કોઈ માટે નવું નથી! હાઈવે ઉપર રોંગ સાઈડ ગાડી ચલાવીને, ભયજનક રીતે લેન કટિંગ કરીને, સાચી અને સીધી બાજુ યોગ્ય સ્પીડે આવતા વાહનને અથડાવીને ભાગી જનારની સંખ્યા આપણે ન માની શકીએ એટલી મોટી છે. આ માત્ર ગુજરાતમાં જ બને છે એવું નથી. ગૂગલ પર જે આંકડા છે એ કહે છે કે, ઉત્તર પ્રદેશમાં 20,124, રાજસ્થાનમાં 10,117, મહારાષ્ટ્રમાં 12,264, તામિલનાડુમાં 16,157 જેવાં મૃત્યુ રોડ અકસ્માતમાં નોંધાયા છે. આમાંથી કેટલા કેસમાં અકસ્માત કરનાર પકડાયા, એ જાણીએ તો આંખો પહોળી થઈ જાય, કારણ કે 60 ટકાથી વધુ કેસ હિટ એન્ડ રનના છે. જેને આપણું વાહન અથડાયું એનું શું થયું એવું જોવાની પણ કેટલાક લોકો ચિંતા કરતા નથી. બલ્કે, કેટલા ઝડપથી ત્યાંથી ભાગી જઈ શકાય એની વેતરણમાં પડી જાય છે.
હિટ એન્ડ રન હવે તો જાણે કે ફેશન બની ગયું છે. રસ્તે ચાલતા માણસોને કે ગાડીને, ટુ વ્હીલરને અથડાવ્યા પછી ઊભા રહેનારને હવે ‘વેદિયા’ કે ‘દોઢ ડાહ્યા’ કહેવાય છે. ઊલટાના અથડાયા પછી વાહનચાલક ગાળ બોલીને કે ગંદા ઈશારા કરીને ભાગી જાય ત્યારે વાગવાની પીડા ઓછી અને અપમાનિત થયાની પીડા વધુ હોય એવું પણ બને છે. હાઈવે ઉપર ક્યારેક ગાય, ભેંસ કે બકરીને વાહન અથડાય ત્યારે જેટલો હોબાળો અને ધમાધમ થાય છે કે જેટલું વળતર આપવું પડે છે એવું કાેઈ માણસને અથડાય ત્યારે કરવું જોઈએ કે કરવું પડે એવું માણસને પોતાને જ લાગતું નથી!
વાહન અકસ્માતનાં મુખ્ય કારણો સ્ટ્રેસ અને ઉતાવળ છે. આપણે બધા એક વિચિત્ર પ્રકારની રેટ રેસમાં દાખલ થયા છીએ. દોડતા ઉંદરડાઓમાંથી પહેલું કોણ પહોંચે એનું મહત્ત્વ આમ જોવા જાઓ તો કાંઈ નથી, કારણ કે બધા અંતે ઉંદરડા જ છે. પૈસા કમાવાની, ટાર્ગેટ અચીવ કરવાની, સામેનાને પછાડી દેવાની હોડ, ઘડિયાળને પાછળ છોડીને સમયની આગળ નીકળવાની આપણા બધાની ભૂખ આ અકસ્માતોનું કારણ છે. સિગ્નલ કે વન-વે, યુ ટર્નના કાયદા ન પાળવા એ તો જાણે આપણા માટે બહાદુરી છે. ત્રણ મિનિટ કે દસ રૂપિયાનું પેટ્રોલ બચાવવા માટે આપણે જીવ જોખમમાં મૂકતા થયા છીએ, ફક્ત પોતાનો જ નહીં રસ્તે ચાલતા અનેક લોકોના જીવ. અકસ્માતોનું બીજું કારણ વાહન અને સ્પીડનો નશો છે. સમજણ આવે એ પહેલાં વાહન આપી દેવામાં આવે છે. એને કારણે આજની યુવા પેઢીને વાહનની સગવડ કરતાં એનો નશો વધુ આકર્ષે છે. ફિલ્મ, ટીવીમાં દર્શાવાતા સ્ટ્રીટ રેસનાં દૃશ્યો કે ચેઝિંગ ખરેખર તો વીએફએક્સથી ઊભી કરવામાં આવે છે. આ વાતને નહીં સમજતા બી કે સી ટાઉનના યુવાનો (ખાસ કરીને છોકરાઓ) વાહનને બેફામ દોડાવે છે. ફિલ્મી હીરોની જેમ બ્રેક મારે છે, સ્કિડ કરે છે. આમાં એમના જીવને તો ખતરો છે જ, પરંતુ એમની સાથે રસ્તા પર ચાલતા અને વાહન ચલાવતા અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે.
હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકો જો ગણીએ તો જ સમજાય. ઝોમેટો અને સ્વિગી, ડોમિનોઝ જેવા ફૂડ ડિલિવરીના કામ કરતા નવયુવાન છોકરાઓ એમની કંપનીએ આપેલું 30 મિનિટનું વચન પાળવા જે રીતે બેફામ વાહન ચલાવે છે એ પછી એમના અકસ્માત વખતે કંપની કેટલું વળતર આપે છે એની કોઈને ખબર છે ખરી? જે ઉંમરનો છોકરો અડધી રાતે ખાવાનું મગાવે છે, લગભગ એ જ ઉંમરનો છોકરો ખાવાનું ડિલિવર કરે છે. પોતાની જ ઉંમરના છોકરાને સર કહેવાનું, એની તોછડાઈ સહન કરવાની અને સામે જીવ જોખમમાં મૂકવાનો. આ એટલા માટે થાય છે, કરવું પડે છે, કારણ કે દેશમાં નોકરી, રોજગારી નથી. લગભગ દરેક યુવાનને ધીરુભાઈ બનવું છે, પરંતુ એ માટે પ્રયાસ કરતાં વધુ પ્રવાસની ઝડપ ઉપર ફોકસ વધતું જાય છે.
એક સમય હતો જ્યારે લોકો મહેનત કરીને વાહન ખરીદતા. એટલે એમના વાહનનું મૂલ્ય એમને ઘણું વધારે હતું. હવે એક ઘરમાં એકથી વધુ વાહન છે. રસ્તા પરનો ટ્રાફિક એટલો બધો વધી ગયો છે, કારણ કે ચાલીને જવું કે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવો એ બિલો ડિગ્નિટી, ડાઉન માર્કેટ કે મૂર્ખામી કહેવાય છે. ગલીને નાકે દૂધ લેવા જવા માટે પણ ટુ વ્હીલરનો ઉપયોગ કરનારા વધતા જાય છે.
મોબાઇલનો ઉપયોગ એ સૌથી મોટું કારણ છે. રસ્તે ચાલનાર અને વાહન ચલાવનાર બધા બેધ્યાનપણે મોબાઇલ વાપરે છે. વિશ્વનો કોઈ સંદેશો એવો નથી જે પાંચ-દસ મિનિટ રાહ ન જોઈ શકે, પરંતુ આપણે બધા એટલા ઉતાવળા અને અધીરા છીએ કે આપણને વાહન ચલાવતી વખતે મોબાઇલના મેસેજ વાંચવાનું પણ છૂટતું નથી. જીવના જોખમે ફોન પર વાત કરતાં કે ટુ વ્હીલર ચલાવતી વખતે એક હાથે મોબાઇલ વાપરતા યુવાનોને જોઈને હૃદય એક ધબકારો ચૂકી જાય, પણ એમનો ઓવર કોન્ફિડન્સ જ અકસ્માતનું કારણ બને છે. બસ ચલાવનારા હાઇવે પર બેફામ ડ્રાઈવિંગ કરે છે. ટ્રક ચલાવનારા તો શરાબ પીને ચલાવે, પણ યુવાનો ને ક્યારેક સ્ત્રીઓ પણ હવે શરાબ પીને વાહન ચલાવે છે. હાઈવે પર શરાબ પીને ચલાવવું એ કોઈ વટ પાડવાનું કે પોતે શરાબ પીને ગાડી ચલાવી શકે છે એ સાબિત કરવાનું એવું ઝનૂન છે જેની સામે આખી પોલીસ ફોર્સ ક્યારેક કશું કરી શકતી નથી.
એક કારણ એ પણ છે કે, મોટાભાગના લોકોને કાયદા પાળવાની આળસ છે. રોંગ પાર્કિંગ એ આપણો શોખ છે અને ઈગો પ્રોબ્લેમ પણ છે. આખો રસ્તો ભરી દે એવી રીતે રસ્તાની બંને તરફ કરેલાં પાર્કિંગ આપણે જોયા જ છે. હેલ્મેટ પહેરવાના કે પીયુસીના કાયદાની સામે આપણે જ્યારે આંદોલન કરીએ ત્યારે આપણે એટલું સમજવા તૈયાર નથી કે આ આંદોલન ‘સરકાર’ સામે નથી, આપણી સલામતી સામે છે. રસ્તા પર વાહન ચલાવવાના કાયદા આપણા માટે બનાવવામાં આવ્યા છે. એ પાળવા-નહીં પાળવાથી સરકારને શું ફાયદો થાય? આવો વિચાર આપણે કરતા જ નથી.
આપણને આપણા જીવની ચિંતા ન હોય તો એ આપણો અધિકાર છે. આપણને પગ કપાવવો હોય, હાથ કપાવવા હોય તો એ પસંદગી આપણી પોતાની હોઈ શકે, પરંતુ આપણે જ્યારે વાહન લઈને રસ્તા પર નીકળીએ છીએ ત્યારે એ ફક્ત આપણી નહીં બીજાની સલામતીનો પણ પ્રશ્ન છે, એ વાત કેવી રીતે નજરઅંદાજ કરી શકાય?
ખરેખર તો લાઈસન્સ આપતા પહેલાં 48 કલાક કોઈ પણ હોસ્પિટલની કેજ્યુઅલ્ટીમાં ફરજિયાત હાજરી નોંધાવ્યા પછી જ ડ્રાઈવિંગનો ટેસ્ટ આપી શકાય એવો કાયદો બનવો જોઈએ. લોહીલુહાણ માણસો અને એમના મૃત્યુ પછી કલ્પાંત કરતાં સગાંને જોઈને વાહનના સ્ટિયરિંગ પર આપોઆપ કાબૂ આવી જાય એવું મને લાગે છે.
[email protected]
X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી