ટેક બુક- હિમાંશુ કીકાણી / બેટરી વધુ ચલાવવી છે?

article by himanshu kikani

Divyabhaskar.com

Aug 12, 2019, 06:55 PM IST

ટેક બુક- હિમાંશુ કીકાણી
જમ્મુ અને કાશ્મીરમાંથી 370મી કલમ દૂર થઈ તેની સોશિયલ મીડિયા પરની ઉજવણીમાં કેટલાક મહત્ત્વના આંકડાઓ તરફ લોકોનું ધ્યાન ગયું હોય એવું લાગતું નથી. જેમ કે, આ રાજ્યની વસ્તી દેશની વસ્તીનો માંડ 1 ટકા જેટલો હિસ્સો છે, પણ કેન્દ્ર સરકાર તરફથી તેને કુલ ભંડોળમાંથી 10 ટકા જેટલી ફાળવણી કરવામાં આવતી હતી!
જેવું દેશમાં થતું હતું કે થાય છે એવું જ આપણા સ્માર્ટફોનમાં થતું હોય છે. આપણે સ્માર્ટફોનની બેટરી 100 ટકા ચાર્જ કરીએ ત્યાર પછી ફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ્ડ અથવા તો જરૂરિયાત પ્રમાણે આપણે પોતે ઇન્સ્ટોલ કરેલી વિવિધ એપ્સ આ બેટરીનો પોતપોતાની રીતે ઉપયોગ કરે છે. દેશના કિસ્સામાં, કાશ્મીર માટે ખર્ચ જરૂરી છે અને કેન્દ્ર સરકાર પોતે નક્કી કરે છે કે કયા રાજ્યને કેટલો ફાળો મળશે, પરંતુ સ્માર્ટફોનમાં બધી એપ પોતપોતાની રીતે પોતાને જોઇતો બેટરીનો ફાળો ખેંચી જ લે છે! કેટલીક એપનો આપણે બહુ ઓછો વપરાશ હોય છે, પરંતુ તે બેટરીનો ઉપયોગ કરવામાં અવ્વલ રહેતી હોય એવું બની શકે. આવી એપને ઓળખવી જરૂરી છે.
કેટલીક એપને લીધે ઘણી વાર એવું બને કે આપણને ફોનની બેટરી ધડાધડ ઊતરેલી જોઇને આંચકો લાગે કે હજી હમણાં તો 80-90 ટકા બેટરી ચાર્જ કરી હતી અને આટલી કેમ ઊતરી ગઈ? ફોનની બેટરી ઊતરવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ વિવિધ એપ્સ દ્વારા બેટરીનો ઉપયોગ એક મુખ્ય કારણ છે.
બની શકે કે આપણા ફોનમાં કોઈ એપ એવી હોય જેનો આપણે બહુ ખાસ ઉપયોગ ન કરતા હોઇએ પણ એ બેટરી જબરજસ્ત ખાતી હોય. આનો સામનો કરવા માટે આપણે એપ્સ પર નજર રાખવી પડે અને જોવું પડે કે ખરેખર કઈ એપ બેટરીનો કેટલો ઉપયોગ કરે છે.
એ માટે એન્ડ્રોઇડ કે ટેબ્લેટમાં તમે સેટિંગ્સમાં બેટરી સેક્શનમાં જઇ શકો અથવા સ્ક્રીનના ઉપરના છેડેથી બે આંગળીના લસરકે ક્વિક સેટિંગ્સ ઓપન કરીને તેમાં બેટરી કે બેટરી સેવરના આઇકન પર ક્લિક કરી શકો.
એટલું ધ્યાન રાખશો કે બેટરી સેક્શનના સ્ક્રીન પર, ફોન છેલ્લે ચાર્જ કર્યો હોય ત્યાર પછીની સ્થિતિ જોવા મળે છે. એટલે જો તમે ફોન સારો એવો ચાર્જ કર્યા પછી તરત જ આ સ્ક્રીનમાં જશો તો ખાસ કોઈ ઉપયોગી માહિતી મળશે નહીં. એટલે બેટરી પ્રમાણમાં ખાસ્સી ઊતરી ગઈ હોય તે પછી આ સ્ક્રીન જોશો તો જાણવા મળશે કે કઈ એપ બેટરીનો કેટલો ઉપયોગ કરી રહી છે.
અહીંથી આગળ જવા માટે અમુક ફોનમાં સ્ક્રીન પર ઉપરના ભાગે જ બેટરી યુઝેજનું બટન જોવા મળશે, તો કેટલાક ફોનમાં ઉપર જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કર્યા પછી તે સેક્શનમાં જઈ શકાશે. અહીં તમે કઈ એપ કેટલા ટકા બેટરીનો ઉપયોગ કરી રહી છે તે જોઇ શકશો, તેમજ જે તે એપ પર ક્લિક કરીને તેમાં બેટરી ઓપ્ટિમાઇઝેશન (એટલે કે એપની જરૂર ન હોય ત્યારે તે બેટરીનો ઉપયોગ ન કરે તેવું સેટિંગ) ઓન છે કે નહીં તે પણ તપાસી શકશો.
[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી