સાયબર સફર- હિમાંશુ કીકાણી / ગેમિફિકેશનની ટેક્નોલોજી

article by himanshu kikani

Divyabhaskar.com

Aug 08, 2019, 05:37 PM IST

સાયબર સફર- હિમાંશુ કીકાણી
અગાઉ (અને કદાચ હજી પણ!) નાનું છોકરું ખાવા-પીવામાં કજિયા કરે ત્યારે મમ્મી એને ખવડાવવામાં રમતની ગમ્મતનો ટ્વિસ્ટ ઉમેરે. કોળિયો હવામાં ઊડીને આવતું પ્લેન બને અને છોકરું હોંશે હોંશે કોળિયા ભરવા લાગે!
કોઈ પણ ન ગમતી પ્રવૃત્તિને રમતનું સ્વરૂપ આપીને ધાર્યાં પરિણામ લાવવાનો આ કન્સેપ્ટ - ગેમિફિકેશન - આજના ટેક્નોલોજી યુગમાં નવાં નવાં સ્વરૂપ લઈ રહ્યો છે. ગેમિફિકેશનનો ઉપયોગ ટેક્નોલોજી પૂરતો સીમિત નથી, પણ ટેક્નોલોજીની મદદથી ગેમિફિકેશન ઘણું વધુ સહેલું અને અસરકારક બની રહ્યું છે એ નક્કી.
તમે સ્કૂલમાં હો, કોલેજમાં હો કે કરિયરમાં નવી નવી ઊંચાઈઓ સર કરવા લાગ્યા હો, તમે ગેમિફિકેશનનાં વિવિધ સ્વરૂપના પરિચયમાં આવ્યા જ હશો, પણ કદાચ તેના તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. અત્યારે ફિટનેસ એપ, મ્યુઝિક કે અન્ય કોઈ પણ બાબત શીખવતી એપ્સ, ઇ-લર્નિંગ કન્ટેન્ટ વગેરે તમામમાં ગેમિફિકેશનનો કન્સેપ્ટ ધૂમ
મચાવી રહ્યો છે.
સ્ટેપ, સેટ, ગો (https://www.stepsetgo.com/) નામની એક ફિટનેસ એપની ટેગલાઇન જ એ છે કે તે, ભારતની પહેલી એપ છે, જે તમને ફિટ રહેવા બદલ ઇનામ આપે છે! તમારે આ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરીને જ્યારે મરજી પડે કે મોકો મળે ત્યારે ચાલવા નીકળી પડવાનું. દર એક હજાર ડગલાં માટે તમને એક સ્ટેપ, સેટ, ગો કોઈન મળે. ખુલ્લા વાતાવરણમાં ચાલવા નીકળો તો તેનો પા કોઇન વધુ મળે. આવા કોઇન્સ એકઠા કરવા અને પછી ‘સ્ટેપ, સેટ, ગો બાઝાર’માં આ કોઇન્સથી મનગમતી ચીજવસ્તુ ખરીદી શકાય! ડોક્ટરે ચાલવાનું કહ્યું હોય તો એ સલાહ કદાચ ન માનીએ, આવી વાત જાણી-વાંચીને ચાલવાનો ચોક્કસ ઉત્સાહ જાગે. એ જ કારણે લગભગ બધી ફિટનેસ એપ સોશિયલ મીડિયાની ગરજ પણ પૂરી કરી છે. તમે ચાલો અને પોતાનો સ્કોર સૌ સાથે શેર કરો.
સાદી વાતનું ગેમિફિકેશન કરવાનો ફાયદો છે કે તેનાથી યૂઝરને વધુ સારી રીતે એન્ગેજ કરી શકાય છે, યૂઝર પોતે ગોલ સેટ કરી શકે છે, તેને ચેલેન્જ મળતાં કરી બતાવવાનો ઉત્સાહ જાગે છે, ટાર્ગેટ્સ નક્કી કર્યા પછી તેને અચીવ કરવાનું પ્રોત્સાહન મળે છે અને છેવટે ખરેખર રિવોર્ડ્સ મળે છે.
બાળકોને અભ્યાસમાં મદદ કરતી ઘણી એપ કે વેબ સર્વિસીઝ લર્નિંગ કન્સેપ્ટ્સને પણ આ રીતે ગેમમાં ફેરવી નાખે છે. ઘણી કોર્પોરેટ કંપનીઝ પોતાના કર્મચારીઓને ફિટ અને એક્ટિવ રાખવા તેમની વચ્ચે ફિટનેસ કોમ્પિટિશન યોજે છે. એમાં જજ કે રેફરીનું કામ સંભાળે છે સ્માર્ટફોનની એપ્સ. કર્મચારીઓએ ચોક્કસ ફિટનેસ એપનો નિશ્ચિત દિવસ માટે ઉપયોગ કરવાનો, એ સમયગાળામાં સૌથી વધુ ડગલાં ચાલનાર કર્મચારી કે કલેક્ટિવલી, જે તે ડિપાર્ટમેન્ટની ટીમ જીતે! સારી રીતે કામ થાય, સ્વાસ્થ્ય જળવાય અને છતાં કંટાળો ન જાગે!
સૌને આવી રમત રમવી ગમે છે, પણ ગેમિફિકેશનની પ્રોસેસ રમતવાત નથી. તેમાં જુદી જુદી ઘણી ચેલેન્જ છે. સૌથી પહેલાં તો આખી વાત ખરેખર માત્ર મસ્તીની વાત બનવી ન જોઈએ. મૂળ મુદ્દા સાથેનું કનેક્શન તો રહેવું જ જોઈએ. એ પછી તેમાં ટાર્ગેટ્સ સેટ કરવા, પ્રોગ્રેસ યોગ્ય રીતે ટ્રેક કરવી, એક જ મુદ્દા કે પ્રોજેક્ટમાં સંકળાયેલા લોકો વચ્ચે રમાતી ‘ગેમ’માં સૌ વચ્ચેની હરીફાઇ શક્ય બનાવવી, તેને સૌ માટે પારદર્શક બનાવવી અને છેવટે ગેમના વિજેતા નક્કી કરવાની રીત નક્કી કરી, વિજેતા જાહેર કરવા અને તેમને ઇનામ આપવા આ બધું આજની ટેક્નોલોજી ઘણું સહેલું બનાવી દે છે.
એટલે હવે પછી આવી કોઈ ‘ગેમ’માં ભાગ લો ત્યારે તેની પાછળનાં આ પાસાંઓનો પણ વિચાર કરજો અને નસીબજોગે, ટેક્નોલોજી-ડ્રિવન ગેમિફિકેશનની પ્રોસેસમાં સંકળાવાની તક મળે, તો એની મજા પણ લૂંટજો!
www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી