ટેક બુક / ‘જીરો-નોલેજ સ્ટોરેજ’

article by himanshu kikani

ડેટા સલામત રાખતી, જરા જુદા પ્રકારની સર્વિસીઝથી તમે વાકેફ છો ખરા?

હિમાંશુ કીકાણી

May 27, 2019, 07:00 PM IST

વેકેશન દરમિયાન તમે ક્યાંય ટૂર પર ગયા હતા? હોટેલ પર પહોંચી, ફ્રેશ થઈને તમે સાઇટ-સીઇંગ માટે નીકળ્યા હશો ત્યારે રૂમને લોક કરી, ચાવી (કે કી-લેસ કાર્ડ) તમે ખિસ્સામાં નાખતા હશો અને કાં તો રિસેપ્શન પર આપી દેતા હશો. હોટેલ સારી હોય તો આપણા ગયા પછી, હોટેલનો ક્લિનિંગ સ્ટાફ આપણા રૂમની સફાઇ કરી લે, કેમ કે તેની પાસે રૂમની આપણી કી અથવા માસ્ટર કી હોય. હવે ધારો કે કોઈ ચોર, હોટેલના રિસેપ્શન પર હાથ મારી શકે અને ત્યાંથી આપણી કી મેળવી શકે, તો એ પણ આપણા રૂમની સફાઈ કરી શકે – જુદી રીતે!
લગભગ તમામ પ્રકારનાં ઓનલાઇન એકાઉન્ટ્સમાં આવું જ બનતું હોય છે. આપણે એ એકાઉન્ટમાં (રૂમમાં!) આપણી ખાનગી માહિતી સ્ટોર કરીએ, પણ જ્યારે એકાઉન્ટ બનાવીને આપણો પાસવર્ડ પસંદ કરીએ ત્યારે એ પાસવર્ડની એક કોપી, એ સર્વિસમાં સ્ટોર થાય છે, જેથી આપણે જ્યારે પણ પોતાનો પાસવર્ડ આપીને પોતાના એકાઉન્ટમાં લોગિન થઈએ ત્યારે આપણો પાસવર્ડ અને સર્વિસમાંની કોપીનો તાળો મળે તો જ આપણે તેમાં લોગિન થઈ શકીએ.
મોટા ભાગની સારી સર્વિસ આવી રીતે યૂઝર્સના પાસવર્ડ એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સ્ટોર કરતી હોય છે, જેથી ગમે તે વ્યક્તિ તેને વાંચી ન શકે, પરંતુ હમણાં બહાર આવ્યું હતું કે ફેસબુકે પણ પાર વગરના યૂઝર્સના પાસવર્ડ પ્લેન ટેક્સ્ટ સ્વરૂપે સ્ટોર કર્યા હતા.
જ્યારે આપણું એ ઓનલાઇન એકાઉન્ટ, આપણી ફાઇલ્સના સ્ટોરેજ માટે હોય ત્યારે આવી ખામી વધુ ગંભીર બની જાય.
આના ઉપાય તરીકે હવે ‘જીરો નોલેજ સ્ટોરેજ’ નામની વ્યવસ્થા વિકસી છે!
ફરી હોટેલની રૂમનું ઉદાહરણ આગળ વધારીએ, તો હોટેલના લોક ઉપરાંત, રૂમના દરવાજે આપણે પોતાનું, જૂનું ને જાણીતું તાળું (ધર્મશાળાના ઓરડાની જેમ!) પણ મારી શકીએ, તો એની કોપી હોટેલ પાસે હોય જ નહીં એટલે રિસેપ્શન પરથી આપણી ચાવી ચોરાવાનો સવાલ જ ન રહે.
બરાબર આ જ કન્સેપ્ટ ‘જીરો નોલેજ સ્ટોરેજ’ સર્વિસીઝમાં અપનાવવામાં આવે છે. તેમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી દાખલ થવા માટે આપણે પાસવર્ડ આપવાને બદલે, ‘કોઈક રીતે’ ફક્ત એટલું સાબિત કરવાનું હોય છે કે આપણે પાસવર્ડ જાણીએ છીએ. આ વાત ટેક્નિકલી અહીં લખી એટલી સહેલી નથી, બહુ જટિલ છે, પણ મુદ્દો એ છે કે પાસવર્ડની કોપી જ ન હોય તો, એ સર્વિસ પાસેથી હેકર્સ કે સરકાર – કોઈ આપણા એકાઉન્ટમાંનો ડેટા ઓકાવી ન શકે, કેમ કે ડેટા પોતે એન્ક્રિપ્ટેડ હોય ને એ તાળાની ચાવી ફક્ત આપણી પાસે હોય!
અલબત્ત, આવી સર્વિસમાં જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ તો પોતાનો ડેટા કાયમ માટે ભૂલી જવો પડે. ‘જીરો નોલેજ સ્ટોરેજ’ અન્ય સાદી ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ કરતાં ધીમી પણ હોય છે. છતાં તમને તમારો ડેટા જડબેસલાક રીતે, ઓનલાઇન સ્ટોર કરવામાં રસ હોય તો sync.com, pCloud.com, tresorit.com વગેરે તપાસી જુઓ. ⬛[email protected]

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી