સાયબર સફર- હિમાંશુ કીકાણી / વોકેબીફાય કરો!

article by himanshu kikani

Divyabhaskar.com

Jan 09, 2020, 04:08 PM IST
સાયબર સફર- હિમાંશુ કીકાણી
જુદાં જુદાં કારણસર સતત વિવાદમાં રહેતા, તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર તેમના ફાંકડા અંગ્રેજી માટે પણ ખાસ્સા જાણીતા છે. જો તમને અંગ્રેજી ભાષામાં ઊંડો રસ હોય તો યુ ટ્યૂબ પર વિવિધ વિષયો પરની તેમની સ્પીચ સાંભળવી એ એક લહાવો છે. એમની અભિવ્યક્તિની આવડત તો કાબિલે તારીફ છે જ, પણ એમનું શબ્દભંડોળ એટલે કે વોકેબ્યુલરી ખરેખર ગજબ છે.
એમને એક વાર સાંભળો તો તમને પણ તમારી વોકેબ્યુલરી ઠીક ઠીક વિસ્તારવાનો, શશી થરૂરના શબ્દોમાં યુફોરિયા કે ઇલેશન અને આપણી ગુજરાતીમાં ઉધમ (ગુજરાતી ભાષાનો વૈભવ પણ અનેરો છે!) ચઢે જ ચઢે.
આજના સમયમાં, વાંચનની ભૂખ જગાવવાના અને શબ્દભંડોળ વધારવાના અનેક રસ્તા છે. અખબારો કે પુસ્તકો ઉપરાંત ઇન્ટરનેટ પર ટેડ ટોક્સ કે યુ ટ્યૂબમાં જુદા જુદા લોકોની સ્પીચના વિડિયો સાંભળીને પણ ઘણું શીખી શકાય.
એવો એક રસ્તો, ઇન્ટરનેટ પર કંઈ ને કંઈ નવું વાંચીએ ત્યારે તેની સાથોસાથ નવા નવા શબ્દો વિશે શીખવાનો પણ છે. આ કામ મોબાઇલ કરતાં પીસી પર વધુ સહેલું બને છે, કેમ કે તેમાં ફાયરફોક્સ કે ગૂગલ ક્રોમ જેવા બ્રાઉઝરમાં આપણે વિવિધ એક્સ્ટેન્શન ઉમેરીને તેનો લાભ લઈ શકીએ છીએ.
જો તમે તમારું અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ સતત વિસ્તારવા માગતા હો અને તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હો તો તેમાં વોકેબીફાય (Vocabify) નામનું એક એક્સ્ટેન્શન ઉમેરવા જેવું છે.
એ માટે, પીસીમાં ગૂગલ ક્રોમ ઓપન કરો અને તેમાં https://chrome.google.com/webstoreમાં જાઓ. અહીં સર્ચ બોક્સમાં વોકેબીફાય સર્ચ કરતાં, તેનું એક્સ્ટેન્શન જોવા મળશે. તેના માટે ‘એડ ટુ ક્રોમ’ બટન પર ક્લિક કરો (તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન નહીં હો તો એમ કરવા કહેવામાં આવશે).
હવે ક્રોમના એડ્રેસ બારની જમણી બાજુ વોકેબીફાયનો ‘વી’ લખેલો એક આઇકન ઉમેરાઈ જશે. તેને ક્લિક કરીને વોકેબીફાયની વેબસાઇટ પર જાઓ. અહીં તમને ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન કરવા કહેવામાં આવશે, અથવા તમે ફક્ત ઈ-મેઇલ આપીને નવું એકાઉન્ટ ખોલાવી શકો છો.
હવે તમે જુદા જુદા શબ્દોના કઈ ભાષામાં અર્થ જાણવા માગો છો તે કહી દો. અહીં ગુજરાતીનો વિકલ્પ પણ મળે છે, પણ આપણી ભાષામાં આ સર્વિસનું શબ્દભંડોળ બહુ સારું લાગતું નથી, હિન્દીનો વિકલ્પ પસંદ કરવો ઠીક રહેશે! તમે ઇંગ્લિશ પણ રાખી શકો છો.
એ ઉપરાંત, એ શબ્દનો અર્થ કયા સ્રોત(સોર્સ!)માં બતાવવામાં આવે તે નક્કી કરી શકાશે. એક વિકલ્પ ઓક્સફર્ડ ડિક્શનરીનો છે, ફક્ત તેને પણ પસંદ કરી શકાય.
હવે તમે રોજિંદી રીતે કોઈ પણ વેબપેજ સર્ફ કરતા રહો અને તેમાં જે શબ્દ જરા અજાણ્યો લાગે તેને માઉસથી સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરો.
એક મેનૂ ખૂલશે અને તેમાં ‘લુક અપ વિથ વોકેબીફાય’નો વિકલ્પ જોવા મળે, તેને ક્લિક કરો.
આથી, એ શબ્દનું એક કાર્ડ વોકેબીફાયના પેજ પર ઉમેરાઈ જશે. વોકેબીફાયના આઇકન પર ક્લિક કરી, તેના પેજ પર જતાં આપણે ઉમેરેલા શબ્દનો ઉચ્ચાર, આપણે પસંદ કરેલી ભાષામાં અનુવાદ તથા અંગ્રેજીમાં એ શબ્દની વિગતવાર સમજ જોવા મળશે!
આ કામ ગ્રામરલી કે ગૂગલ ડિક્શનરીના એક્સ્ટેન્શનથી પણ થાય, પણ વોકેબીફાય આપણે પસંદ કરેલા શબ્દોની હિસ્ટ્રી પણ આપણને બતાવે છે, એ તેનો મોટો ફાયદો છે!
www.cybersafar.com
X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી