સાયબર સફર- હિમાંશુ કીકાણી / વર્ષારંભે, નવું વિચારો!

article by himanshu kikani

Divyabhaskar.com

Jan 02, 2020, 12:05 PM IST
સાયબર સફર- હિમાંશુ કીકાણી
નવા વર્ષના પ્રારંભે આપણને સૌને જીવનને નવેસરથી ગોઠવવાનો ઉત્સાહ જાગતો હોય છે. અગાઉના સમયમાં એ માટે આપણે નવીનક્કોર ડાયરી લઈ આવતા. હવે સમય બદલાયો છે એટલે આપણે ડિજિટલ ટુ-ડુ લિસ્ટ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટની સગવડ આપતી નવી સર્વિસ પર હાથ અજમાવીએ છીએ.
રીત કોઈ પણ હોય, જો આપણે આપણા કામને અને વિચારોને ખરેખર યોગ્ય ક્રમમાં, યોગ્ય અગ્રતા અનુસાર ગોઠવી શકીએ અને પૂરી નિષ્ઠાથી તેના પર અમલ કરી શકીએ તો કોઈ પણ બાબતમાં ધારી સફળતા મેળવવી ખરેખર સહેલી બને છે. સવાલ માત્ર વિચારો અને કામના અગ્રતાક્રમને ગોઠવવાનો અને પછી જાળવવાનો છે.
જો આ માટે તમે જુદી જુદી એપ્સની અજમાયશ કરી ચૂક્યા હશો તો દરેકમાં તમને કંઈક ને કંઈક ખૂટતું લાગતું હશે. તમે આવી કોઈ સર્વિસ પર પૂરેપૂરો તમારો જ કંટ્રોલ હોય એવું ઇચ્છતા હો તો અજમાવવા જેવી એક સર્વિસ કે એપ છે વર્કફ્લોઈ- www.workflowy.com.
આ સર્વિસ ટાસ્ક મેનેજમેન્ટના કન્સેપ્ટમાં ધરમૂળથી પરિવર્તન લાવે છે. એ આપણને એક બિલકુલ કોરી પાટી આપે છે. તેમાં આપણે પૂરેપૂરી આપણી મરજી અનુસાર, આપણે કરવાનાં કામ, તે વિશેની જરૂરી માહિતી અને આપણા વિચારોને ગોઠવી શકીએ છીએ. પછી જ્યારે જરૂર પડે ત્યારે, જેના પર ફોકસ કરવાનું હોય બરાબર એ જ મુદ્દા પર ફોકસ કરી શકીએ છીએ. આ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી આપણને એક બ્લેન્ક ડોક્યુમેન્ટ મળે છે. તેમાં આપણે બુલેટેડ લિસ્ટ તૈયાર કરી શકીએ છીએ. દરેક બુલેટેડ લિસ્ટમાં ઇચ્છીએ તેટલા પેટા મુદ્દાઓ ઉમેરી શકીએ છીએ. આ એક ખરેખર પાવરફુલ કન્સેપ્ટ છે. માની લો કે તમે આ સર્વિસમાં સૌથી પહેલાં બે જ બુલેટેડ પોઇન્ટ લખ્યા – પર્સનલ અને વર્ક. આપણું જીવન મોટે ભાગે આ બે ભાગમાં જ વહેંચાયેલું હોય છે. હવે વર્ક બુલેટેડ પોઈન્ટ નીચે બીજા સબ-પોઇન્ટ્સ ઉમેરો. માની લો કે તમારો કોઈ બિઝનેસ છે તો તમે જુદા જુદા ક્લાયન્ટ્સનાં નામ સબ-પોઇન્ટ્સ તરીકે ઉમેરી શકો. એ દરેક ક્લાયન્ટ તરફથી આવતું કામ સબ-સબ પોઇન્ટ તરીકે ઉમેરી શકો. હજી આગળ વધતાં, એ દરેક કામને સંબંધિત માહિતી પણ સબ-સબ-સબ-પોઇન્ટ તરીકે ઉમેરી શકો. આ રીતે લિસ્ટને ધારીએ એટલું વિસ્તારી શકીએ છીએ! આ દરેક પોઇન્ટમાં તમે હેશટેગ સાથે #meeting, #to-purchase જેવા ટેગ ઉમેરી શકો. એ જ રીતે #d_2020-01-26 જેવા કોઈ ચોક્કસ ફોર્મેટમાં તારીખ પણ ઉમેરી શકો. આવા હેશટેગ સર્ચ કરતાં, માત્ર તેને સંબંધિત માહિતી સ્ક્રીન પર રહેશે. હેપ્પી ઓર્ગેનાઇઝ
ન્યૂ યર!
www.cybersafar.com
X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી