સાયબર સફર- હિમાંશુ કીકાણી / તમને ઓછું સંભળાય છે?

article by himanshu kikani

Divyabhaskar.com

Dec 12, 2019, 03:21 PM IST

સાયબર સફર- હિમાંશુ કીકાણી
જે વ્યક્તિને ઓછું સંભળાતું હોય એની આસપાસના લોકોને વાતવાતમાં રમૂજનાં ઘણાં કારણો મળે, પણ ઓછું સાંભળતી વ્યક્તિનું જીવન ધીમે ધીમે મુશ્કેલ બનતું જતું હોય. ઓછું સંભળાતું હોય એટલે ભર્યા પરિવાર વચ્ચે હોય તોપણ ધીમે ધીમે વધુ ને વધુ એકલવાયાપણું લાગે. સૌની વાતચીત પૂરી સંભળાય નહીં એટલે મન હોય તોપણ વાતમાં રસ લઈ શકે નહીં. ટીવીનો વોલ્યૂમ વધારવા જતાં બીજાને તકલીફ થાય એટલે મન પરોવવાની એ દિશા પણ ધીમે ધીમે બંધ થાય.
ઓછું સાંભળવામાં મદદરૂપ થતાં હિયરિંગ એઇડ્સ, બસો-પાંચસો રૂપિયા(ચાઇનીઝ માર્કેટમાં)થી માંડીને લાખોની પ્રાઇસ રેન્જમાં મળે છે. એમાં તકલીફ એ કે કિંમત ઓછી હોય તો ક્વોલિટી ખરાબ હોય અને સારી ક્વોલિટી દરેકને પરવડે તેમ ન હોય! મોંઘાં હિયરિંગ એઇડ લીધા પછી પણ ફાવે નહીં એવું બની શકે છે.
ગૂગલ કહે છે કે અત્યારે દુનિયામાં 46.6 કરોડ જેટલા લોકોને સાંભળવાની તકલીફ છે અને આ સંખ્યા ખાસ્સી ઝડપથી વધી રહી છે.
આ આખી વાતમાં નવી ટેક્નોલોજી આશાનું કંઈક કિરણ જેવું આપે છે.
ગૂગલે ‘સાઉન્ડ એમ્પ્લિફાયર’ નામની એક એપ વિકસાવી છે. આ એપ ઓછું સાંભળી શકતી વ્યક્તિને આસપાસના ઘોંઘાટ વચ્ચે, તેમણે જે સાંભળવું છે તે પ્રમાણમાં વધુ સ્પષ્ટ રીતે સાંભળવામાં મદદ કરી શકે છે.
સામાન્ય રીતે વોઇસ સંબંધિત બધી એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી ફોનમાંની ફાઇલ્સ કે એપ્સ-સાઇટમાંના વોઇસ સાંભળવામાં ઉપયોગી થાય, પણ આ એપ આસપાસના વાસ્તવિક જગતના અવાજને વધુ સ્પષ્ટ રીતે સાંભળવામાં મદદરૂપ થાય છે. તે ઘોંઘાટભર્યા વાતાવરણમાં સામેની વ્યક્તિનો અવાજ વધુ સારી રીતે સાંભળવામાં મદદ કરી શકે છે.
ગૂગલે આ એપ ગયા વર્ષે લોન્ચ કરી હતી, ત્યારે તે માત્ર એન્ડ્રોઇડ 9 વર્ઝનમાં જ ચાલતી હતી. આ વર્ષે તે એન્ડ્રોઇડ 6 અને ત્યાર પછીના વર્ઝન માટે પણ ઉપલબ્ધ થઈ છે.
આ એપ અજમાવી જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી આ એપ (Sound Amplifier, Google LLC) ઇન્સ્ટોલ કરો. એ પછી ફોનના સેટિંગ્સમાં ‘એક્સેસિબિલિટીઝ’ મેનુ સર્ચ કરો. તેમાં ‘સાઉન્ડ એમ્પ્લિફાયર’ શોધીને તેને ઓન કરો.
એપનો લાભ લેવા માટે તમારે ફોનમાં વાયર્ડ હેડફોન લગાવવા પડશે. એટલું ખાસ યાદ રાખશો કે તમને બરાબર સંભળાતું હોય તો આ એપની અજમાયશ કરશો નહીં, કાનમાં ધાક પડી શકે છે. (જાત અનુભવ છે!)
આ એપ મશીન લર્નિંગની મદદથી, બેકગ્રાઉન્ડ નોઇસ ઘટાડીને, આપણે જે સાંભળવો હોય તે જ અવાજ એમ્પ્લિફાય એટલે કે મોટો કરી આપે છે.
એપ ઓપન કર્યા પછી તેમાં પ્લે બટન ક્લિક કરો. એપમાં તમે તમારી રીતે સાઉન્ડ, નોઇસ(આજુબાજુનો અવાજ) અને અવાજના સોર્સમાં તમારી રીતે ફેરફાર કરી શકો છો. તમે બંને કાન માટે અલગ અલગ સેટિંગ પણ કરી શકો છો.
તમને કેવું સેટિંગ માફક આવશે એ તમારે જાતે જ થોડા અખતરા કરીને નક્કી કરવું પડશે. સેટિંગ્સ બહુ ઝાઝાં નથી, સરળ છે, પણ દરેક વ્યક્તિ માટે તેની પોતાની અનુકૂળતા મુજબ સેટિંગ જરૂરી છે.
મને પોતાને સાંભળવાની તકલીફ નથી કે હું આ વિષયનો નિષ્ણાત પણ નથી, એટલે એપ ખરેખર ઉપયોગી થશે કે નહીં એ વિશે ખાતરીબદ્ધ રીતે કહી શકું તેમ નથી. તમને ઓછું સંભળાતું હોય છતાં આ એપ ઉપયોગી ન થાય એવું પણ બની શકે.
એપલ અને ગૂગલના પ્લે સ્ટોરમાં આ પ્રકારની બીજી એપ્સ પણ ઉપલબ્ધ છે, પણ ગૂગલ પાસે જે પ્રકારની ટેક્નોલોજી અને ડેટા છે તે જોતાં, આ એપ આશાનું કિરણ ચોક્કસ બની શકે તેમ છે. તમારા નજીકમાં કોઈ જરૂરિયાત મંદ હોય તો તેમનું ધ્યાન જરૂર દોરજો.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી