સાયબર સફર- હિમાંશુ કીકાણી / ‘રિફર્બિશ્ડ’ લેપટોપ લેવાય?

article by himanshu kikani

Divyabhaskar.com

Dec 04, 2019, 04:39 PM IST
સાયબર સફર- હિમાંશુ કીકાણી
આજના સમયમાં પરિવારના દરેક સભ્ય માટે ટેક સાધનોની જરૂરિયાત સતત વધતી જાય છે અને તેની સામે આપણું બજેટ જો એટલું જોર ન કરતું હોય, તો આપણે નવાંનક્કોર સાધનોના વિકલ્પો તરફ નજર દોડાવવી પડે. આવો એક વિકલ્પ એટલે ‘રિફર્બિશ્ડ’ સાધન.
હવે સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ જેવાં સાધનોની પણ ઓનલાઇન ખરીદી વધી ગઈ છે ત્યારે જો તમે વિવિધ શોપિંગ સાઇટ્સ પર જુદી જુદી કંપનીનાં જુદાં જુદાં લેપટોપ મોડલ્સ પર નજર ફેરવતા હો ત્યારે ક્યારેક એવું બની શકે કે એકસરખાં સ્પેસિફિકેશન ધરાવતા, એક જ કંપનીના એક જ મોડેલની કિંમતમાં જુદી જુદી સાઇટ પર ઘણો મોટો તફાવત જોવા મળે.
આપણે શૂટિંગ શર્ટિંગનું કાપડ ખરીદી રહ્યા હોઇએ ત્યારે વેપારી બે કાપડના ભાવફેરને હળવા સ્મિત સાથે ‘એ તો ક્વોલિટીમાં ફેર હોય ને!’ એમ કહીને સમજાવી દે, પણ લેપટોપ જેવા ડિવાઇસીસની બાબતમાં સ્પેસિફિકેશન્સ એક જ હોવા છતાં મોટો ભાવફેર આપણા દિમાગમાં ઊતરે નહીં એ સ્વાભાવિક છે. આવા સમયે આપણને પહેલી શંકા એવી જાગે કે ઓછી કિંમતનું મોડેલ ડુપ્લિકેટ કે સેકન્ડહેન્ડ હશે!
વાસ્તવમાં આવું જ હોય છે, જરા ફેર સાથે. મોટા ભાગની પ્રતિષ્ઠિત ઓનલાઇન સાઇટ્સ આવી ઓછી કિંમતનાં મોડેલ્સ માટે ‘રિફર્બિશ્ડ’ અથવા તો ‘રિન્યૂડ’ શબ્દનો ઉલ્લેખ કરવાનું ચૂકતી નથી.
રિફર્બિશ્ડ ડિવાઇસ હંમેશાં જૂનું અને વપરાયેલું જ હોય એવું જરૂરી નથી. ઘણા કિસ્સામાં રિટેઇલર પાસેથી કે ઓનલાઇન લેપટોપ ખરીદ્યા પછી ખરીદનારને તેમાં કોઈ નાની કે મોટી ખામી ધ્યાનમાં આવે અને લેપટોપ હજી તેના ‘રિટર્ન પિરિયડ’માં હોય તો તે રિટેઇલર અને તેના દ્વારા મેન્યુફેક્ચરરને પરત મોકલી શકે છે. આ સંજોગમાં રિટેઇલર અથવા મેન્યુફેક્ચરર એ ડિવાઇસની ખામી સુધારીને તેને પરત વેચાણમાં મૂકે છે અને ત્યારે તેને ‘રિફર્બિશ્ડ’ કે ‘રિન્યૂડ’ એવું લેબલ લગાવે છે.
ક્યારેક એવું પણ બની શકે કે લેપટોપમાં કોઈ ખામી હોય જ નહીં, માત્ર ખરીદનારને ખરીદ્યા પછી તેના સ્પેસિફિકેશન પોતાના ઉપયોગને અનુકૂળ ન લાગે અને વેચનારની પોલિસી પ્રમાણે તે રિટર્ન કરી શકે તેમ હોય તો નવેનવું લેપટોપ એ રિટર્ન કરી શકે છે. કેટલીક ખરેખર પ્રતિષ્ઠિત ઓનલાઇન સાઇટ્સ આવા લેપટોપને પણ નવા તરીકે પરત વેચવા મૂકવાને બદલે રિફર્બિશ્ડ મોડેલ તરીકે વેચવા મૂકે છે.
ખામીવાળાં અને પછી સુધારવામાં આવેલાં કે પછી કોઈ ખામી વિનાનાં પરત ફરેલાં લેપટોપ (જેને ‘અનબોક્સ્ડ’ આઇટમ પણ કહેવામાં આવે છે)ને પ્રોફેશનલ ટેક્નિશિયન દ્વારા ચકાસીને અને મેન્યુફેક્ચરિંગ કંપનીની ક્વોલિટી ચેકિંગ પ્રોસેસમાંથી પસાર કર્યા પછી ફરી વેચવામાં આવે તેને જ સામાન્ય રીતે રિફર્બિશ્ડ કહેવામાં આવે છે. કમનસીબે રિફર્બિશ્ડ મોડેલની વ્યાખ્યા આવી સીમિત રહી નથી. લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાયા પછી વેચવામાં આવેલું લેપટોપ જુદા જુદા હાથમાં ફરીને કે સીધેસીધું રિટેઇલ કે ઓનલાઇન સેલર સુધી પહોંચે ત્યારે એ પણ પ્રોફેશનલ દ્વારા રિપેરિંગ પછી રિફર્બિશ્ડ કે રિન્યૂડ તરીકે પરત વેચવા મૂકવામાં આવે છે. નવું સાધન ખરીદતી વખતે જૂનું સાધન એક્સચેન્જમાં આપવામાં આવે અને તે રિપેરિંગ પછી ફરી વેચવામાં આવે તેને પણ રિફર્બિશ્ડ કહેવામાં આવે છે.
આમ, રિફર્બિશ્ડ ડિવાઈસની રેઇન્જ ઘણી મોટી છે. એટલું નક્કી છે કે તે નવાનક્કોર સાધન જેટલું ખાતરીબદ્ધ પર્ફોર્મન્સ આપતું નથી. રિફર્બિશિંગની મૂળ વ્યાખ્યા મુજબ લેપટોપ લગભગ નવેનવું હોય અને નાની ખામીને કારણે કે ખરીદનારની પસંદ બદલાવાને કારણે પરત ફર્યું હોય અને ઓનલાઇન સાઇટ્સ તેને રિફર્બિશ્ડ તરીકે ફરી વેચવા મૂકે તો ખાસ્સી સારી ડીલ મળી કહેવાય, કારણ કે સાધન નવા જેવું જ હોય છે, પરંતુ જો લાંબા સમય વપરાયા પછી તેને સેકન્ડહેન્ડને બદલે રિફર્બિશ્ડ તરીકે વેચવામાં આવે તો આપણે ભરાઈ પડીએ એવું બની શકે!
www.cybersafar.com
X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી