લઘુકથા- હેમલ વૈષ્ણવ / ઘરેડ

article by hemal vaishnav

Divyabhaskar.com

Dec 04, 2019, 04:51 PM IST
લઘુકથા- હેમલ વૈષ્ણવ
‘જીવનમાં નવીનતા તો હોવી જોઈએ કે નહીં, તમારા જેવા બોરિંગ માણસ સાથે રહીને મારી જિંદગી કટાઈ ગઈ.’ રોજની જેમ ચાનો કપ લાવતાંની સાથે જ સીમાનો કકળાટ શરૂ થઇ ગયો.
છાપું વાંચતાં સંદીપે માથું ઊંચકીને સીમા સામે સ્મિત કર્યું, પણ સીમાએ પ્રતિભાવ ન આપ્યો.
‘બસ એ જ, સવારે ઊઠો, ચા બનાવો, તમારું ટિફિન, સાંજે તમારી રાહ જોવાની, પાછો રાતની રસોઈનો ઢસડબોળો અને બીજે દિવસે પાછી એની એ જ ઘરેડ.’ બોલવા સાથે સીમાને રક્ષિત યાદ આવી ગયો. હરફનમૌલા હતો રક્ષિત. ચાલુ ક્લાસમાંથી સીમાને મૂવિ જોવા ખેંચી જતો, તો ક્યારેક લોન્ગ ડ્રાઇવ પર, રાતના બાર વાગ્યે એને ભાજીપાંઉની લારીએ જવાનો સણકો ઊપડતો. કઈ મિનિટે એ શું કરશે એ નક્કી ન હોય એનું. રક્ષિતના વિચારોમાં ગુમ સીમા ચૂપચાપ રસોઈ કરતી રહી અને ટિફિન લઈને બહાર નીકળતા સંદીપને ગુડ બાય પણ કહેવાનું રહી ગયું. હવે તો ‘ગુડ બાય’ પણ ઘરેડનો જ ભાગ હતોને?
પણ એ સાંજે હોસ્પિટલમાંથી એક ફોન અને દોડાદોડી થઇ ગઈ હતી. સેન્ટર પોઈન્ટ પાસે સંદીપને જોરદાર એક્સિડન્ટ થયો હતો. હોસ્પિટલ જઈ રહેલી સીમાને ખ્યાલ નહોતો આવતો કે સેન્ટર પોઇન્ટ પાસે તો સંદીપની ઓફિસ હતી જ નહીં, તો એ ત્યાં કેમ??
‘સેન્ટર પોઇન્ટ પર ટ્રાવેલિંગ એજન્ટને મળવા ગયેલો, ગોવાની ટૂરની સરપ્રાઈઝ તને આપવી હતી, પણ હવે?’ પ્લાસ્ટર બાંધેલા પગના દુખાવાને કારણે સંદીપને બોલવાની પણ તકલીફ પડતી હતી.
‘ગોવા? ત્યાં જઈને શું કરવું છે?’ સીમા પાછી તાડૂકી.
‘તો પછી તને શું જોઈએ છે?’ સંદીપના ચહેરા પર મૂંઝવણ હતી.
‘મારે છે ને પાછી ‘ઘરેડ’ જોઈએ છે. બોલતાં બોલતાં સીમાએ સંદીપ સામે આંખ મીંચકારી અને સંદીપને કરેલા ઉષ્માભરેલા ચુંબનમાં બધી બોરિયત ઓગળી ગઈ.
[email protected]
X
article by hemal vaishnav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી