વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ / માણસ પુષ્પનો માલિક બની શકે, પરંતુ સુગંધનો માલિક બની શકે ખરો?

article by gunvant shah

Divyabhaskar.com

Jul 22, 2019, 11:45 AM IST

વિચારોના વૃંદાવનમાં - ગુણવંત શાહ
‘ગર્લફ્રેન્ડ’ શબ્દ પત્નીઓને ભારે અળખામણો લાગે છે. એ જ રીતે ‘બોયફ્રેન્ડ’ શબ્દ પતિઓને ભડકાવનારો છે. માલિક બન્યા વિના માણસને ચેન નથી પડતું. ખટારાનો માલિક હોઇ શકે, ઘરનો માલિક હોઇ શકે, પરંતુ વૃક્ષનો માલિક હોઇ શકે? માણસને વૃક્ષનો માલિક બનવાની ચળ ઊપડે ત્યારે વાડીનું નિર્માણ થતું હોય છે. જ્યાં વાડી હોય ત્યાં વાડ હોવાની જ અને જ્યાં વાડ હોય ત્યાં દલો તરવાડી હોવાનો જ! (તરવાડી શબ્દ ત્રિવેદી પરથી આવ્યો લાગે છે.) માલિકી હોય ત્યાં મજબૂરી હોઇ શકે, મોહબ્બત ન હોઇ શકે.
ગુરુદત્તનો સ્પર્શ પામેલી ‘પ્યાસા’ ફિલ્મમાં સાંભળવા મળતી પંક્તિઓ મંત્રની ઊંચાઇ ધરાવનારી છે:
હરેક રૂહ પ્યાસી,
હરેક જિસ્મ ઘાયલ.
વાત એમ છે કે ક્યાંક કાચું કપાયું છે. તા. 10મી જુલાઇની રાતે 9-30 વાગ્યે દૂરદર્શન પર અભિનેત્રી રાધિકા આપ્ટેએ બધી શરમ છાંડીને જાહેર કર્યું: ‘મને અનેક પુરુષો સાથે અફેર કેળવવાનું ગમે છે. So What?’ હવે પછીનાં 25-30 વર્ષોમાં કદાચ દીકરી પોતાના પિતાને આવી વાત સ્પષ્ટ શબ્દોમાં કહેશે. સેક્સના ક્ષેત્રમાં ઝડપભેર ‘અસ્પૃશ્યતા નિવારણ’ થઇ ચૂક્યું છે. ક્યારેક પતિની હાજરીમાં પત્ની સ્પર્શ કરતી વખતે અન્ય પુરુષને અન્ય નહીં ગણે એન્ડ વાઇસેવર્સા. આવનારી પેઢીના બે પ્રિય શબ્દો હશે: ‘So what?’ આ બે શબ્દોમાં ‘મર્યાદા’ જેવો શબ્દ શરમાઇ મરે તેવા દિવસો આવી રહ્યા છે.
લગ્નસંબંધ એટલો તો પવિત્ર ગણાય છે કે કજોડું પણ અપવિત્ર નથી ગણાતું. પતિ કે પત્ની દ્વારા ઘરની ચાર દીવાલો વચ્ચે ક્યારેક ફેલાતો ખાનગી આતંકવાદ લોકોને બહુ ખૂંચતો નથી. ભોંયભીતર ફેલાતો આતંક ચાલે, પરંતુ છડેચોક ચાલતો પ્રેમસંબંધ ન ચાલે. આવો આંતરવિરોધ આવનારી નવી પેઢીને મંજૂર ખરો? આતંક એક કામ કરે છે. એ મનુષ્યના જીવનલયને ખતમ કરે છે. રામાયણનું ભાષ્ય લખતી વખતે હું સીતાત્યાગનું પ્રકરણ લખતી વખતે યોગ્ય શીર્ષક શોધી રહ્યો હતો, પણ દિવસો સુધી શીર્ષક ન જડ્યું. છેવટે મહાકવિ પ્રેમાનંદ મદદે આવ્યો. ‘નળાખ્યાન’માં ભણતી વખતે જે પંક્તિઓ કંઠસ્થ હતી તે યાદ આવી. સાંભળો:
વૈદર્ભી વનમાં વલવલે
ને ઘોર અંધારી રાત;
ભામિની ભય પામે ઘણું
એકલડી રે જાત!
(નળાખ્યાનની પંક્તિઓ યાદદાસ્ત પરથી)
બસ, પ્રકરણનું મથાળું જડી ગયું. દમયંતી વિદર્ભના રાજાની કુંવરી તેથી ‘વૈદર્ભી’ તરીકે ઓળખાઇ. સીતા જનકની પુત્રી અને વિદેહની રાજકુમારી હોવાને કારણે ‘વૈદેહી’ તરીકે ઓળખાઇ. મથાળું આપ્યું: ‘વૈદેહી વનમાં વલવલે.’ દિવસો સુધી ચાલેલી શોધ સાર્થક થઇ! સીતાએ ગૃહત્યાગ કર્યો ન હતો. એને વનમાં મોકલી આપવામાં આવી હતી.
સંસ્કૃતિ માટેનું ગૌરવ બાજુ પર રાખીને પૂછવું રહ્યું: ‘આપણા કયા રાજાનો આવો ત્યાગ કોઇ રાણીએ કર્યો?’ જે સ્ત્રી પતિ તરફથી થતા સઘળા અત્યાચારો ભક્તિપૂર્વક વેઠે તેને ‘સતી’ ગણવામાં આવી. કોઇ સતીને તમે સુખી થતી જાણી? સંસ્કૃતિ ભવ્ય, પરંતુ એમાં કોઇ ‘સતો’ પાક્યો ખરો? એક જડતો નથી. પુરુષપ્રધાન સમાજનો ઉકરડો પણ પવિત્ર ગણાય કે?
યુગ પલટાઇ રહ્યો છે. હવે સ્ત્રી સતી નહીં ‘સખી’ બનવા માગે છે. દ્રૌપદી વનમાં ગઇ, તોય પાંચે પતિઓની સાથે ગઇ. એક પ્રશ્ન મને ભાષ્ય લખતી વખતે સતત પજવતો રહ્યો: યુધિષ્ઠિરે જુગાર ખેલતી વખતે દ્રૌપદીને દાવ પર મૂકી. આવી મૂર્ખતા એણે દ્રૌપદીની અનુમતિ વિના આચરી હતી. મહાભારત આખું વાંચી જાઓ. ક્યાંય તમને એવું વાંચવા નહીં મળે કે દુર્યોધને પત્ની ભાનુમતીને જુગારના દાવ પર મૂકી હતી. બોલો! ડાહ્યું કોણ? દુર્યોધનને આ બાબતે કેટલા માર્ક્સ આપવા? સ્ત્રીનું વસ્તુકરણ થયું, પુરુષનું થયું? રાધિકા આપ્ટેની વાત પર અમથો ગુસ્સો કરશો નહીં. નારીની પૂજા કરવાની જરૂર નથી. એને ‘સતી’ ગણવાની તો બિલકુલ જરૂર નથી. હવે એને ‘સખી’ ગણવાની જરૂર છે. કવિ ન્હાનાલાલે સ્ત્રીને ‘સખી’નો દરજ્જો આપ્યો. ગોવર્ધનરામ ત્રિપાઠીએ આપણને સ્ત્રી-પુરુષ સહજીવન માટે એક સુંદર શબ્દ આપ્યો: ‘રસઐક્ય.’ વંદન હજો ન્હાનાલાલ અને ગોવર્ધનરામને. પચીસ વર્ષ પછી આ લખનાર નહીં હોય, પરંતુ આ બે વિદ્યાપુરુષોનું દર્શન જરૂર જીવતું રહેશે.
ઝરણું વહેતું થાય ત્યારે જે મંદ્રધ્વનિ પેદા થાય છે એનો સઘળો યશ ખડકો અને પથ્થરોને જાય છે. ઝરણું જ્યારે નદીની અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે ઉછળતું-કૂદતું-અફળાતું એ ઝરણું પ્રગલ્ભા સરિતા બને છે. ક્યારેક એ સરિતામાંથી નહેર બને છે. ઝરણામાંથી નહેર બની ગયા પછી લગ્નજીવનમાં પણ ક્યારેક પૂર્વજન્મના સંસ્કાર જેવું ‘ઝરણું’ જીવતું થાય, તો એ બહુ મોટો ગુનો ગણાય છે. ઝરણું કોઇ પણ મર્યાદા અંગેની સભાનતા છોડીને ઉછળતું-કૂદતું અને રમતુંજમતું છુટ્ટું થઇને વહે છે. એ ઝરણાનું કોઇ નામ નથી હોતું. ઝરણું આધાર કાર્ડ કે આઇડેન્ટિટી વિનાનું હોય છે. નદીનું નામ હોય છે. તે ક્યાંથી શરૂ થઇ અને કયા સમુદ્રને મળે તેનો રેકોર્ડ હોય છે. ગમે તેવી સુંદર વાડી પણ ક્યારેક કોઇ વનનો એક અંશ હતી. વાડીને વાડ હોય, પરંતુ વનને કદી વાડ નથી હોતી.
મૈત્રીભાવ ન હોય અને મોહબ્બતનો મ પણ ન હોય તેવાં લાખો લગ્નો રોજ થતાં રહે છે. ક્યારેક કોઇ મનુષ્ય બળવો પોકારીને બલાત્કાર કરવાનું પાપ આચરી બેસે છે. સમાજ રોજ થતા હજારો ગુપ્ત અને અગુપ્ત બલાત્કારોને વેઠી લે છે, પરંતુ પ્રેમસંબંધ અંગે પોતાના ગંદા નાકનું ટેરવું ચડાવે છે. આમ કરવામાં વિવેક ખરો? મરાઠી ભાષામાં બલાત્કાર માટેનો સુંદર શબ્દ છે: ‘વિનયભંગ’ ગુજરાતીમાં આ શબ્દ પ્રચલિત કરવા જેવો છે, જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે આકર્ષણમૂલક પ્રેમનું ઝરણું વહેતું થાય ત્યાં અને ત્યારે સમાજને વાંધો પડે છે. આ તો રાવણતાનું લક્ષણ છે. ગાંધીજી અને સરલાદેવી વચ્ચે ‘આધ્યાત્મિક લગ્ન’ સુધી વાત પહોંચી હતી. ગાંધીજી મહાત્મા હતા તોય આખરે ‘માણસ’ હતા. રાજાજીએ દેવદાસ, મહાદેવભાઇ અને મથુરદાસ ત્રિકમજીએ લખેલા એક પત્રને કારણે ગાંધીજી પર બ્રેક લગાવી. આમ ન બન્યું હોત તો સમાજને આધ્યાત્મિક (પ્લેટોનિક) પ્રેમસંબંધનો પરિચય થાત. આવી બધી વાતો ગાંધીજીના સુપૌત્ર એવા રાજમોહન ગાંધીએ : ‘The Good Boatman’ મથાળે લખેલા અદ્્ભુત ગ્રંથમાં નોંધી છે.
ગાંધીવાદીઓની એક હઠીલી મર્યાદા જાણી રાખવા જેવી છે. તેઓ એક પણ વાતે ગાંધીજીની સાથે અસંમત થવા તૈયાર નથી હોતા. નવી પેઢી ગાંધીજીથી દૂર થઇ ગઇ છે, એ વાત સાચી નથી. ગાંધી અને નવી પેઢી વચ્ચે ગાંધીવાદીઓ ઊભા રહી ગયા છે. જીવનમાં અસ્વાદ વ્રત કે બ્રહ્મચર્ય ન પાળનારા હજારો ગાંધીવાદીઓ પણ કશું વિચારવા તૈયાર નથી. એવી મનોવૃત્તિનું રક્ષણ તેઓ દંભ દ્વારા કરતા હોય છે. એમને પુષ્પ ખપે, પરંતુ સુગંધ ન ખપે! જીવમાં લગ્નેતર સંબંધ જાળવીને લંગોટમૂલક બ્રહ્મચર્યની વાતો કરવાનો પણ એક નશો હોય છે. કેટલાં ઉદાહરણો જોઇએ છે? જાહેરમાં નામો આપીએ તો કોર્ટે જવું પડે. કોઇ જાણવા માગે તો બધી વાત ખાનગીમાં થઇ શકે. અગિયાર વ્રતોનો પોપટપાઠ પ્રાર્થનામાં કરવો સહેલો છે. એમ કરવાથી આશ્રમ નભી જાય છે, પણ સત્ય ખાડે જાય છે. બે કાંઠે વહેતી નહેરની શોભા ઓછી નથી હોતી. નહેરને ક્યારેક ઝરણું બની ગયાનું સ્વપ્ન આવે છે. સ્વપ્ન જાહેરમાં નથી આવતું. સ્વપ્નામાં માણસ સત્યવાદી હરીશ્ચંદ્ર હોય છે.
ગાંધીજી સાથે કોઇ વાતે અસંમત થવામાં ગાંધીદ્રોહ નથી. ગાંધીદ્રોહ તો એમને રોજરોજ છેતરવામાં છે. મને મારા સગા (બાયોલોજિકલ) પિતા તરફથી જે મળ્યું તેના કરતાંય અધિક મૂલ્યવાન ગાંધીબાપુ તરફથી મળ્યું છે. વાત સાવ સાચી છે, પરંતુ પ્રશ્ન ઊભો થાય: શું બાપુ સાથે કોઇ પણ વાતે અસંમત ન થઇ શકાય? એમને છેતરવા કરતાં તો એમની સાથે અસંમત થવું હજારગણું યોગ્ય ગણાય. જેઓ બાપુનાં બધાં જ અગિયાર વ્રતો સાથે સંમત હોય તેવા સૌ પરમ આદરણીય છે. એવા છોટે મહાત્માઓનો અંગત સથવારો હું પામ્યો છું, પરંતુ બધી વાતે એમની સાથે સંમત થવાનું ફરજિયાત ખરું? દંભને શરણે ગયા વિના હું મારો મોભો જાળવી શકું ખરો? આવા પ્રશ્નની પજવણીમાં ક્યાંય અપ્રામાણિકતા ખરી? ⬛
}}}
પાઘડીનો વળ છેડે
પ્યારેલાલજી મેરે પ્રેમ મેં દીવાને હૈં
ઔર મુઝ પર શાદી કરને કે લિએ
દબાવ ડાલ રહે હૈં લેકિન મૈં
કતઇ તૈયાર નહીં હૂં ક્યોંકિ
ઉમ્ર, જ્ઞાન, શિક્ષા ઔર નૈન-નક્શ મેં ભી
વે મેરે લાયક નહીં હૈં|
જબ મૈંને યહ બાત બાપુ કો બતાઇ
તો ઉન્હોંને કહા કિ પ્યારેલાલ સબસે જ્યાદા
મેરે ગુણોં કે પ્રશંસક હૈં| બાપુને કહા કિ
પ્યારેલાલને ઉનસે ભી કહા થા કિ
મૈં બહુત ગુણી હૂં|
(‘India Today’ સામયિકની હિન્દી આવૃત્તિમાં મનુબહેનના હસ્તાક્ષરમાં પ્રગટ થયેલો પત્ર.
19 જૂન, 2013, પાન-18. મનુબહેને 1947ના વર્ષમાં 1 જાન્યુઆરી(શ્રીરામપુર, બિહાર)ના દિવસે લખેલી ડાયરીમાંથી.)
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી