કામ સંહિતા- ડૉ. પારસ શાહ / પુરુષોને જાતીય સમસ્યા કેવી રીતે અસર કરે છે?

article by dr. paras shah

Divyabhaskar.com

Dec 09, 2019, 01:09 PM IST
કામ સંહિતા- ડૉ. પારસ શાહ
કોઈપણ વ્યક્તિ અથવા તો યુગલ જાતીય ક્રિયાના કોઈપણ તબક્કે જાતીય સુખના આનંદથી વંચિત રહે તો તેને જાતીય સમસ્યા કહી શકાય. જાતીય પ્રતિભાવની પ્રક્રિયાના ચાર તબક્કા છે- ઉત્તેજના, સ્થિરતા, ચરમસીમા અને સંતોષ. વિવિધ સંશોધનો અનુસાર જાતીય બિનકાર્યક્ષમતા એ સામાન્ય (43 ટકા મહિલાઓ અને 31 ટકા પુરુષો કોઈ ને કોઈ પ્રકારની મુશ્કેલી અનુભવે છે) હોવા છતાં આ મુદ્દે મોટાભાગના લોકો વાત કરવાનું ટાળે છે. સદ્્નસીબે જાતીય બિનકાર્યક્ષમતાની સમસ્યાના મોટાભાગના પ્રકારો સારવારથી ઉકેલી શકાય છે, આથી તમારે આ મુદ્દે તમારા સાથી અને ડોક્ટર્સ સાથે ચર્ચા કરવી આવશ્યક છે.
જાતીય સમસ્યાઓથી કોને અસર થાય છે: પુરુષ અને સ્ત્રી બંનેને જાતીય સમસ્યાઓથી અસર થાય છે. પુખ્ત વયની દરેક વ્યક્તિ તેનો ભોગ બની શકે છે. સામાન્ય રીતે તે વધતી જતી વયની સાથે નબળું આરોગ્ય થવાને કારણે પ્રૌઢ લોકોમાં જાતીય સમસ્યા વધુ જોવા મળે છે.
પુરુષોને જાતીય સમસ્યાઓ કેવી રીતે અસર કરે છે: પુરુષોમાં સૌથી વધુ જોવા મળતી જાતીય સમસ્યાઓમાં સ્ખલનની અનિયમિતતા, શિશ્નોત્થાનની સમસ્યા અને જાતીય ઇચ્છાઓ મંદ પડી જવી વગેરેનો સમાવેશ થાય છે.
સ્ખલનની અનિયમિતતા એટલે શું?
શીઘ્રસ્ખલન અથવા પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન: યોનિમાં શિશ્નપ્રવેશ સાથે જ અથવા તો તે પહેલાં જ સ્ખલન થઈ જવું. પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન એટલે કે કવેળાનું સ્ખલન એ પુરુષોમાં જોવા મળતી જાતીય બિનકાર્યક્ષમતાનો સૌથી સામાન્ય પ્રકાર છે.
રિટ્રોગ્રેડ સ્ખલન: એટલે જ્યારે તમે સમાગમ કરો ત્યારે વીર્યસ્ત્રાવ બહાર દેખાતો હોતો નથી. આ વીર્યસ્ત્રાવ મૂત્રાશયમાં જાય છે અને સમાગમ પછીના પહેલીવારના મૂત્રાશયમાં તે બહાર નીકળે છે. આમ થવાથી તમારા કે તમારા સાથીના જાતીય આનંદમાં કોઈ જ ફરક પડતો નથી. ડાયાબિટીસ ધરાવતા ખાસ કરીને ડાયબેટિક ન્યુરોપથી(જ્ઞાનતંતુઓને નુકસાન)થી પીડાતા પુરુષોમાં રિટ્રોગ્રેડ સ્ખલન એ વિશેષ અનુભવાય છે. પુરુષોમાં પ્રોસ્ટેટના ઓપરેશન પછી સામાન્ય રીતે રિટ્રોગ્રેડ સ્ખલનની સમસ્યા જોવા મળે છે.
જાતીય ઈચ્છાઓ મંદ પડી જવી એટલે શું? : જાતીય ઈચ્છાઓ મંદ પડવી અથવા કામેચ્છા ન થવી એ સમાગમ કે સમાગમ માટેની અનિચ્છા કે તેમાં અત્યંત ઘટાડો દર્શાવે છે. શારીરિક કે માનસિક કારણસર જાતીય ઈચ્છામાં ઘટાડો થઈ શકે છે. તે ટેસ્ટોસ્ટેરોનના ઓછા પ્રમાણ સાથે સંકળાયેલું છે. તે બેચેની, ડિપ્રેશન, એન્ટિડિપ્રેશન જેવી કેટલીક સારવાર અને સંબંધોમાં ખટરાગ જેવી બાબતોને કારણે પણ ઉદ્્ભવી શકે છે.
જાતીય સમસ્યા માટે હું મારા ડોક્ટરનો સંપર્ક ક્યારે કરું? : ઘણા પુરુષો વારેઘડીએ જાતીય સમસ્યાઓ અનુભવતા હોય છે. જોકે, વારંવારની આ સમસ્યાઓથી પુરુષ અને તેના સાથીમાં તણાવ પેદા થાય છે અને તેમના સંબંધો પર નકારાત્મક અસર થાય છે. જો તમે સતત આ સમસ્યાઓથી પીડાતા હોવ તો તમારે તપાસ કે સારવાર માટે સેક્સોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.
[email protected]
X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી