ચાલો સિનેમા - ભાવના સોમૈયા / ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર

article by bhawanasomaaya

Divyabhaskar.com

Jul 19, 2019, 06:01 PM IST

ચાલો સિનેમા - ભાવના સોમૈયા
ગુરુ પૂર્ણિમાને હજી વધારે દિવસો નથી થયાં અને ‘સુપર 30’ (ગુરુ)ની સ્તુતિ કરતી ફિલ્મ છે. એ જોતી વખતે મારા મનમાં વિવિધ કલાકારો પાસેથી મને જે શીખવા મળ્યું તે સ્મૃતિઓની વણઝાર ચાલતી રહી.
70ના દાયકાના અંતમાં સુનીલ દત્તના થિયેટર અજંતા આર્ટ્સમાં એક પ્રીવ્યુ શો દરમિયાન મારી ઓળખાણ સ્વ. નરગિસ દત્ત સાથે કરાવવામાં આવી હતી. હું મારી એક સહકર્મચારી સાથે ફિલ્મ જોવા ગઇ હતી. ફિલ્મ એટલી કંટાળાજનક હતી કે અમે ઇન્ટરવલમાં જેવાં બહારની તરફ નીકળ્યાં કે નરગિસજીએ અમને ધીમેથી બાજુ પર બોલાવી અને સમજાવ્યું કે ફિલ્મ ગમે તેટલી કંટાળાજનક કેમ ન હોય, આ રીતે અડધી ફિલ્મે બહાર નીકળી જવું એ કલાકાર માટે અપમાનજનક ગણાય. મને એમની આ વાત આજે પણ યાદ છે.
શશિ કપૂરે મને પ્રોફેશનલિઝ્મ અને અનુભવીઓને માન કેવી રીતે આપવું તે શીખવ્યું. એમણે મને નામ સાથે ‘જી’ લગાવતાં અને કાયમ નમસ્તે કહેતાં શીખવ્યું. હવે હું એ જ રીતે વાત કરું છું. તેઓ મારા હિંદી ભાષા લખવા-બોલવાનું કાયમ નિરીક્ષણ કરતા.
રિશિ કપૂરે મને એક વાત શીખવી કે ગાજ્યાં મેઘ ક્યારેય વરસે નહીં. એને લોકોને ધમકાવવાનું ગમે છે, પણ એક વાર તમે એની સાથે નિકટતા કેળવી લીધી પછી એ ખૂબ સૌમ્ય માણસ છે. નસીરુદ્દીન શાહે શીખવ્યું કે સમર્પિત કલાકારે કાયમ રચનાત્મકતા માટે તૈયાર રહેવું જોઇએ. એ આઉટડોર શૂટિંગ માટે જાય ત્યારે કાયમ તેમનું બેડમિન્ટનનું રેકેટ સાથે રાખે છે.
નૂતને મને શીખવ્યું કે ઇન્ટરવ્યૂ માટે તૈયાર રહેવું, સેટ પર સંવેદનશીલ દૃશ્યો ફિલ્માવાતાં હોય ત્યારે કલાકારોને થોડો સમય આપવો. લલિતા પવાર માત્ર એમની ભૂમિકાઓ માટે જ નહીં, બલકે લોકો સાથે વાતચીત કરવામાં પણ ખૂબ ‘સિલેક્ટિવ’ હતાં. એ જવલ્લે જ પત્રકારોને મળતાં. કહેતાં, તેઓ ગમે તે સાંભળે છે અને બીનજવાબદારીથી લખે છે, તો તેમને શા માટે મ‌ળ‌વું?
અનિલ કપૂર પાસેથી મને શીખવા મળ્યું કે અથાક પરિશ્રમ ક્યારેય એળે નથી જતો અને જીવનમાં ક્યારેક ટર્નિંગ પોઇન્ટ આવે તો ગભરાવું નહીં કેમ કે તે તકનું બીજું નામ છે. મેં આ વાત યાદ રાખી અને જે તક મળી તે ઝડપી લીધી. મને કોઇ વાતનો અફસોસ નથી થયો.
આમિર ખાને શીખવ્યું કે ખાતરી હોવી એ શ્રેષ્ઠ છે અને કોઇ પણ ઉતાવળિયો નિર્ણય લઇને પછી પસ્તાવાને બદલે નિર્ણય લેવામાં થોડો વધારે સમય જાય તો કંઇ વાંધો નથી. રણબીર કપૂર પાસેથી મને શીખવા મળ્યું કે પેશન જ સર્વસ્વ છે અને જો તમે તમારા દિલની વાતને અનુસરો તો કોઇ બાબતે ખોટા નહીં પડોે.
સુંદરતાના પાઠ મને શીખવાડનાર રેખા જ. તેલ, ખાંડ અને પોચા ઓશિકાંનો ઉપયોગ ક્યારેય ન કરવો જેથી ગરદન પર કરચલીઓ નહીંં પડે. રોજ પાંચ માઇલ ચાલવું, ખૂબ પાણી પીવું અને રાત્રે વહેલાં સૂઇ સવારે વહેલાં ઊઠી જવાનું. આ ઉપરાંત, સ્વસ્થ ત્વચા અને વાળ માટે રોજની પાંચ બદામ અને એક ફળ ખાવાનાં.
નમ્રતાના પાઠ મને હેમા માલિની પાસેથી શીખવા મળ્યાં. હેમાજી નાનાં હતાં, ત્યારે એમનાં માતા ડાન્સ શીખવા માટે ફરજ પાડતાં, એમને એ સમયે ગમતું નહીં, પણ આજે એ શિસ્તપાલનના મધુર ફળ તેઓ માણી રહ્યાં છે. શાહિદ કપૂરે શીખવ્યું કે તમે થાકી જાવ ત્યાં સુધી સતત પ્રયત્નો કરતાં રહો. જયા બચ્ચન પાસેથી પોતાની ગરિમા કેવી રીતે જાળવવી
તે શીખી.
સલમાન ખાને મને ઉદારતા દાખવતાં શીખવ્યું. એણે શીખવ્યું કે સહનશક્તિ કઇ રીતે કેળવવી? એણે ઘણું સહન કર્યું છે, પણ ક્યારેય ફરિયાદ નથી કરી. અમિતાભ બચ્ચનની વાત કરું તો હું એમની પાસેથી મૌનનું મહત્ત્વ કેટલું છે એ શીખી છું. લગભગ 15 વર્ષ એમણે મીડિયા સાથે વાત નહોતી કરી. એમના પર અનેક આરોપો મૂકાયા, રોજેરોજ એમના વિશે કંઇ ને કંઇ લખાતું, પણ બચ્ચનસાહેબે ક્યારેય ખુલાસો ન કર્યો. એમનું જીવન પણ રોલર કોસ્ટરની રાઇડ જેવું છે અને એમણે મને શીખવ્યંુ કે દરેક વખત પડ્યા પછી કઇ રીતે ઊભા થવું, ઊંચાઇ પર જવા સાથે જમીન સાથે પણ કેવી રીતે જોડાઇ રહેવું?
છેલ્લે, વહીદા રહેમાન પાસેથી મને ગ્રેસ કેવી રીતે જાળવવો, ઉંમરને અનુરૂપ પોશાક પહેરવા તે શીખવા મળ્યું. ચહેરા પર વયની નિશાનીઓ દેખાતી હોવા છતાં સ્મિત રમતું રહે તે હું એમની પાસેથી શીખી. [email protected]

X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી