Back કથા સરિતા
ભદ્રાયુ વછરાજાની

ભદ્રાયુ વછરાજાની

સમાજ (પ્રકરણ - 35)
લેખક ગુજરાતી ભાષા, સાહિત્ય અને સમાજના મર્મજ્ઞ છે.

ખલિલ જિબ્રાન : ધુમ્મસની આરપાર નીકળતું ચૈતન્ય

  • પ્રકાશન તારીખ06 Jan 2020
  •  
પ્રશ્ન વિશેષ- ભદ્રાયુ વછરાજાની
એકસો છત્રીસ વર્ષના થયા ખલિલ જિબ્રાન! માત્ર અડતાલીસ વર્ષના જીવનકાળમાં એ ઓળખાયા અનેક વિશેષણોથી, કવિ-ચિત્રકાર-નવલકથાકાર-નિબંધકાર-ચિંતક-પ્રેમી અને સૌથી વિશેષ તો ધુમ્મસની આરપાર જોવાનો પ્રયાસ કરનાર વિભૂતિ. હવે તો મોબાઈલ અને ઈ-મેઈલના રોગચાળામાં પત્ર નામની જાતિ જ લુપ્ત થવા બેઠી છે, ત્યારે જેની પત્રચેતના કાબિલેદાદ હતી તેવી વ્યક્તિ આજે સ્મરણયાત્રાએ આવી ચડી છે. ક્યારેક મધ્યરાત્રિએ મૃગશીર્ષ જોઈને, ક્યારેક દુઃસ્વપ્નો જોઈને, ક્યારેક કાલ્પનિક સંવાદો રચીને, ક્યારેક પાનખરને વિદાય આપતો, તો ક્યારેક રંગીન પોસ્ટકાર્ડ મોકલતો પણ પત્ર લખે છે. પત્રમાં તેની પ્રિયતમા ‘મે’ મટી ક્યારેક મેરી કે મિરીઅમ બની જાય! હા, તે એવો અધીરિયો અને ઉતાવળિયો પ્રેમી છે કે ક્યારેક પત્રમાં સંબોધન જ ભૂલી જાય તો ક્યારેક લિખિતંગ! તેનું જે જીવન આપણી સામે પ્રગટ્યું છે તેના પરથી પ્રતીતિ થાય છે કે તેનું જીવન ક્ષણે-ક્ષણે શૂળી છે અને શ્વાસે-શ્વાસે વધસ્તંભ, તેની નિયતિમાં દરેક ક્ષણે સદીઓનું જીવવાનું હતું અને જીરવવાનું
પણ હતું.
પરમ અસ્તિત્વ કેટલીક વ્યક્તિમાં દરેક શ્વાસે અને દરેક પળે અભિવ્યક્ત થાય છે. પછી તે ઉમાશંકર હોય, ટાગોર હોય કે જિબ્રાન હોય. તેઓ વિશેનું બધું જ સમજી અને કહી શકાય નહીં. થોડુંક દેખાય પણ ઘણું બધું તો ધુમ્મસમાં જ. જેમ પૂજારી ધૂપ, દીપ, સુગંધ, આરતી, નૈવેદ્ય દ્વારા ઈશ્વરની આરાધના કરે છે તેમ જ આ દિવ્ય અસ્તિત્વો, શબ્દો અને રંગો દ્વારા પરમ જીવનની સાધના, આરાધના અને ઉપાસના યુગો પર્યંત કરતા જ રહે છે!
બહુ ઓછા સર્જકો એવા હશે, જેણે જીવનને તેના અનેક પરિમાણોમાં પામ્યું અને પારખ્યું હશે. આપણો આ સર્જક જિબ્રાન તો પોતે જ કહે છે: ‘મારા હૃદયના અજ્ઞાત ખૂણામાં કોઈ અજ્ઞાત શક્તિ અભિવ્યક્ત થવા ઝંખે છે, તેની નિસ્બત જીવન સાથે છે.’ તે સાવ નાનો હતો ત્યારે તેના આંગણામાં ક્યારો કરી તેણે કાગળ વાવેલા. તેના પિતાએ પૂછ્યું : ‘આ શું કરે છે?’ ત્યારે તેણે જવાબ આપેલો : ‘મોટો થઈને લેખક બનીશ ત્યારે આ કાગળ કામ લાગશે.’ અને બન્યું પણ કેવું? ઉત્તર લેબેનોનમાં વાવેલા આ કાગળો અમેરિકામાં ઊગી નીકળ્યા! આ કાળમાં તેણે પ્રથમ વખત લિયોનાર્દો દ વિન્ચીનું ચિત્ર જોયું અને તેનું જગત બદલાઈ ગયું. તે ત્રણ વરસનો હતો ત્યારથી તેને એક રહસ્યમય ટેવ હતી. જ્યારે પણ તોફાન, ગડગડાટ વીજળીના કડાકાઓ થાય ત્યારે તે પોતાનાં કપડાં કાઢીને - ફાડીને બહાર ભાગતો. તે અંગે મોટો થઈને તે કહે છે : ‘એ સ્ટોર્મ ઈઝ ધ ઓન્લી થિંગ ઈન નેચર ધેટ ફ્રીઝ માય હાર્ટ ફ્રોમ લિટલ કેર્સ એન્ડ લિટલ પેઈન્સ.’ તે નવ વરસનો હતો ત્યારે પરિવાર સાથે બાલબેકના અવશેષો જોવા ગયેલો. ત્યાં તેણે ઘણાં બધાં રેખાચિત્રો દોર્યાં. ત્યાં એક અસામાન્ય ઘટના બની. તેણે એક લઘરવઘર પાગલ જેવો માણસ જોયો. તેણે જરા પણ ડર્યા વગર તે માણસને પૂછ્યું : ‘તું અહીં શું કરી રહ્યો છે?’ સરસ જવાબ મળ્યો : ‘જીવન જોઈ રહ્યો છું.’ પ્રતિભાવ આપ્યો : ‘બસ એટલું જ?’ પેલો માણસ બોલી ઊઠયો: ‘શું તે પર્યાપ્ત નથી?’ અને નવ વરસના બાળકને બાલબેકમાં જાણે કે ‘આત્માનું અભયારણ્ય’ મળ્યું, ત્યાંથી જવાનું થયું ત્યારે જવાના સમયે તે ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો! કેમ, તે ન તેને સમજાયું કે ન આપણને સમજાય!
બાળપણ વ્યક્તિના ઘડતરમાં બોલ્યા વગર કે સમજાયા વગર જબરી અસરો છોડી જાય છે. બશેરી ગામના જિબ્રાન અને કામિલા રાહમતના પરિવારમાં છઠ્ઠી જાન્યુઆરી, 1883માં જન્મેલ બાળકનું મૂળ અરબી નામ જુબ્રાન. પૂર્વજો ખ્રિસ્તી રોમન કેથોલિક સંપ્રદાયના અનુયાયી હતા. તે બધા મેરોનાઇટ ખ્રિસ્તી, પણ જન્મે આરબ. તેની માતાને અગાઉના લગ્નથી પીટર નામનો દીકરો હતો અને જિબ્રાનને સગી બે બહેનો હતી. બાળપણમાં અસ્પષ્ટતા અને સંદિગ્ધતા ભરપૂર. જિબ્રાનનું અડધું ચિત્ત દંતકથા સમાન ધુમ્મસમાં જ રહે છે. તેના પિતા કરવેરા વિભાગના કોઈ કૌભાંડમાં પકડાય છે, તેનો આઘાત બાળકના ચિત્ત પર ઊંડો છે. આર્થિક સ્થિતિ ખૂબ કથળે છે. મા-બાપ વચ્ચે સંઘર્ષ છે તેથી ઉત્તર લેબેનોનની ટેકરીઓ, જંગલો અને મઠોની આસપાસ રખડવું અને એકલતામાં ખોવાઈ જવું તે જિબ્રાનની મુખ્ય પ્રવૃત્તિ!(ક્રમશઃ)
[email protected]
x
રદ કરો

કલમ

TOP