પ્રશ્ન વિશેષ- ભદ્રાયુ વછરાજાની / રિસોર્સ મેનેજમેન્ટ શું માત્ર બુદ્ધ પુરુષોની કાબેલિયત હતી?

article by bhadrayu vachhrajani

Divyabhaskar.com

Dec 09, 2019, 12:47 PM IST
પ્રશ્ન વિશેષ- ભદ્રાયુ વછરાજાની
સમય પસાર થતો જાય તેમ બધું બદલાતું જાય તે સહજ છે. જે કાલે હતું, તે આજે નથી ને જે આજે છે તે કાલે નહીં હોય! સૃષ્ટિનો આ ક્રમ છે અને તેનો પ્રામાણિકપણે સ્વીકાર કરવો જ રહ્યો, પણ શું ગઇ કાલે જે જેમ હતું તે તેમ જ નવા રૂપે રંગે આવે છે ને મૂળ હાર્દ તો યથાતથ જ રહે છે? બદલાય છે ઘણું, પણ તેની બળકટતા ઘટતી જાય છે. આપણે શીર્ષક બદલીએ છીએ, નામ નવું રાખીએ છીએ, પણ જે પહેલાં થતું હતું તેમ જ આજે પણ થતું રહે છે. આપણો ભૂતકાળ ભવ્ય હતો તેનું એક કારણ એ કે ત્યારે પણ આજે છે તેવી જ વ્યવસ્થાપન પદ્ધતિઓ હતી, આજે છે તેવી જ ટેક્નિક્સ પણ હતી. હા, આપણે વિકસ્યા છીએ ખરા, પણ ભૂતકાળની વિરલ પરંપરાના પ્રમાણમાં તો
થોડાક જ.
ત્યારે પણ ક્રાઇસિસ મેનેજમેન્ટ કે રિસોર્સ મેનેજમેન્ટ કે સ્ટ્રેટેજીસ પ્લાનિંગ હતું જ. ત્યારે પણ મોટાં યુદ્ધો લડતાં. ત્યારે પણ સર્જિકલ સ્ટ્રાઇક થતી જ. માત્ર તેને આવાં આકર્ષક જારગન્ટ્સના લેબલ ન લાગતાં. થતું બધું પણ શક્યત: નિયમો પાળીને. સાધનસ્રોતોનું અદ્્ભુત વ્યવસ્થાપન હતું જ ત્યારે. કહોને રિસોર્સ મેનેજમેન્ટ એ બુદ્ધ પુરુષોની કાબેલિયત હતી અને તેમાં ઉમદા માનવીય ગુણોનાં દર્શન પણ થતાં જ.
આપણા અવતાર પુરુષ શ્રીકૃષ્ણનું જીવન તો આજનું આખું મેનેજમેન્ટનું શાસ્ત્ર જ શીખવે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં રોજ સંધ્યાકાળ પછી યુદ્ધ બંધ થાય ત્યારે તમામ સૈનિકો અને સેનાપતિઓ પોતપોતાના પક્ષે ઘાયલોની સેવા-શુશ્રૂષામાં પરોવાઇ જાય. ઉચ્ચ સેનાનાયકો વળતી સવારના યુદ્ધની વ્યૂહરચનામાં ગૂંથાઇ જાય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના કશા જ વાંકગુના વિના માત્ર આ યુદ્ધખોર માણસોના કારણે જખમી થયેલા અશ્વોની સારસંભાળ લેવામાં પરોવાઇ જતા. મહાભારતના યુદ્ધ પછી રાજસૂય યજ્ઞ જ્યારે થયો ત્યારે કૃષ્ણે આ યજ્ઞમાં અતિથિઓનાં એઠાં વાસણો એકઠાં કરવાનું અને એને સાફ કરવાનું કામ સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું. ભગવાન કૃષ્ણ ખુદ Dignity of Labour જીવ્યા!
રાજા ઉદયનની રાણીએ ભગવાન બુદ્ધના સંઘને 500 ચાદર ભેટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. ચાદરની આ ભેટ ભિખ્ખુ આનંદ લેવા આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું: ‘આટલી બધી ચાદરોનું તમે શું કરશો?’ ભિખ્ખુ આનંદ કહે: ‘જે શિષ્યોની ચાદર ફાટી ગઇ છે એમને અમે આ નવી ચાદર બદલી આપીશું.’ આ સાંભળીને રાજાએ બીજા કેટલાક સવાલ પૂછ્યા:
‘શિષ્યોની ફાટી ગયેલી ચાદરોનો નિકાલ કેવી રીતે કરશો?’
‘એમાંથી અમે બેસવા માટે નાનાં આસન બનાવીશું.’
‘... તો બેસવા માટેનાં જૂનાં આસનનું પછી શું કરશો?’
‘એમાંથી સારા ભાગના ટુકડા કરી એને અલગ કરી એમાંથી ઓશીકાનાં કવર બનાવીશું.’
‘તો પછી ઓશીકાનાં જૂનાં કવરનું શું કરશો?’
‘એવાં કવર એકત્રિત કરીને એમાંથી કેટલાંકનો ઉપયોગ સફાઇ કરવાનાં પોતાં તરીકે કરીશું અને સાવ ઝળી ગયાં હોય એવાં કવરને ગાદલાં ભરવા માટે ઉપયોગમાં લઇશું.’
રાજા હજુ પ્રશ્નોનો દોર ચલાવતા જ રહ્યા!
‘જૂનાં નકામાં થઇ ગયેલાં ગાદલાં અને જૂનાં સફાઇ કરવાનાં પોતાંનો નિકાલ કેવી રીતે કરશો?’
‘અમે એમાંથી પાઉડર બનાવીશું અને એ પાઉડરને ચૂનાની સ્લરીમાં મિક્સ કરીને પછી એ મટીરિયલમાંથી દીવાલ પર પ્લાસ્ટર કરીશું.’
આ બધા જવાબોની શ્રૃંખલા સાંભળી રાજા ખૂબ જ પ્રભાવિત થયો ને પૂરા માન સાથે આનંદને 500 ચાદર સાથે વિદાય આપી. પ્રાપ્ય સંસાધનોનો કુનેહપૂર્વક ઉપયોગ કરવો એ માનવીય કાબેલિયત છે. આ કાબેલિયત યુગો પુરાણી છે, એ ભૂલવા જેવું નથી.
[email protected]
X
article by bhadrayu vachhrajani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી