જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી / પ્રેમ : આનંદનો વર્તમાનકાળ...

article by ankittrivedi

Divyabhaskar.com

Aug 12, 2019, 06:08 PM IST

જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી
એક ક્ષણ
ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાં
બિલાડીનાં બચ્ચાં બની જઈએ છીએ.
ના, ત્યારે આપણે માત્ર આનંદ થઇ એકમેકને વીંટળાઈ વળીએ!
ના, ના,
તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે?
તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન ફરી ફરી પૂછે છે :
‘તમે મને ભૂલી તો નહીં જાઓ ને?’
હું ઢોંગ કરીને કહું છું, ‘હા, ભૂલી જઈશ.’
અને
આપણે ખડખડાટ હસી પડીએ છીએ.
ત્યારે
તું ડાબા હાથે સૂર્યને પૂર્વ ક્ષિતિજ ઉપર રોકી રાખે છે
અને કહે છે :
(મારા મોં ઉપર હાથ મૂકી કહે છે)
‘પાછા બોલો તો?’
તે ક્ષણે
આપણે બે ગુલાબનાં ફૂલ હોઈએ છીએ.
ના, તે ક્ષણે
આપણે માત્ર સુવાસ જ હોઈએ છીએ.
- વિપિન પરીખ

ક્ષ ણમાં જીવો છો? તો તમને જિંદગીની ખબર છે. જિંદગી જીવો છો તો તમને ક્ષણની ખબર છે. પ્રેમમાં પડેલી ચાર આંખો એક જ દૃષ્ટિનો માળો બાંધે છે. પ્રેમ રમત નથી, પરંતુ પ્રેમમાં એકમેકનું ‘હોવું’ છેડછાડનો, બાળપણની રમતનો પર્યાય બની જાય છે. પ્રેમ ક્ષમા જીવીને શાશ્વતીને રોમાંચિત કરે છે. પ્રેમમાં કશું જ નથી હોતું! ફક્ત ‘કશું જ નથી હોતું’ એની જાણ જ હોય છે. પિછાણી લીધા પછીની, અજાણી રહી ગયેલી ભવોભવની ઓળખાણ હોય છે.
વિપિન પરીખની આ કવિતા એટલે યાદ આવી, કારણ કે આપણો પ્રેમ ગિફ્ટમાં, સ્ટેટસમાં ફેસબુકના સેલ્ફીમાં અટવાઈ ગયો છે. સમય આપવો પડે છે પ્રેમમાં. એવું કહેવાની પણ જરૂર ન પડે અને એકબીજામાંથી પસાર થઇ ગયેલા સમયની સુંદરતા આંખોમાં ચમકાય ત્યારે પ્રેમને instagramની સ્ટોરીની જરૂર નથી પડતી!
બે વ્યક્તિઓ ગેલમાં આવીને બિલાડીનાં બચ્ચાંની જેમ માત્ર આનંદથી વીંટળાઈ વળીને એકબીજાને અનુભવે ત્યારે સ્પર્શ શરીરની વ્યાસપીઠ પરથી વહાલનું ‘ઉપનિષદ’ સમજાવે છે, ત્યારે બંને વગર, બંને જણા, બંનેમાં ઓતપ્રોત હોય છે. ત્યારે ક્ષણ લંબાતી જ નથી! ઘડિયાળનો સમય ઓછો પડે છે અને ઘડિયાળ વગરના સમયમાં દુનિયા માનતી નથી! ત્યારે પાસેની વ્યક્તિ ભૂલી જશે કે દૂર થઇ જશેની ચિંતા અનુભવે છે. આ ચિંતા છે ત્યાં સુધી પ્રેમ છે. આ ચિંતા પણ નહીં હોય ત્યારે પ્રેમથી ઉપર બંનેવનું ‘એકબીજાપણું’ જીવે છે.
‘ભૂલી જવાનું’ કબૂલીને નથી પડવાના ભૂલા – એની જાણ સામેવાળી વ્યક્તિ સિવાય બધામાં પડઘાય છે. એક સૂરજને રોકીને અંધારામાં બ્રહ્માંડ દેખાય છે. પછી આંખો બંધ અને ખૂલવામાં ઋણાનુંબંધ હોય છે, ત્યારે બિલાડીની જેમ ગેલમાં આવેલો આનંદ બેહિસાબ ગુલાબની સુગંધ બની જાય છે. પ્રેમમાં પડવું એટલે સુગંધના જન્મદિવસને ઊજવવો!
‘જીવનના હકારની આ કવિતા’ વિપિન પરીખની કવિતા છે. સાથે સાથે પ્રેમમાં ખોવાઈ ગયેલા બે જણા ફરીથી પ્રેમમાં ભૂલા પડવાની શરૂઆત કરે છે. પ્રેમ એટલે એવી ક્ષણ જે જીવી ગયા પછી રોમેરોમમાં રમમાણ રહે છે.
[email protected]

X
article by ankittrivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી