જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી / લાવારિસ રોમાંચની વાત

article by ankit trivedi

Divyabhaskar.com

Sep 09, 2019, 11:58 AM IST

જીવનના હકારની કવિતા- અંકિત ત્રિવેદી
આવું કાં થાય?
આવું કાં થાય?
એનો ઉત્તર છે એટલો કે એવું પણ થાય,
એના જેવું પણ થાય.
છાપામાં ઊઘડતું તાજું પરોઢ,
રોજ સાંજ પડે પસ્તી થઇ જાય;
આખ્ખો દિ’ ત્રાજવામાં ઉછળતી લાગણીઓ,
સરવાળે સસ્તી થઇ જાય.
કોરી આંખોમાં હોય બેઠેલા ખારવા,
ને માછલીઓ ચશ્માંમાં ન્હાય!
આવું કાં થાય?
રોજ રોજ પંખી ઝુલાવનાર ડાળખી,
એક દિવસ ખીંટી થઇ જાય,
લેખણમાં ઊડાઊડ કરતું પતંગિયું,
કાગળમાં લીટી થઇ જાય.
ક્યાંક ફૂલદાની પર ચોમાસુ ત્રાટકે,
ને ક્યાંક ઊભાં જંગલ સુકાય.
આવું કાં થાય?
 વિનોદ જોશી
પ્ર સ્તુત ગીતના કવિ વિનોદ જોશી છે. આપણે કોઈ દિવસ આપણા જીવનને નજીકથી જોવાનો પ્રયત્ન કર્યો છે? સવારથી સાંજ સુધી કેટલા બધા પ્રશ્નો જવાબો વગર રહી જતા હોય છે. આપણે ધારેલો જવાબ હંમેશાં ખોટો જ પડતો હોય છે. દરેક પરિસ્થિતિની સામે આપણે સમાધાન કરવું પડે છે. દિવસ દરમિયાન ન થવા જેવું કેટલી બધી વખત થતું હોય છે? પ્રસ્તુત ગીત આવી ન થવા જેવી ક્ષણોને આકાર આપે છે. આપણે ઘણીવાર આવો પ્રશ્ન પૂછતા હોઈએ છીએ કે મારી જોડે જ આવું કેમ થાય છે? એનો જવાબ કવિ ‘આવું પણ થાય, એના જેવું પણ થાય’ – એમાં આપી દે છે.
રોજ સવારે છાપાનાં પાનાંમાં ઊઘડતી સવાર, સાંજે પસ્તીના ઢગલામાં લપાઈ જાય છે. સવાર સાથે ઊગતો રોમાંચ સાંજ પડે લાવારિસ બની જતો હોય છે. રાત્રે જોયેલું સપનું સવારે સાચું પડે એ માટે આખો દિવસ દોડધામ કરવામાં આવે છે અને સાંજે એ સપનું આપણને આપણી ધારણા મુજબ ફળતું હોતું નથી. હવે રાત્રે સપનું આવે એના માટે પણ પ્રાર્થના કરવી પડે એમ છે. સવારે વાંચેલું છાપું અને એમાં છપાયેલી વિગતો આખો દિવસ શ્વાસ લેવા માટે પૂરતી થઇ પડે છે. આખો દિવસ ‘ચર્ચા’માં પૂરો થાય છે. કોઈકે આપણને પ્રેમથી કહેલા શબ્દો બરછટ લાગતા હોય છે. લાગણીને લવારો ગણીને હસી કાઢવામાં આવે છે.
હવે ખારવા દરિયાકિનારે જ માછલીઓ પકડે છે એવું નથી. હવે ખારવા કોરી આંખોમાં બેઠેલા હોય છે. જે ઈચ્છા નામની માછલીને પકડવા જાળ નાખીને તાકી રહ્યા છે, પણ એ માછલીઓ ચશ્માંમાં નહાય છે. બે આંખોને કેટલું બધું જોવાની ઝંખના હોય છે?
પરિસ્થિતિ પલકવારમાં બદલાતી રહે છે. ગઈ કાલે ઊગેલી કુંપળ કાલાંતરે ડાળખી બને છે અને એ ડાળખી કેટલાંય પંખીઓનું આશ્રયસ્થાન હતી. આજે એ જ ડાળખી શર્ટ ભરાવવાની ખીંટી બની ગઈ છે. પંખીના ટુકડાઓ ખીંટી ઉપર લટકતા ભારમાં ચગદાઈ મર્યા છે. ગઈ કાલનો વૈભવ અત્યારે વેરાનમાં પરિણમે છે. આવું કેમ? એનો જવાબ ‘આવું જ હોય’ એનાથી વધુ સારો જવાબ મળી શકે ખરો? હાથમાં રાખેલી પેનમાં કેટલો બધો ઉમળકો હોય છે, દરેક અવસ્થા વિશે લખવાનો! પણ એ પેનમાં રહેલો સળવળાટ કાગળ પર કકળાટ બની જાય છે. કાગળ ઉપર માંડમાંડ શબ્દો સૂઝે છે. અને એવું પણ નથી કે બધું ખરાબ થાય છે, પણ ખરાબ થવાની વ્યાખ્યાને આપણે બદલી નાખવી પડે એવું પણ થતું હોય છે. ફૂલદાનીનું નસીબ સારું પણ હોય છે કે એને ચોમાસુ માણવા મળે છે અને ચોમાસાના નસીબમાં ફૂલદાની હોય છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ. ફૂલદાની ચોમાસાને માણે છે અને જંગલ માટે ચોમાસુ અટકળ બની જાય છે.
[email protected]

X
article by ankit trivedi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી