Back કથા સરિતા
અંકિત ત્રિવેદી

અંકિત ત્રિવેદી

કવિતા (પ્રકરણ - 78)
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.
પ્રકરણ-67

સંબંધ: ટેકન ફોર ગ્રાન્ટેડનો...

  • પ્રકાશન તારીખ28 Aug 2019
  •  

ઓફબીટ- અંકિત ત્રિવેદી
દોડધામ
માણસની સાહ્યબી બની ગઈ છે. પોતાનો કક્કો સાચો ઠેરવવા સંસ્કારો અને ભાષા બંનેને લપટી પાડી નાખે છે. દરેક જગ્યાએ માણસને મહત્ત્વ જોઈએ છે. દરેક જગ્યાએ દરેકને પ્રોમિનન્સી અને પ્રાઇવસી બંને જાઈએ છે. બંને સાથે કઈ રીતે મળે? પલાંઠી વાળીને પોતાના વિશે વિચારવાનો સમય માણસથી દૂર ભાગી ગયો છે. ‘અંતરખોજ’ નામનો શબ્દ ધુમ્મસની જેમ વિખેરાઈ ગયો છે. બોલચાલનો તે સરળ શબ્દ દંભનો ઢોળ ચડાવવાને લીધે લપટો પડી ગયો છે. મહત્ત્વ અને મમત્વ ચારે બાજુ જાળ ફેલાવીને બેઠાં છે. એક જ માણસનાં એકથી વધારે વિઝિટિંગ કાર્ડ હોય એટલી ‘ઓળખ’ સાથે જીવવું એના શોખનો વિષય બન્યો છે. જીવનનો નિર્વાહ ચાપલૂસી અને વાહવાહ ચલાવે છે. પોતાનો નિજ અવાજ ડાળી પર બચેલા છેલ્લા પાંદડા
જેવો શુષ્ક લાગે છે. પ્રજ્ઞા જીભ પર થીજી ગયેલી સંજ્ઞા બની ગઈ છે.
જાતને ઓળખવી એટલે પ્રત્યેક ક્ષણથી સભાન રહેવું. જાતને ઓળખવી એટલે જપ-તપ ને ધ્યાન વગર માણસાઈને ન્યોછાવર કરીને નમ્રતાથી જીવવું. સાંભળવું બધું જ, આચરવું નીતિમત્તાનો આગ્રહ રાખીને. ‘સમય’ બોલકો પણ છે અને ભુલકણો પણ. જે લોકો એક ક્ષણે આપણી ખૂબ બોલબાલા કરતા હોય એ જ લોકો એમનો સ્વાર્થ પતે પછી આપણી નિંદા કરવાની પણ શરૂઆત કરે છે. એક ક્ષણે ખૂબ સંકટમાં આવેલો માણસ જેને લોકો ધિક્કારતા હોય એનાથી દૂર જતા હોય એ જ માણસ સમય બદલાય અને લોકોની ગુડબુકમાં નીકળે, એવું પણ બને! વાત જાતને પ્રામાણિક રહીને જગતને શીખી જવાની છે. ‘શીખી જવું’ એટલે પાસે અને જાેડેનો ભેદ સમજી જવો. એટલે કે જગત પાસેથી સારું ગ્રહણ કરવું અને ખરાબનું ‘ગ્રહણ’ કરવું.
ડિપ્રેશનના હુમલાઓ વારંવાર થતા હોય છે. ક્ષણે ક્ષણે નંખાઈ જાય છે લોકો. ઉદાસીનો ઘેરાવો આપણને ઘેરી લે છે, કારણ કે આપણે બીજાની ભાંજગડમાં આપણને વ્યતીત અને વ્યથિત કરીએ છીએ. ઉત્પાત અને અજંપો એ જાણે આપણાં રમવાનાં રમકડાં થઈ ગયાં છે. પરિણામે આપણે શુદ્ધની જગ્યાએ શુષ્ક થતા જઈએ છીએ. જીવન આપણા શ્વાસ જેટલું નજીક છે અને ઉચ્છવાસ જેટલું દૂર પણ છે. એ તો જેવું છે એવું જ છે. નિરાશ થયા વગરનું છે. આપણે એમાં હાથે કરીને મગજમારીનો ઉમેરો કરીએ છીએ. ખોટું લાગતી વખતે બળાપો કાઢનારા માણસો સાચું લખતી વખતે સામેથી આભાર માનવા જાય છે ખરા? આપણી ખૂબ જ નજીકની વ્યક્તિની આપણને હંમેશાં ભૂલો જ દેખાય છે અને આપણે એની તુલના, જે વ્યક્તિ આપણી નજીક આવવા માંગે છે, એની સાથે કરીએ છીએ. પરિણામ નજીકની વ્યક્તિ જે આપણામાંથી સારું શોધતી હતી એને પણ આપણે ખરાબ લાગવા માંડીએ છીએ અને નજીકની વ્યક્તિ બહુ નજીકથી દૂર થતી જાય છે.
સંબંધને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાથી ઘરની ઈલેક્ટ્રિસિટીથી ચાલતો સંબંધ ભાડે જનરેટર લાવીને મહામહેનતે અવાજો સાથે પ્રસંગ સાચવવા પૂરતો નાછૂટકે ટકાવવો પડે છે. એના કરતાં આશા-અપેક્ષા અને ઇચ્છા વગરનો સંબંધ જેને ત્રાજવામાં મૂક્યા વગર આંસુથી જોખી શકાય, હાસ્યથી મૂલવી શકાય એવા સંબંધમાં રચ્યાપચ્યા રહેવાનું કોને ન ગમે? બાજુની થાળીનો લાડવો મોટો લાગે છે તે વાત સાચી, કદાચ આપણા નસીબમાં નાનો જ લાડવો આવ્યો હોય, પણ એનાથી લાડવાના સ્વાદમાં ફેર પડે ખરો? લાડવો નાનો હોય કે મોટો, સ્વાદ તો જેણે બનાવ્યો છે એના ભાવમાં ભળેલો હોય છે. સંબંધનું પણ એવું છે. સંબંધ સરખામણીમાં નહીં, પરંતુ બે વ્યક્તિના સરખાપણામાં માને છે. મળીએ ત્યારે છેલ્લે મળ્યા હતા ત્યારથી ફરીથી શરૂ થાય અને કારણનું ભારણ ન હોય, મમતાનું મારણ ન હોય, હૂંફની હૈયાધારણ હોય એ નામ પાડ્યા વગરનો સંબંધ છે.
ઓન ધ બિટ્‌સ :
ક્યાં કદી સંબંધ પૂરો થાય છે,
બસ, ઋણાનુબંધ પૂરો થાય છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP